(વાણિજ્ય પ્રતિનિધિ)
મુંબઇ: શેરબજારમાં આજના સત્રમાં ભારે અફડાતફડી જોવા મળી રહી છે. દિશાવિહિન બજારમાં અત્યાર સુધીમાં જ ૧૧૦૦ પોઇન્ટની ઊથલપાથલ નોંધાઇ છે. સેન્સેક્સ ૨૨૦ પોઇન્ટ ઊંચે જઇને ૬૦૦ પોઇન્ટ નીચે પટકાયા બાદ આ લખાઇ રહ્યું છે ત્યારે ૩૦૦ પોઇન્ટ પાછો ફરીને પાછલા બંધ સામે ૩૦૦ પોઇન્ટ નીચી સપાટીએ ટ્રેડ થઇ રહ્યો છે.
શેરબજારમાં શરૂઆતના તબક્કે તેજી જોવા મળી હતી અને સેન્સેક્સ વૈશ્ર્વિકરાહે અપેક્ષાનુસાર ઊંચા મથાળે ખૂલ્યું હતું. સવારે સેન્સેક્સ ૨૨૦ પોઈન્ટ્સ વધીને ટ્રેડ થઈ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૮૧૨૦ની સપાટીએ પહોંચી ગયો હતો. બુધવારે અમેરિકાના બજારો વધ્યા બાદ આજે સવારે એશિયાના અન્ય બજારોમાં પણ તેજી જોવા મળી હતી.
યુએસ ફેડની મિનિટ્સમાં આક્રમક વલણ જાળવી રાખવાના સંકેત વચ્ચે પણ અમેરિકાના બજારો વધ્યા હતા. એશિયાના બજારોમાં આજે હેંગસેંગમાં સારો એવો ઉછાળો જોવા મળ્યો હતો. વૈશ્ર્વિક બજારોના પોઝિટિવ વલણને પગલે ભારતીય શેરબજાર પણ આજે ઉપરમાં ખૂલ્યું હતું.
બુધવારે મોટો ઘટાડો થયા બાદ નીચા લેવલે ફરી નવી લેવાલી શરૂ થતા પણ બજારમાં સુધારો જોવાયો હતો. જોકે, રોકાણકારોએ નીચા મથાળાની લેવાલી અટકાવી દીધી હોવા સાથે આગામી ચાલ માટે કોઇ ટ્રીગરના અભાવમાં વેચવાલીનું દબાણ પણ વધી જતાં સંપૂર્ણ સુધારો ધોવાઇ ગયો હતો અને બેન્ચમાર્ક ૬૦૦ પોઇન્ટથી વધુ નીચી સપાટીએ ગબડ્યો હતો. જોકે, મધ્યસત્ર બાદ ફરી નીચા મથાળાની લેવાલીવનો ટેકો મળતાં ૩૦૦ પોઇન્ટનો ઘટાડો પચાવ્યો છે.
આજે સવારે એફએમસીજી, મેટલ, ઓટો, ઓઈલ-ગેસ, રિયલ્ટી અને કેપિટલ ગૂડ્ઝ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી જ્યારે ફાઈનાન્શિયલ, બેન્ક, આઈટી શેરોમાં વેચવાલીનું ભારે દબાણ જોવા મળ્યું હતું. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૦૯ ટકા અને ૦.૦૯ ટકા ગબડ્યા હતા.