૨૫૯ ઉમેદવારનું ભાવિ પેટીપૅક: બીજી માર્ચે પરિણામો જાહેર કરાશે
અગરતલા: ત્રિપુરા વિધાનસભાની ૬૦ બેઠકોની ૧૬ ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણીમાં સાંજે ચાર વાગ્યા સુધી ૮૧.૧૧ ટકા મતદાન નોંધાયું હતું અને પચાસ હજાર લોકો મતદાનની કતારોમાં ઊભા હતા. કુલ મતદાનનો આંકડો શુક્રવારે જાહેર કરવામાં આવશે. ૩૩૩૭ મતદાન કેન્દ્રોમાં સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી મતદાનનો સમય હતો. ગુરુવારની ચૂંટણીમાં વિવિધ પક્ષોના ૨૫૯ ઉમેદવારો
મેદાનમાં હતા. રાજ્યમાં ૧૩.૫૩ લાખ મહિલાઓ સહિત કુલ ૨૮.૧૩ લાખ મતદાતાઓ નોંધાયેલા છે, તેમાં ૬૫,૦૦૦ નવા મતદાતા છે.
રાજ્યના અતિરિક્ત મુખ્ય ચૂંટણી અધિકારી યુ.જે. મોગે જણાવ્યું હતું કે ભારતીય જનતા પક્ષે ૬૦માંથી પંચાવન બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા છે. ભાજપના સાથી પક્ષ ઇન્ડિજિનસ પીપલ્સ ફ્રન્ટ ઑફ ત્રિપુરા (આઈપીએફટી)ના ૬ ઉમેદવારો મેદાનમાં છે. રાજ્યમાં ૨૦ વર્ષ શાસન કર્યા પછી વર્ષ ૨૦૧૮માં ભાજપ-આઈપીએફટી ગઠબંધન સામે હારી ગયેલા ડાબેરી મોરચાએ ૪૭ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા છે. ડાબેરી મોરચાના સહયોગી પક્ષ કૉંગ્રેસે ૧૩ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા છે. પ્રાદેશિક પક્ષ ટિપરા મોથાએ કોઈપણ પક્ષ જોડે ગઠબંધન વગર ૪૨ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા છે. ૫૮ અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં છે.
બોર્દોવાલી શહેર મતક્ષેત્રમાંથી પેટા ચૂંટણી જીતેલા ત્રિપુરાના મુખ્ય પ્રધાન માણિક સહા એ જ બેઠક પરથી ફરી ઉમેદવારી કરી રહ્યા છે. ડાબેરી મોરચા અને કૉંગ્રેસ ગઠબંધને મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર તરીકે જાહેર કરેલા માર્ક્સવાદી પક્ષના ત્રિપુરા એકમના સચિવ જિતેન્દ્ર ચૌધરી સબ્રૂમ વિધાનસભા મતવિસ્તારમાંથી ઊભા છે. ટિપરા મોથા પક્ષના સર્વેસર્વા અને ત્રિપુરાના ભૂતપૂર્વ રાજવી પરિવારના સભ્ય તેમ જ ત્રિપુરા ટ્રાઇબલ એરિયાઝ ઑટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલના સભ્ય પ્રદ્યોતકિશોર દેબબર્મા આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ઊભા નથી.
ચૂંટણી-મતદાન દરમિયાન કેટલીક અનિચ્છનીય ઘટનાઓ બની હતી. રાજકીય હિંસાની ત્રણ ઘટનાઓમાંથી બે ઘટનાઓમાં માર્ક્સવાદી પક્ષના બે કાર્યકરો ઇજા પામ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ બે ઘટનાઓ ગોમતી જિલ્લાના કાકરાબનમાં અને સેપાહીજલા જિલ્લાના બોક્સાનગરમાં નોંધાઈ હતી. કેટલાક મતદારોને રાજકીય પક્ષોના કાર્યકરો તરફથી ધાકધમકી અને હેરાનગતિની ફરિયાદો પણ મળી હતી. તાજેતરમાં ત્રિપુરામાં પુનર્વસન કરવામાં આવેલા બ્રુ શરણાર્થીઓએ પણ મતદાનમાં ભાગ લીધો હતો. રાજ્યમાં બ્રુ જાતિની ૩૭,૧૩૬ લોકોની વસતીમાં ૧૪,૦૦૫ મતદાનની પાત્રતા ધરાવે છે. (એજન્સી)