કેતકી જાની
સવાલ : અમે થોડા સમય પહેલાં જ ગુજરાતથી મુંબઇ શીફટ થયા છીએ. હું ત્યાં જોબ કરતી હતી અને અહીં પણ એક મહિનાથી જોબ કરું છું, પરંતુ મને આટલા ટૂંકા સમયમાં ઑફિસવર્ક સંભાળવું અકારું થઇ પડ્યું છે. ઑફિસમાં ઢગલા બંધ પૉલિટિક્સ ચાલી રહ્યાં છે. ક્યારેક મને લાગે છે હું ઘણાં કલીગ્સને ગમતી નથી, તેથી તેઓ ઘણા મને ટારગેટ બનાવી હેરાન કરે છે. ઑફિસની માથાકૂટમાં ઘરમાં પણ ગમતું નથી ને તબિયત પણ જાણે ટકાટક નથી રહેતી, જીવવું દોહયુલું થઇ ગયું છે, શું કરું?
જવાબ: સૌપ્રથમ તો વાત એ જ કે બહેન, માત્ર એક જ મહિનો તો થયો છે. નવી જગ્યા, નવા લોકો નવું કામ, નવું વાતાવરણ આ બધું જ તમારા માટે ખરેખર એક ચેલેન્જ છે. સ્વાભાવિક છે, તમે અહીં જણાવી તે માનસિકતા અનુભવો છો તેમ થવું, પરંતુ મારો મત માનો તો આટલી જલદી હારી નહીં જવાનું બહેન. થોડી ઘણી વાતો જણાવું આગળ તેનું ધ્યાન રાખો કદાચ ક્રમશ: બધું જે અણગમતું છે તે ગમતું ભલે ના થાય, પણ ત્યાં જીવી જ ના શકાય તેવી ભાવના ચોક્કસ ઓછી થશે. તમે નવી જગ્યાએ છો એટલે પહેલાં જેવું તો લગભગ કશું ના હોય ને? માટે સૌપ્રથમ મનને તૈયાર કરો, કે હવે આ જ જગ્યા મારી છે. અને અહીં અનુકૂળ થઇ રહેવું મારા માટે શ્રેયસ્કર છે. રોજ સવારે મનથી આ પ્રકારના પોઝિટિવ વાઇબ્સ આખા શરીરને પહોંચાડો કે હું ચોક્કસ અહીં સફળતાપૂર્વક સેટ થઇ શકીશ. તેના માટે જે પણ તકલીફો સામે આવશે તે હું પાર કરી જઇશ-ઑફિસમા જો નવા પ્રકારનું કામ તમારા ભાગમાં આવ્યું હોય તો મહેનતથી તે શીખવામાં ધન્યતા સમજો. એકવાર કામમાં પાવરધા થઇ જશો તો તમે આજે ટારગેટ થયા હોવાનું અનુભવો છો કે કદાચ કલીગ્સના પ્રતિર્સ્પધકમાં બદલાઇ જશો. જયાં સુધી તમે તમારા કામમાં સફળ સાબિત નહીં થાવ ત્યાં સુધી તમે સતત અસુરક્ષાની લાગણી અનુભવશો તે નગ્ન સત્ય છે.
ઑફિસમાં ચાલતી ગોસિપથી સદંતર દૂર રહો, માત્ર સાંભળો, પણ તમે કોઇ સાથે કોઇ વિશે ના બોલો. કોઇ ઑફિસવર્ક ના આવડે તો હતાશ થવાના બદલે જે તે સંબંધિત વ્યક્તિને ફરી ફરી પૂછો. પૂછવામાં નાના નથી થવાતું બહેન. મને તો બધું જ આવડે હું શા માટે જે-તે વ્યક્તિ પાસે જાઉં? શા માટે તેને પૂછું? આવા પ્રકારના ઇગો-માઇન્ડ સેટ પ્લીઝ ના રાખશો-ઑફિસના કલીગ્સ- સહકર્મીઓ માટે જાતે જ કોઇ પણ પ્રકારનાં તારણો ના બાંધી લેવા, ત્યાં તમે કોઇ સાથે સંબંધ નથી ધરાવતા તેઓ માત્ર ઑફિસવર્ક પૂરતાં તમારી સાથે બંધાયેલા છે. માટે તેમના વર્તનમાં હંમેશાં સૌજન્યની અપેક્ષા ના રાખવી. શક્ય છે તેઓ ઉપર વધુ જવાબદારીવાળા કામનું પ્રેશર હોય તેથી તેઓ આવું વર્તન કરતાં હોય? પણ હા, તમારે તો ઑફિસમાં હેલ્પિંગ હેન્ડ-પ્યૂનથી માંડી બૉસ બધા જ સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર રાખવાનો. ઑફિસમાં સતત સાવધાનની અવસ્થામાં રહેવાથી તમે ઑફિસમાં જલદી સેટ થઇ શકો. તમારા કાન-આંખ ઑન ડ્યૂટી રાખવા, જેથી ઑફિસમાં કયાં, શું થઇ રહ્યું છે તે જાણી શકાય. શકય હોય ત્યાં સુધી બોસ કે અન્ય કોઇ પણ જોડે પર્સનલ સંબંધ અને ઑફિશિયલ સંબંધની ભેદરેખા ઘેરી રાખવી, ક્યારેક નવા સ્ત્રી સહકર્મીને અમુક લોકો જાણી જોઇ પરેશાન કરતાં હોય તેવું પણ બને છે, તેવા લોકો માટે તમારી સીકસથ સેન્સ ચોક્કસ ઇશારો આપશે તે સમજી જવું જરૂરી છે. તમે નવા છો ઑફિસમાં કોઇ પણ સાથે હમણાંથી જ ફાસ્ટ ફ્રેન્ડસ બનવાની ઉતાવળ કરી ઘરની બધા જ સિક્રેટસ બતાવવાની ભૂલ ના કરશો, હજી છ-આઠ મહિના લોકોનું અવલોકન કરો, સમય તમને યોગ્ય ફ્રેન્ડ મેળવી આપશે જ. મારી વેવલેન્થ સાથે મેચ થશે. ઑફિસકામ ઇમાનદારીથી સો ટકા મહેનત કરો, એક દિવસ ચોક્કસ તમારા અફેટર્સનું સન્માન થશે જ. તમે રોદણા રોયા કરશો અને તેનાથી કામમાં ભલીવાર નહીં આવે તો પણ કોઇ કદી તમને માન આપશે તેમ માનવું ભૂલ છે. તમે હમણાં તમારા કામમાં એકનિષ્ઠ રહી ચાલાકીથી થોડો સમય જવા દો, બધું જ કદાચ તમારી યોગ્યતા પુરવાર થતાં જ થાળે પડી જાય તેમ બને, અસ્તુ.