ગુજરાતીઓના મોટાભાગના ઘરોમાં ઘી તો ખવાતું જ હોય છે. પછી એ ઘી ગરમ રોટલી પર લગાવીને ખવાતું હોય કે દાળમાં ઘી નાખીને ખાવાની વાત હોય… બંને પરિસ્થિતિમાં ખાદ્યપદાર્થનો સ્વાદ વધારવાનું કામ કરે છે આ ઘી. આ સિવાય પણ ઘણી બધી એવી વાનગીઓ છે કે જેને બનાવવા માટે ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. એનું એક કારણ એ પણ છે કે ઘીએ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ શું તમે જાણો છો કે તમે જે ઘી ખાઈ રહ્યા છો તે કેટલું શુદ્ધ છે? શું તમને ખાતરી છે કે તેમાં ભેળસેળ કરવામાં આવી નથી?
ઘણી વખત એવું પણ બની શકે છે કે તમે જે ઘી પી ખાઈ રહ્યા છો બનાવટી કે ભેળસેળ વાળું હોય છે. આ ઘી કેટલાક ભેળસેળયુક્ત પદાર્થ દ્વારા તૈયાર કરવામાં આવે છે. હવે આવી પરિસ્થિતિમાં લાખ રૂપિયાનો સવાલ એ ઊભો થાય છે કે જો ઘીમાં ભેળસેળ કરવામાં આવી છે તો તેને કેવી રીતે શોધી શકાય એમ છે. ચાલો આજે અમે તમને અહીંયા કેટલીક એવી ટિપ્સ આપીશું કે જેની મદદથી તમે ઘરે બેઠા જ તમે ખાઈ રહેલું ઘીએ અસલી છે કે નકલી એનો તફાવત જાણી શકશો…
આ રીતે ઓળખો ઘીની શુદ્ધતાને-
ઘીને ગરમ કરો
ઘીની શુદ્ધતાની તપાસવાની સૌથી સરળ રીત છે કે તેને ગરમ કરવું. ઘી ગરમ કરતાં જો તે તરત જ પીગળવા લાગે અને બ્રાઉન થઈ જાય, તો તેનો અર્થ એ થાય છે કે આ ઘી એકદમ શુદ્ધ છે અને એનાથી ઉલટું ગરમ કરતી વખતે બ્રાઉનને બદલે પીળું થવા લાગે તો સમજવું કે તેમાં ચોક્કસ ભેળસેળ કરવામાં આવી છે.
હથેળી પર ઘસો
ઘીની શુદ્ધતા કરવા માટે તમે બીજો એક નુસખો એ પણ અજમાવી શકો છો કે ઘીને હથેળી પર ઘસો. જો આ ઘી તરત જ ઓગળવા લાગે તો તેનો અર્થ એવો થાય છે કે આ ઘી સંપૂર્ણપણે શુદ્ધ છે. જો તેનો વિપરીત જો આ ઘી ઓગળતું નથી, તો તે કદાચ ભેળસેળયુક્ત હોઈ શકે છે.
મીઠાથી ચકાસો ઘીની શુદ્ધતા
ઘી શુદ્ધ છે કે ભેળસેળયુક્ત છે તમે તમારા રસોડામાં રહેલાં મીઠાથી પણ ઓળખી શકો છો. એક બાઉલમાં એક ચમચી ઘી નાખો અને ત્યાર બાદ તેમાં થોડું મીઠું અને હાઇડ્રોક્લોરિક એસિડ મિક્સ કરો અને તેને 20 મિનિટ માટે એમને એમ રાખી મૂકો. જો તમને ઘીમાં કોઈ રંગ દેખાતો નથી, તો તે સંપૂર્ણપણે શુદ્ધ છે અને જો કોઈ રંગ દેખાય તો આવું ઘી ભેળસેળયુક્ત છે.
પાણીથી પણ પરખી શકાય ઘીની શુદ્ધતા
લાસ્ટ બટ નોટ ધી લીસ્ટ તમે ઘીની શુદ્ધતાનું પરીક્ષણ પાણી દ્વારા પણ કરી શકો છો અને એક ગ્લાસ પાણીમાં એક ચમચી ઘી નાખો. જો ઘી પાણીની ઉપર તરતું જોવા મળે તો તે 100 ટકા અસલી છે અને જો પાણી પર તરવાને બદલે, તળિયે સ્થિર થવા લાગે, તો તેનો અર્થ એ કે તેમાં ભેળસેળ કરવામાં આવી છે.