રોટલી એ ભારતીયોનો મૂળ ખોરાક છે અને ભોજનનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. રોટલી વિના ભોજન પૂરું થતું જ નથી. રોટલીના પણ અલગ અલગ પ્રકાર હોય છે અને તે અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. કેટલાક લોકો ફુલકા ખાવાનું પસંદ કરે છે તો વળી કેટલાક નોર્મલ રોટલી બનાવે છે. અમુલ લોકો તો પરાઠા પણ ખાવાનું પસંદ કરે છે, આ સિવાય કેટલાક તવા અથવા તંદૂરી રોટલી બનાવે છે. ભોજનનો આટલો મહત્ત્વપૂર્ણ અંગ એવી રોટલી આખા દિવસમાં કેટલી ખાવી જોઈએ એ બાબતે હંમેશા જ કન્ફ્યુઝન જોવા મળે છે, તો ચાલો આજે અમે તમારું આ કન્ફ્યુઝન દૂર કરીએ અને જણાવીએ કે આખરે આખા દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ એ-
જો તમે વજન ઓછું કરવા માગતા હોવ તો મહિલાઓએ તેમના ડાયટ પ્લાન મુજબ 1400 કેલરી લેવી જોઈએ. આ પ્રમાણે સવારે બે રોટલી અને સાંજે બે રોટલી ખાઈ શકે છે. એ જ રીતે પુરુષોએ વજન ઘટાડવા માટે દરરોજ 1700 કેલરી લેવી જોઈએ અને તેમાં તેઓ લંચ અને ડિનરમાં ત્રણ-ત્રણ રોટલી ખાઈ શકે છે.
રાતના સમયે રોટલી ખાવી હોય તે તેના પછી વોક લેવાનું ખૂબ જ જરૂરી છે. જેથી રોટલી સારી રીતે પચી જાય, કારણ કે રાતના સમયે પાચન ક્રિયા મંદ પડી જાય છે અને જેને કારણે રોટલી પચવામાં વધુ સમય લાગે છે. એ જ રીતે, દિવસ દરમિયાન રોટલી ખાધા પછી, તરત જ સૂવું નહીં, ઓછામાં ઓછા અડધા કલાક બાદ જ આરામ કરવો જોઈએ.
આમ તો રોટલી ખાવાનું શક્ય એટલું ઓછું જ રાખવું જોઈએ, પણ જો રોટલી ખાધા વિના ન ચાલે એમ હોય, અને ઝડપથી વજન ઘટાડવું હોય તો ઘઉંના લોટની રોટલીને બદલે જુવાર, બાજરી, રાગી અથવા મકાઈના લોટનો રોટલો ખાવો જોઈએ. આ ધાન્યના લોટમાં રહેલું નત્રિલ દ્રવ્ય મુક્ત છે અને તેમાં ફાઈબરનું પ્રમાણ વધુ છે જે તમારું પેટ ઝડપથી ભરે છે અને આ રોટલી પણ સારી રીતે પચી જાય છે. આ રોટલી વજન ઘટાડવામાં ખૂબ જ અસરકારક માનવામાં આવે છે.
આ લેખ વાંચીને ચોક્કસ જ તમારી આખા દિવસમાં કેવી અને કેટલી રોટલી ખાવી જોઈએ એ બાબતનું કન્ફયુઝન દૂર થઈ જ ગયું હશે, નહીં?