દિલ્હીમાં આઠ વર્ષથી સરકાર ચલાવી રહેલા અરવિંદ કેજરિવાલે સીધી ભાજપ સામે બાંયો ચડાવી હોવાથી એક પછી એક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, પરંતુ રવિવારે થયેલી નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદીયાની ધરપકડે કેજરીવાલ અને આમ આદમી પક્ષ પર મોટું સંકટ ઊભું કર્યું છે. આનું કારણ એ છે કે સિસોદીયા પાસે 18 પોર્ટેફોલિયો છે અને હવે તે બધાના કામ અન્યને આપવા પડશે જે સહેલું નથી. સૌથી મોટી સમસ્યા એ છે કે માર્ચ મહિનામાં દિલ્હીનું બજેટ રજૂ કરવાનું હોય છે, જે સિસોદીયા કરવાના હતા. હવે આ બજેટ લગભગ કૈલાશ ગહલોત કરશે. સિસોદીયા પર તોળાતી તલવારની જાણ હોવાથી ગહલોત પણ નાણાં ખાતાની બેઠકોમાં હાજર રહેતા હતા, પરંતુ તેમની માટે બજેટ રજૂ કરવું પડકાર રહેશે. આ સાથે મનીષ સિસોદીયા પાસે શહેરી વિકાસ, પર્યટન, નાણા, જમીન અને મકાન જેવા મહત્વના પોર્ટેફોલિયો છે. દિલ્હીમા જી-20 અંતર્ગત સાફસફાઈ અને સૌંદર્યકરણનું કામ તેઓ સંભાળી રહ્યા હતા, જે હવે ગલ્લે ચડશે. આ સાથે જો તેઓ લાંબો સમય જેલમાં રહે તો દિલ્હી સરકારના કામકાજ સાથે પક્ષના કામકાજ પર પણ અસર પડે. 2023માં ઘણા રાજ્યોની ચૂંટણી છે અને આપ પોતાની પાંખો બધે ફેલાવા માગે છે. આથી કેજરીવાલે આ વર્ષમાં ઘણા રાજ્યોની ટૂર કરવાનો વિચાર કર્યો હતો, પરંતુ હવે નંબર-ટુ સિસોદીયા ન હોવાથી તે મુશ્કેલ બની રહેશે.
દિલ્હી પાલિકામાં મેયરપદ જીત્યા બાદ પણ એમસીડીની સમસ્યાઓનો આરો આવ્યો નથી. કોર્ટે મેયર શેલી ઓબેરોયના પેનલના રિઈલેક્શનના નિર્ણયને સ્થિગત રાખ્યો છે. આપ અને ભાજપ વચ્ચે જંગ છેડાયેલો છે.
આ બધા વચ્ચે કેજરીવાલના સૌથી નજીકના, વિશ્વાસુ અને અનુભવી નેતાની ધરપકડ પક્ષ માટે મોટું સંકટ છે. અગાઉ તેમના કેબિનેટ પ્રધાન સત્યેન્દ્ર જૈનની ધરપકડ થઈ હતી. જૈનના પોર્ટફોલિયો પણ સિસોદીયા સંભાળતા હતા. એક્સાઈઝ પોલીસીની રચના અને અમલમાં કથિત ભ્રષ્ટાચારના આરોપમાં સિસોદીયાની આઠેક કલાકની પૂછપરછ બાદ સીબીઆઈએ તેમની રવિવારે સાંજે ધરપકડ કરી હતી.
તેમની ધરપકડનો સમય આપ માટે અકળાવનારો સાબિત થયો છે. દિલ્હી અને પંજાબમાં સત્તા ધરાવતા આપે ગુજરાતમાં પણ પાંચ વિધાનસભ્ય સાથે ખાતું ખોલ્યું છે. અરવિંદ કેજરીવાલે ભષ્ટાચાર નાબૂદીના નારા સાથે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો ત્યારે તેમના બે કેબિનેટ પ્રધાન ગેરરીતીના આક્ષેપ સાથે પકડાયા છે. હવે આ તમામ પડકારો સામે આ આઈઆઈટીયન કઈ રીતે બાથ ભીડે છે તે જોવાનું રહ્યું.