ટીમ ઈન્ડિયાના જાણીતા ક્રિકેટર ઋષભ પંતને થયેલા કારના ભયંકર અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચી છે ત્યારે આ અકસ્માત કઈ રીતે થયો તેનો વિવાદ વકર્યો છે. વિવાદની વચ્ચે રવિવારે આ અક્સ્માત અંગે ઉતરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ કહ્યું હતું કે રસ્તા પર ખાડાને કારણે ઋષભ પંતની કારે સંતુલન ગુમાવ્યું હતું.
ઋષભ પંતને અકસ્માત પછી દેહરાદૂનની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પંતની તબિયત સુધારા પર છે, એવું ડોક્ટરે જણાવ્યું હતું. ગંભીર ઈજા પહોંચ્યા પછી પણ આ અકસ્માત કઈ રીતે થયો તેના અંગે મતમતાંતર ચાલી રહ્યા છે, ત્યારે આ મુદ્દે ધામીએ ફોડ પાડતા કહ્યું હતું કે રસ્તા પરના ખાડાને કારણે અકસ્માત સર્જાયો હતો. એટલે ખાડાથી બચવા માટે ઋષભની કારને અકસ્માત થયો હતો. રવિવારે ધામી હોસ્પિટલમાં પહોંચીને પંતની ખબરની પૂછપરછ કરી હતી. 30મી ડિસેમ્બરના વહેલી સવારના રુરકી ખાતે ઋષભ પંતની કારને અકસ્માત થયો હતો, જેમાં તેને ઊંઘ આવી જવાને કારણે અકસ્માત થયો હોવાનું પ્રાથમિક કારણમાં જણાવ્યું હતું. આમ છતાં ડીડીસીએ અંતમાં રસ્તા પર ખાડાને કારણે અકસ્માત થયાની સ્પષ્ટતા કરી હતી. એના સિવાય પંતની કાર ઓવરસ્પીડિંગને કારણે અકસ્માત થયું હોવાનું પણ જણાવ્યું હતું.