Homeએકસ્ટ્રા અફેરમુલાયમને ભારતરત્ન કઈ રીતે આપી શકાય?

મુલાયમને ભારતરત્ન કઈ રીતે આપી શકાય?

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

આપણે ત્યાં દર વરસે પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ દેશના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપનારા લોકો માટેના પદ્મ ઍવૉર્ડ્સનું એલાન થાય છે. પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ એ ત્રણ કેટેગરીમાં દેશના નાગરિકોને અપાતું આ સન્માન મેળવવું એ કોઈ પણ નાગરિક માટે ગર્વની વાત કહેવાય. કોઈ સન્માન ના મળે તેના કારણે કોઈનું યોગદાન ઘટી જતું નથી પણ દેશની સરકાર તેની નોંધ લઈને કદર કરે એ મોટી વાત ગણાય.
દેશની સરકાર દ્વારા કરાતી આ કદરને માથે ચડાવીને પદ્મ ઍવૉર્ડને સહર્ષ સ્વીકારવાના હોય તેના બદલે કેટલાક લોકો તેમાં પણ વાંધા કાઢીને ઊભા રહી જાય છે. આ વરસે જાહેર કરાયેલા ઍવૉર્ડમાં પણ એવું જ થયું છે.
સમાજવાદી પાર્ટીના સ્થાપક, ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી તથા કેન્દ્રમાં સંરક્ષણ પ્રધાન પણ રહી ચૂકેલા મુલાયમસિંહ યાદવને મોદી સરકારે મરણોત્તર પદ્મવિભૂષણ આપવાની જાહેરાત કરી છે. પદ્મવિભૂષણ ભારતમાં ભારતરત્ન પછી બીજા નંબરનું સૌથી મોટું નાગરિક સન્માન ગણાય છે. મુલાયમસિંહ યાદવને આ સન્માન મળે છે એ ગર્વની વાત કહેવાય પણ તેના બદલે પાર્ટીના નેતાઓને વાંધો પડી ગયો છે.
સમાજવાદી પાર્ટીના પ્રવક્તા આઈ.પી. સિંહ અને ધારાસભ્ય સ્વામીપ્રસાદ મૌર્ય સહિતના નેતાઓએ મોદી સરકારના આ નિર્ણયની ટીકા કરી છે. તેમનું કહેવું છે કે, મુલાયમસિંહનાં કાર્યો, મોભો તથા દેશના વિકાસમાં આપેલા યોગદાનને જોતાં તેમને ‘ભારતરત્ન’થી ઓછું કોઈ નાગરિક સન્માન ખપે જ નહીં. મુલાયમસિંહ યાદવને પદ્મવિભૂષણ આપવાની જાહેરાત કરીને મોદી સરકારે મુલાયમસિંહનાં કાર્યો, મોભો તથા દેશના વિકાસમાં આપેલા યોગદાનની મજાક ઉડાવી છે.
સમાજવાદી પાર્ટીના બીજા નેતાઓએ પણ તેમાં સૂર પુરાવ્યો છે ને મુલાયમસિંહનાં કાર્યો, મોભો તથા દેશના વિકાસમાં આપેલા યોગદાનને જોતાં ભારતરત્ન સિવાય કંઈના આપવું જોઈએ એવું કોરસ શરૂ થઈ ગયું છે. મુલાયમના પુત્ર અને સપાના પ્રમુખ અખિલેશ યાદવ આ મુદ્દે ચૂપ છે પણ તેમણે કશું બોલવાની જરૂર જ નથી. સપાના નેતા જે રીતે મચ્યા છે એ પરથી સ્પષ્ટ છે કે, આ ટોળાને અખિલેશ યાદવના પૂરેપૂરા આશીર્વાદ છે. અખિલેશ પોતે પિતા માટે ભારતરત્ન માંગે તો એ શોભાસ્પદ ના ગણાય તેથી એ ચાવી ભરીને સપાના નેતાઓ પાસે આ માગણી કરાવે છે.
મોદી સરકારે મુલાયમસિંહ યાદવને પદ્મવિભૂષણ આપવાની જાહેરાત કરી તેની પાછળ રાજકીય ગણતરીઓ છે. ઉત્તર પ્રદેશમાં ભાજપે ઓબીસી મતબેંકમાં ઘૂસ મારવામાં સફળતા મેળવી છે પણ ઓબીસીમાં સૌથી મોટી મનાતી યાદવ મતબેંક હજુય સપા સાથે છે. ભાજપની નજર આ મતબેંક કબજે કરવા પર છે તેથી મુલાયમસિંહને પદ્મવિભૂષણની જાહેરાત કરી દીધી.
સપાના નેતાઓ પદ્મવિભૂષણના વિરોધનું આ કોરસ માંડીને બેઠા છે તેની પાછળ પણ રાજકીય ગણતરી છે. ભાજપ મુલાયમસિંહની કદર કર્યાનો જશ લઈ જાય એ સપાને પરવડે એમ નથી તેથી તેમણે મોદી સરકારે મુલાયમસિંહની યોગ્ય કદર ના કરી એ કોરસ શરૂ કરી દીધું છે. ન્યાય ખાતર કહેવું જોઈએ કે, મુલાયમસિંહ યાદવ ગુજરી ગયા ત્યારેથી સપાના નેતા મુલાયમસિંહને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન આપવાની માંગ કરી રહ્યા છે.
આઈ.પી. સિંહે પોતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પત્ર લખીને આ માગણી કરેલી. એ વખતે પણ સપાએ એવો દાવો જ કરેલો કે, મુલાયમ સિંહ યાદવના નિધન સાથે દેશમાં સમાજવાદનો એક સુવર્ણમય અધ્યાય સમાપ્ત થઈ ગયો છે. મુલાયમસિંહે સામાજિક ન્યાયની ઐતિહાસિક લડાઈ લડીને રાષ્ટ્રને સર્વસ્વ સમર્પિત કરી દીધું હતું તેથી તેમને દેશનું સર્વોચ્ચ સન્માન ભારતરત્ન આપીને સન્માનિત કરવા જોઈએ.
ભાજપના નેતાઓએ મુલાયમસિંહના નિધન પર શોક વ્યક્ત કરવામાં અને તેમના તરફ આદર બતાવવામાં કોઈ કસર નહોતી છોડી. નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ સહિતના નેતા મુલાયમના અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા હતા ને તેમની તારીફમાં મન મૂકીને વરસ્યા હતા. સપા હવે એવું સાબિત કરવા માગે છે કે, મુલાયમને માન આપવાની વાતો દેખાડો હતી, બાકી ખરેખર મુલાયમ તરફ માન હોય તો ભારતરત્ન આપવાની માગ સ્વીકારાઈ ગઈ હોત. સપાએ આગરા-લખનઊ એક્સપ્રેસ-વેનું નામ ધરતી પુત્ર મુલાયમસિંહ યાદવ એક્સપ્રેસ-વે રાખવાની પણ યોગીને વિનંતી કરી હતી ને એ માગ પણ સ્વીકારાઈ નથી. સપા તેનો ઉપયોગ રાજકીય ફાયદા માટે કરવા માગે છે. બલ્કે ભાજપની રાજકીય ચાલને ખાળવા માગે છે તેથી આ મુદ્દો ઊભો કરી દીધો છે.
જો કે ભાજપ અને સપા બંનેની રાજકીય ગણતરીઓને બાજુ પર મૂકીને વિચારીએ તો સપાની મુલાયમસિંહ યાદવને ભારતરત્ન આપવાની માગણી વધારે પડતી છે. મુલાયમ દિગ્ગજ નેતા હતા ને દેશના સૌથી મોટા રાજ્યમાં પોતાનું વર્ચસ્વ ઊભું કરવાની તેમની સિદ્ધિને અવગણી ના શકાય પણ માત્ર તેના કારણે મુલાયમને ભારતરત્ન આપવાની માંગ સ્વીકારી ના શકાય. સપાના નેતાઓને કડવી વાત લાગશે પણ મુલાયમનું યોગદાન એટલું મોટું નથી જ કે તેમને ભારતરત્ન આપી શકાય.
વિશ્ર્વનાથ પ્રતાપસિંહ મંડલ પંચનું ભૂત ધૂણાવીને ઓબીસી નેતાઓને જ્ઞાતિવાદનું ગંદુ રાજકારણ રમવાનો રસ્તો બતાવતા ગયેલા. ઓબીસી મતબેંક પર કબજો કરીને સત્તા કબજે કરનારા નેતાઓમાં મુલાયમસિંહ યાદવ પણ હતા. મુલાયમે પછી
સત્તા ટકાવવા માટે મુસ્લિમોને પણ પંપાળ્યા. આ ઉપરાંત અપરાધીઓને પણ ટિકિટોની લહાણી કરીને મસલ
પવારના જોરે સત્તા કબજે કરવાનો શોર્ટ કટ પણ મુલાયમે અપનાવેલો.
મુલાયમ એ રીતે ભારતીય રાજકારણમાં ઘૂસી ગયેલાં ત્રણ મોટાં દૂષણોના ચેમ્પિયન હતા. આ ત્રણેય દૂષણોએ દેશને કેટલું નુકસાન કર્યું છે એ કહેવાની જરૂર નથી. તેની સામે મુલાયમનું બીજું કોઈ એવું હકારાત્મક મહાન યોગદાન પણ નથી કે જેના જોરે તેમને ભારતરત્ન આપી શકાય. સપાના નેતાઓને તો મુલાયમ પોતાના મસિહા લાગે છે તેથી એ લોકો તો આવી માગણીઓ કરે પણ મોદી સરકારે આ માગણીને ગણકારી નથી એ સારું છે.
આપણે ત્યાં ‘ભારતરત્ન’ સર્વોચ્ચ નાગરિક સન્માન મનાય છે. રાજકારણીઓને ભલે આ સર્વોચ્ચ નાગરિક સન્માનના ગૌરવની પડી ના હોય પણ સરકારે તેનું ગૌરવ જાળવવું જોઈએ. ભૂતકાળમાં રાજકીય ફાયદા માટે ગમે તેને ‘ભારતરત્ન’ બનાવી દેવાયા એવું હવે ના જ થવું જોઈએ. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -