કેન્વાસ -અભિમન્યુ મોદી
પાપારાઝી. પાપારાઝી પત્રકારો. સેલિબ્રિટીની ભાષામાં ‘પેપ્સ’. મહાન ઇટાલિયન ડિરેક્ટર ફેલીનીની ફિલ્મ – ધ સ્વીટ લાઇફમાં પેપેરાઝો નામના પાત્ર ઉપરથી ઉતરીને આવેલો શબ્દ. ઈંગ્લીશમાં તેનો અર્થ થાય – ઇન્ટ્રુસીવ ફોટોગ્રાફર. ઇન્ટ્રુસીવ એટલે ઘૂસણખોર. સેલિબ્રિટી લોકો ફિલ્મ સ્ટાર્સ, મોડેલ, સ્પોર્ટ્સ પર્સન વગેરેની રૂટિન લાઇફના ફોટોઝ લેતા ફ્રીલાન્સિંગ ફોટોગ્રાફર્સ. ૧૯૭૩માં અમેરિકાની ફેડરલ કોર્ટે આપેલા ચુકાદા મુજબ પાપારાઝી ફોટોગ્રાફર્સને
ગેડફ્લાયની ઉપમા આપવા આવેલી. ગેડફ્લાય એટલે ઢોરને પજવનારી માખી કે બગાઈ.
(બગાઇ માટે એક ગુજરાતી શબ્દ છે – ડાંસ! આ માખોને ડાંસિયા માખ તરીકે પણ ઓળખવામાં આવતી.)
પાપારાઝી પત્રકારોનું (!) કામ શું? આખો દિવસ મુંબઈ એરપોર્ટના એક્ઝીટ અને એન્ટ્રી ગેટ પાસે ઊભું રહેવાનું. કોઈ પણ સેલિબ્રિટી લેન્ડ કરે કે ફલાઇટ પકડવા એરપોર્ટ પહોંચે એને ઘેરી વળવાનું. જુદા જુદા ફોટોઝ લેવાના. એમની સાથે વાત કરવાની કોશિશ કરવાની. પ્રવેશ વખતે આઇ-કાર્ડ ચેક કરનારા સિક્યોરિટી ગાર્ડ સુધી પહોંચવાનું.
સેલબ્રિટી દેખાતા બંધ થાય ત્યાં સુધી તેમનું નામ લઈ લઈને બોલાવવાના. એરપોર્ટ ન હોય તો જીમની બહાર ઊભું રહેવાનું. મલાઈકાની ગાડી આવે એ ભેગું વિડિયો અને ફોટોઝ લેવાનું ચાલુ કરી દેવાનું. મલાઈકા જીમના દરવાજા સુધી પહોંચે ત્યાં સુધી તેની પીઠના શોટ પણ લેવાના જ. આવી રીતે મોટા સ્ટારના ઘરની બહાર ઊભું રહેવાનું કે પછી કોઈ જગ્યાએ સેલિબ્રિટી પાર્ટી હોય તો ત્યાં ધક્કામુક્કી કરી મૂકવાની. પણ જુદા જુદા કપડામાં સ્ટાર લોકોના નવા નવા ફોટોઝ અચૂક લેવાના.
સ્ટાર લોકોને ગમે કે ન ગમે, ફ્લેશલાઈટ સાથે ધડાધડ તસવીરો ખેંચવાની. સ્ટાર કીડ્ઝ – બાળકોને પણ બક્ષવાના નહીં.
પ્રખ્યાત હસ્તીઓના ફ્રેશ ફોટોગ્રાફ્સ પ્રોવાઈડ કરવા માટેનું એક અલગ માર્કેટ છે. જેમાં દરેક સેલિબ્રિટીના ફ્રેશ ફોટોનું રેટ કાર્ડ હોય છે. જેમ કે બચ્ચન સાહેબનો નવો ફોટો જે આપે એને ત્રણસો રૂપિયા મળે, રણવીર સિંઘનો જે નવો ફોટો આપે એને ચારસો મળે, રણબીરનો કે આલિયાનો નવો ફોટો આપે એને સાડા ત્રણસો મળે અને તે કપલ સાથે હોય એવો નવો ફોટો આપે એના પાંચસો પૂરા ઉપજે.
આ રેટ-કાર્ડમાં એક સમયે કરીના-સૈફનો દીકરો તૈમુર નંબર વન ઉપર હતો. બનતા સુધી તેના ફ્રેશ ફોટોના એક હજાર રૂપિયાની આસપાસ હતા. માટે આ પાપારાઝી ફોટોગ્રાફર્સ આખો દિવસ આવી હસ્તીઓને ચેઝ કરતા રહે.
ફિલ્મ સિટીની બહાર પણ પડ્યા રહે અને સેલિબ્રિટી લોકોની ફેવરિટ રેસ્ટોરન્ટની બહાર પણ ઊભા હોય. ઉર્ફી જાવેદ જેવા એટેન્શન સિકર લોકો આ પાપારાઝીનો આ રીતે ફાયદો ઉઠાવે. રાખી સાવંતે પણ એ જ કર્યું.
પાપારાઝી પત્રકારો ક્યારેક પ્રેસ કોન્ફરન્સમાં વાહિયાત સવાલો પણ પૂછી લેતા હોય છે. નવા ફોટોઝની લાલચમાં સેલિબ્રિટી લોકોની પ્રાઈવસીનો ભંગ કરતા પણ અચકાય નહીં. સર, સર કે મેડમ, મેડમ કે ભાઈ, ભાઈ કે બાબા, બાબાના નામની બૂમો પાડીને સ્ટાર લોકોની માનસિક શાંતિ પણ હણી નાખે.
એરપોર્ટના પાર્કિંગમાં પાર્ક કરેલી ગાડી સુધી પહોંચી જાય. માણસનો મૂડ, સંજોગો, થાક કશું જોવામાં ન આવે. બસ, પાપારાઝીના સવાલોના જવાબ આપો અને નવા નવા પોઝ આપે
રાખો. હમણાં જ સૈફ અલી ખાને ગુસ્સા
સાથે વ્યંગમાં પાપારાઝી ફોટોગ્રાફરોને કહ્યું કે
હમારે સાથ બેડરૂમમેં આ જાઓ! વિરાટ અને અનુષ્કાની પાછળ પણ એ જ રીતે બધા પડ્યા હતા.
રણબીર અને આલિયાએ તો લગ્નનાં કપડામાં ફોટોગ્રાફરો પાસે જઈને સ્પેશિયલ પોઝ આપ્યા, પોઝ માટે થઈને જ આલિયાને ઊંચકી અને પૂરતો સમય આપ્યો. તો પણ પાપારાઝીને શાંતિ ન હતી. કેટરીના અને વિકી કૌશલે પોતાના લગ્નમાં ટાઇટ સિક્યોરિટી રાખેલી. કોઈ ડ્રોન ઉડે તો એને પણ પાડી દેવાની તૈયારી રાખી હતી. એ બન્ને પાપારાઝીથી કેટલાં બધા કંટાળ્યા હશે!
પાપારાઝીથી ખુબ વ્યથિત હોય તો જયા બચ્ચન! જો કે એમને કંઇક તકલીફ હશે એવું લાગે છે કારણ કે જ્યારે પણ જોઈએ ત્યારે તેમના ચહેરા ઉપર વ્યગ્રતા હોય. પણ જયા બચ્ચન ઘણી વખત પત્રકારોને ખીજાયાં પણ છે. ગમે તેવા સંજોગોમાં, ગમે ત્યાં પાપારાઝી ઘૂસી જાય અને પ્રશ્નો પૂછવા મંડે. થોડી રીતભાત તો હોવી જોઈએ ને. પત્રકારોના વિચિત્ર કે અયોગ્ય સવાલોથી તો ઐશ્વર્યા રાય બચ્ચન પણ વ્યથિત થયેલા છે. ડિરેક્ટર કબીર ખાને તો એક પ્રશ્નકર્તાને રોકડું પરખાવ્યું હતું. સનસનીખેજ મસાલો મેળવવા આ પત્રકારો કે પાપારાઝી કોઈ પણ હદ પાર કરતાં અચકાતા નથી.
ખાસ કરીને કોઈ સ્ટારનું મરણ થયું હોય અને એવા દુ:ખદ પ્રસંગે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ભેગી થઈ હોય ત્યારે પણ પાપારાઝી ત્યાં હાજર હોય જ છે અને ગમે ત્યાંથી ફોટોઝ લેવાનું ચૂકતા નથી. હમણાં પ્રેમિલા ચોપરા ગુજરી ગયા તો જયા બચ્ચન અને એમની દીકરીને મેઈન ગેટમાં પ્રવેશતા પહેલા ૩ વખત અટકવું પડ્યું કારણ કે પાપારાઝીઓએ રસ્તો રોકી રાખેલો. આ વાત યોગ્ય છે?
પાપારાઝી એટલે ખરાબ જ હોય કે તે ઉપદ્રવી જ હોય એવું નથી. સંજય દત્ત જેવા લોકો તો પાપારાઝીને જમાડ્યા વિના કે ડ્રીંક વિના પાછા મોકલતા પણ નથી. પણ એક બેઝિક મેનર તો જાળવવી જોઈએ. હેરી પોટરની હિરોઈન
એમા વોટસન સાથે ત્યાંના પાપારાઝી
પત્રકારોએ શું કરેલું એના વિશે આવતા અંકમાં વાત કરશું.