જરૂરિયાત પ્રમાણેનું ખોદાણ અને પુરાણ -એક તરફના ખુલ્લાપણાવાળું મકાન -હવાઉજાસ માટેનો ચોક
સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા
મકાન જમીનની ઉપર બનાવાય. આ એક સામાન્ય સમજ તથા પ્રથા છે. છતાં પણ મકાન જાણે બધે જ બનાવવાનાં પ્રયત્નો થયાં છે. ગગનચુંબી ઈમારતો થકી જાણે ગગનમાં જ મકાન બનાવાય છે. આવાં મકાનોના ઉપરના માળના સ્તર કરતાં વાદળો ઘણીવાર નીચે હોય છે. મકાનો દરિયાની જમીનને સંપાદિત કરીને પણ બનાવાય છે. પાણીમાં તરતાં મકાનો તો હોય છે જ. મકાનો ઝાડ પર પણ બનાવાય છે. તેવી જ રીતે જમીનની અંદર પણ મકાનો બનાવાય છે.
ભારતના ખડક સ્થાપત્યમાં – ગુફા સ્થાપત્યમાં અજંતા-ઈલોરા-બદામીની જેમ પર્વતનો એક ભાગ કોતરીને સ્થાપત્યનું સર્જન કરાયું છે, પણ આ વાત કંઈક અલગ છે. જમીનની અંદર બનાવાતા મકાનો સામાન્ય જમીનની અંદર જ દબાવી દેવાય છે. જમીનની અંદર બનાવાતાં મકાનોમાં હવા-ઉજાસના પ્રશ્ર્નો સર્જાય. તેથી આવા મકાનો પૂરેપૂરાં જમીનમાં નથી હોતાં. વળી તેમની બહારની વ્યૂહાત્મક સપાટી બહારની પરિસ્થિતિના સંપર્કમાં આવે તેનું ધ્યાન રખાય છે. આવા મકાનોમાં ઘણીવાર હવા-ઉજાસ માટે વચમાં ખૂલ્લો ચોક પણ પ્રયોજાય છે. જમીનની નીચે બનાવાતાં મકાનોમાં હવા-ઉજાસ વ્યવસ્થિત રહે તે માટે દિશાના સંદર્ભમાં તેની ગોઠવણ મહત્ત્વની બની રહે.
આ મકાનો સામાન્ય રીતે બે પ્રકારે બનાવાતાં જોવાં મળે છે. એક તો, જમીનની અંદર ખાડો ખોદીને જ મકાનની રચના કરાય છે. તો બીજી રીત પ્રમાણે મકાનની ઉપર માટીની ઢાળવાળી ટેકરી બનાવી તેને જાણે માટીની અંદર દાટી દેવાય છે. આ બન્નેના સમન્વય મુજબની રચના પણ થતી રહી છે – અને તે વધારે પ્રચલિત છે કારણ કે તેમાં બન્ને પ્રકારની રચનાના ફાયદા મળી શકે.
જમીનની અંદર બનાવાતાં મકાનોથી જાણે જમીન લુપ્ત ન થતી હોય તેવો ભાવ જાગે છે, જમીનની મોકળાશ જાણે બાંધકામ પહેલાં જેટલી જ જળવાઈ રહે છે. અહીં મકાનની ઉપર માટી આવી જતી હોવાથી બહારના તાપમાનની અસર લગભગ નહિવત્ સમાન પણ હોઈ શકે. વળી આ પ્રકારના મકાનમાં બારી-બારણાં પણ પ્રમાણમાં ઓછાં રખાય છે, જેનાથી પણ મકાનનું આંતરિક તાપમાન નિયંત્રિત રહી શકે. જોકે પ્રમાણમાં ઓછાં બારી-બારણાંથી કુદરતી પવન અને પ્રકાશની માત્રા ઘટી જવાની સંભાવના પણ હોય છે. આવાં મકાનોમાં અવાજનું પ્રદૂષણ પણ ઓછું પ્રવેશે. આ મકાનની અગાસીનો ઉપયોગ “જમીન તરીકે જ કરાતો હોય છે. જમીનની અંદર બનાવાયેલ મકાનોમાં ગોપનીયતા પણ પ્રમાણમાં વધારે હોઈ શકે. લગભગ સંતાયેલા આ પ્રકારના મકાનોનો “ઉઘાડ બહુ સાચવીને નક્કી કરવો પડે નહિતર આ પ્રકારના બાંધકામના કેટલાંક ફાયદા ક્ષીણ થતાં જાય.
આવા મકાનો ઢાળવાળી જમીનમાં કે જ્યાં માટીના ટીલાં આવેલાં હોય તેવાં સ્થાને બનાવાય તે સ્વાભાવિક છે. તેની સામે ઘણીવાર જમીનમાં કૃત્રિમ રીતે ફેરબદલ કરીને પણ આ પ્રકારની રચના કરાતી હોય છે, પણ મુખ્યત્વે જ્યાં જમીનની કિંમત ઓછી હોય, વળી વિપુલ વિસ્તાર પ્રાપ્ય હોય અને કુદરતી માહોલ હોય તો આ પ્રકારના મકાનની મઝા વધી જાય. આ પ્રકારનાં મકાન આમ તો અડધા બહાર અડધા અંદર હોય તેમ કહેવાય. તો પણ અન્ય મકાનોની સરખામણીમાં તેમનો ઘણો ભાગ જમીનમાં દટાયેલો રહે છે. આ મકાનો જો ઢાળવાળી જમીન પર બનાવાય તો તેમાં મોટેભાગે વિવિધ સ્તર બનાવાય છે જેથી બાંધકામમાં સરળતા રહે, પણ આવો નિયમ નથી. આ મકાનની દીવાલો અને છત પર માટીનું દબાણ આવતું હોવાથી તેને વધારે મજબૂતાઈ જોઈએ. વળી આ અંગો અસરકારક ભેજ અવરોધક હોય તે પણ જરૂરી બની રહે. તેના ઉપયોગમાં બંધિયારપણાની ભાવના પણ ન ઉદ્ભવવી જોઈએ. જમીન સાથે સુદૃઢ જોડાણને કારણે અહીં મકાનમાં જીવજંતુના પ્રવેશની સંભાવના વધી જાય છે. વરસાદના પાણીનો પ્રવાહ પણ ક્યાંક પ્રશ્ર્નો સર્જી શકે.
મકાન અહીં જાણે જમીનના આશ્ર્લેષમાં હોય છે. જમીનની ગોદમાં આ મકાને જાણે પોતાનું સ્થાન ચોક્કસ કરી દીધું હોય તેમ લાગે. આનાથી મકાનને જાણે જુદા જ સ્તરની સ્થિરતા અને દૃઢતા મળતી જણાય. મકાનની જેમ તેમાં રહેતો માનવી પણ જાણે કુદરત સાથે વધુ સહજતાથી અને સ્વાભાવિક રીતે જોડાય જાય. આ માનવી કુદરત તરફથી કોઈ વિશેષ પ્રકારની હૂંફ અનુભવી શકે. આ મકાનમાં રહેતાં માનવી પણ એકબીજા સાથે વધુ સંકળાયેલા રહે તેની સંભાવના વધુ હોય છે. આ લોકોના મનમાં કુદરત તથા તેનાં વિવિધ પરિબળો સાથે વધુ તાદાત્મ્ય પણ અનુભવતાં હોય છે તેમ માની શકાય. જો સંશોધન કરવામાં આવે તો એમ પણ જણાય કે, લોકો માનસિક રીતે વધુ સ્થિરતા અનુભવતા હોય. આમ પણ માનવીનો જમીન સાથે સંબંધ જ વધુ ઈચ્છનીય તથા અર્થપૂર્ણ રહેલો છે. જમીન જ માનવીને આધાર આપે છે. જમીન જ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે માનવીની જરૂરિયાતોની મહત્તમ પૂર્તિતા કરે છે. જમીનના સંપર્ક થકી માનવી અન્ય માનવી સાથે તથા સમગ્ર સંસાર સાથે જોડાય છે. માનવીનું અસ્તિત્વ જ જાણે જમીનને કારણે છે. યુગોથી આ જમીન જ માનવીનાં સપનાં પૂરાં કરવાનું સૌથી અગત્યનું માધ્યમ છે. આ જમીન સાથે સર્વ સમર્પણથી જોડાવાનું પ્રતીક એટલે જમીનની અંદર બનાવાયેલાં મકાનો. માનવી જરૂરિયાત પ્રમાણેનું આવાસ બનાવે ત્યારે આવી પરિસ્થિતિઓમાં મર્યાદાઓ તો રહેલી જ હોય છે. મકાનના જમીન સાથેના સુદૃઢ જોડાણમાં આવી ખાસ મર્યાદાઓ નથી જણાતી. તેવી જ આ પ્રકારની રચનામાં અસરકારકતા સાથે રોમાંચ વણાતો જોવાં મળે છે. પણ આવી રચનાની ઉપયોગિતા મર્યાદિત ગણાય કેમ કે તેમાં જરૂરી ગણાય તેના કરતાં વધારે જમીન જોઈએ તેવી સંભાવના વધુ છે.