વોટ્સએપ એક એવું માધ્યમ બની ગયું છે કે દરેક નાના-મોટા સૌ કોઈ દિવસનો મોટાભાગનો સમય પસાર કરે છે. ઘણી વખત આ વોટ્સએપ પર એવા ફોરવર્ડ્સ કે વાહિયાત મેસેજનો મારો થાય છે કે માથું દુઃખવા લાગે છે, પણ ક્યારેક આ જ સમયની બરબાદી કે માથાના દુઃખાવા સમાન વોટ્સએપ પર કામની માહિતી પણ મળી જાય છે. હાલમાં સોશિયલ મીડિયા પર આવા એક ફેમિલી વોટ્સએપ ગ્રુપનો ચેટનો સ્ક્રીન શોટ વાઈરલ થઈ રહ્યો છે કે જેના વિશે જાણીને તમે પણ શોક થઈ જશો.
એટલું જ નહીં આ ઘટના વિશે જાણીને કદાચ તમને પણ તમારા હોસ્ટેલના દિવસો યાદ આવી જાય તો નવાઈ નહીં. એક છોકરી કે જે હોસ્ટેલમાં ભણી રહી હતી તે વેકેશનમાં તેના ઘરે જવાની હતી અને એ જ સમયે તેણે વોટ્સએપના ફેમિલી ગ્રુપ પર એવો મેસેજ નાખ્યો કે તેના માતા-પિતા આશ્ચર્યચકિત થઈ ગયા. વાત જાણે એમ છે કે લાંબા સમય બાદ તે ઘરે આવી રહી હતી એટલે તેણે પહેલાંથી જ પોતાની મનપસંદ ખાવાની વસ્તુનું એક મેન્યુ બનાવીને ગ્રુપ પર પોસ્ટ કરી દીધું અને હવે આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. લોકો આ સ્ક્રીન શોટને જોઈને જાત જાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. પિતાએ દીકરીની આ અનોખી માગણી પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે હોસ્ટેલ હકીકતમાં બાળકોને ભૂખ્ખડ બનાવી દે છે. પણ હકીકત તો એ છે કે આ પોસ્ટ પરથી જ ખ્યાલ આવે છે કે પરિવારના પ્રેમ અને ઘરના ભોજનની તોલે દુનિયાની કોઈ પણ વસ્તુ ના આવી શકે.