એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેંચે સજાતીય એટલે કે સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવવાં કે નહીં એ અંગે સુનાવણી શરૂ કરી એ સાથે જ સજાતીય એટલે સમલૈંગિક લગ્નનો મુદ્દો ફરી ચર્ચામાં છે. કેન્દ્ર સરકાર પહેલાં જ સજાતીય એટલે કે સમલૈંગિક લગ્નનો વિરોધ કરીને તેને માન્યતા આપવાનો ઈન્કાર કરી ચૂકી છે. કેન્દ્ર સરકારે તો ત્યાં સુધી કહી દીધું છે કે, સુપ્રીમ કોર્ટને સજાતીય એટલે કે સમલૈંગિક લગ્નને માન્યતા આપવાનો કોઈ અધિકાર જ નથી. આ અંગે નિર્ણય સંસદ લેવો સંસદનું કામ છે તેથી સુપ્રીમ કોર્ટે ચુકાદો આપવાથી દૂર રહેવું જોઈએ.
કેન્દ્ર સરકારના દાવાના કારણે આ કેસ વધારે રસપ્રદ બની જ ગયો હતો ત્યાં નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (એનસીપીસીઆર) દ્વારા સજાતીય એટલે કે સમલૈંગિક લગ્નનો વિરોધ કરીને તેને માન્યતા નહીં આપવાની માગ કરતી અરજી કરાઈ છે.
એનસીપીસીઆર દેશમાં બાળકોના અધિકારોના રક્ષણ માટે કામ કરતી સંસ્થા છે. એનસીપીસીઆરનો દાવો છે કે, સજાતીય એટલે કે સમલૈંગિક લગ્ન કરનારાં બાળકોને દત્તક લે એ બાળકો માટે જોખમી છે. સજાતીય એટલે કે સમલૈંગિક લગ્ન કરનારા દંપતિ દ્વારા ઉછેરાતાં બાળકો પરંપરાગત જાતિય રોલ મોડલના મર્યદિત સંપર્કમાં આવે તેથી તેમનો ઉછેર ખામીભર્યો રહે ને એ સમાજ માટે ભવિષ્યમાં જોખમી સાબિત થઈ શકે. આ મુદ્દો પણ વિચારવા જેવો છે જ ને સુપ્રીમ કોર્ટ એ અંગે શું નિર્ણય લે છે એ જોવાનું રહે છે પણ આ સજાતીય એટલે કે સમલૈંગિક લગ્નના વિરોધમાં કરાતી દલીલોના કારણે કેસ ઐતિહાસિક તો બની જ ગયો છે.
સમલૈંગિક લગ્નની માન્યતા માટે અનેક અરજીઓ થઈ છે પણ હૈદરાબાદના સજાતીય સંબંધો ધરાવતા બે પુરુષોએ સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીના કારણે આ કેસ હાથ પર લેવાયો છે. આ મામલે બીજી પણ અરજીઓ થઈ છે પણ મુખ્ય મુદ્દે આ બે પુરુષોનો છે કેમ કે તેમણે પોતાની અરજીમાં બીજી ઘણી કાનૂની અડચણોના મુદ્દા ઉઠાવ્યા છે. હૈદરાબાદના આ બંને પરુષોની મુલાકાત ૧૭ વર્ષ પહેલાં થઈ હતી. શરૂઆતમાં દોસ્તી, પછી પ્રેમ અને છેવટે શરીર સંબધ બંધાયા.
આ બંને પુરુષ છેલ્લાં ઘણાં વરસોથી સજાતીય સંબંદો ધરાવતા ગે કપલ તરીકે સાથે રહે છે. બંને સાથે મળીને બાળકોનો ઉછેર પણ કરે છે પણ સત્તાવાર રીતે તેમને બાળકો દત્તક નથી અપાયાં કેમ કે, કાયદો સજાતીય સંબંધો ધરાવતા દંપતિને બાળક દત્તક લેવાનો અધિકાર આપતો નથી. ભારતમાં સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા મળી નથી તેથી એ કપલ તરીકે બંને બાળકને દત્તક ના લઈ શકે.
બંને પુરુષોનું કહેવું છે કે, બંને લગ્ન કરી શકતાં નથી તેથી ઈન્કમટૅક્સના કાયદામાં મળતી જીવનસાથીને મળતી છૂટછાટોનો લાભ લઈ શકતાં નથી. આ બાબત તેમના મૂળભૂત અધિકારોનો ભંગ કરનારી છે. આ સિવાય સરોગસી, અને ટૅક્સ બેનિફિટ સહિતની માત્ર પરિણીત લોકોને જ ઉપલબ્ધ સુવિધાઓનો પણ તેમને લાભ મળતો નથી.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરીને સમલૈંગિક લગ્નનો વિરોધ કર્યો હતો. કેન્દ્રની એફિડેવિટમાં એ મુદ્દા પર ભાર મૂકાયો છેકે, સમલૈગિંક લગ્ન ભારતીય પરંપરાથી વિરુદ્ધ છે. ભારતીય પરંપરા અને સામાજિક વ્યવસ્થા સ્ત્રી અને પુરુષ પતિ-પત્ની તરીકે રહે ને તેમનાથી બાળકો પેદા થાય એ પ્રકારની છે. સમલૈગિંક સંબંધો ધરાવતાં યુગલોનાં બાળકો આ વ્યવસ્થા પ્રમાણે નથી હોતાં તેથી આ લગ્ન ભારતીય પરંપરા પ્રમાણે ના કહેવાય. સમલૈંગિક લગ્નથી ઉછેરાતાં બાળકોની તુલના ભારતીય પરિવારમાં પતિ-પત્નીને જન્મેલા બાળકોની સાથે કરી શકાય નહીં.
કેન્દ્ર સરકારે દલીલ કરેલી કે, દેશના દરેક નાગરિકને પ્રેમ કરવાનો અને તેને વ્યક્ત કરવાનો અધિકાર છે. આ અધિકારમાં કેન્દ્ર સરકાર દખલ કરતી નથી પણ તેનો અર્થ એ નથી કે તેમને લગ્ન કરવાની મંજૂરી આપવી જોઈએ. સ્પેશિયલ મેરેજ એક્ટમાં સ્ત્રી અને પુરુષના લગ્નનો ઉલ્લેખ છે. સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવામાં આવશે તો સ્પેશિયલ મેરેજ એક્ટ બનાવવાનો હેતુ નષ્ટ થશે અને તેની અસર સમગ્ર સમાજ પર પડશે એવી દલીલ કરીને કેન્દ્ર સરકારે વિરોધ કર્યો હતો. કેન્દ્ર સરકારના વિરોધને પગલે સુપ્રીમ કોર્ટે આ મામલો પાંચ જજની બંધારણીય બેંચને સોંપ્યો છે ને બંધારણીય બેંચે તેની સુનાવણી શરૂ કરી છે.
કેન્દ્ર સરકારે આ સુનાવણી પહેલાં સુપ્રીમ કોર્ટમાં વધુ એક એફિડેવિટ કરી છે. આ કાઉન્ટર એફિડેવિટ છે ને તેમાં સજાતીય લગ્નની તરફેણમાં કરાયેલી દલીલો સામે સવાલ ઉઠાવાયા છે. કેન્દ્રનું કહેવું છે કે, સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવવાની માગ શહેરી એલિટ ક્લાસની છે અને સામાન્ય લોકોને તેની સાથે કંઈ લેવાદેવા નથી.
કેન્દ્ર સરકારની દલીલ છે કે, તમામ ધર્મોમાં લગ્નનું સામાજિક મહત્વ છે. હિંદુ, મુસ્લિમ સહિત તમામ ધર્મમાં લગ્નને સંસ્કાર માનવામાં આવે છે ને તેમની લાગણીને ધ્યાનમાં રાખીને સમલૈંગિક લગ્નોને માન્યતા ના મળવી જોઈએ. આ દલીલ હાસ્યાસ્પદ છે કેમ કે ભારતમાં સજાતીય સંબંધોને માન્યતા છે પણ લગ્નને નથી. બે વ્યક્તિ સજાતિય સંબંધ રાખી શકે પણ લગ્ન ના કરી શકે એ વાત હાસ્યાસ્પદ જ કહેવાય. લગ્ન સ્ત્રી-પુરુષને કાયદેસર રીતે શરીર સંબંધની છૂટ આપે છે જ્યારે અહીં તો કાયદેસર રીતે શરીર સંબંધની છૂટ છે પણ લગ્નની છૂટ નથી. આ દંભ કહેવાય ને કેન્દ્ર સરકાર આ દંભ ચાલુ રહે તેની તરફેણમાં છે.
ભારતમાં પરંપરાને નામે જે ધૂપ્પલ ચલાવવું હોય એ ચલાવી શકાય છે. ભારતીય પરંપરા એવું હથિયાર છે કે જેનો ઉપયોગ કોઈ પણ પોતાની મુનસફી પ્રમાણે કરી શકે છે ને કેન્દ્ર સરકાર પણ એ જ કરી રહી છે. આખરે શું છે ભારતીય પરંપરા? પરંપરા લોકો ઊભી કરે છે ને જમાના સાથે એ બધું બદલાય પણ છે. આ દેશમાં પરંપરાના નામે સદીઓ સુધી દલિતોને તેમના અધિકારોથી વંચિત રખાયા ને અસ્પૃશ્ય ગણીને અમાનવીય વ્યવહારો કરાયા. પરંપરાના નામે દીકરીઓને દબાવીને રખાઈ ને તેમના અધિકારો છિનવાયા. પરંપરાના નામે હવે સમલૈંગિક લગ્નોને માન્યતાનો વિરોધ થઈ રહ્યો છે.
વાસ્તવમાં સજાતિય સંબંધોને કાયદેસરની માન્યતા મળી ગઈ પછી આ વિરોધનો અર્થ જ નથી. સજાતીય સંબંધોને રોકી શકાતા નથી તો લગ્નને રોકવાનો અર્થ પણ શું?