હિન્દી ફિલ્મોમાં જ ગરબડ ગોટાળા થાય છે અને હોલિવૂડ તો બત્રીસ કેરેટના સોના જેવું શુદ્ધ છે એવું માની લેવાની ભૂલ રખે કરતા. મૂર્ખાઓના ગામ જુદાં ન વસે એમ અણસમજ કે અણઆવડત ધરાવતા લોકો સર્વવ્યાપી હોય છે. પાંચ ઓસ્કર એવૉર્ડ સહિત અનેક પારિતોષિક મેળવનાર જગવિખ્યાત અમેરિકન લેખક, નિર્માતા અને દિગ્દર્શક ફ્રાંસિસ ફોર્ડ કપોલાની ‘અપોકલીપ્સ નાઉ’ (૧૯૭૯)માં ૨૫ – ૫૦ નહીં પણ ૪૦૦ જેટલી ભૂલ હોવાની નોંધ છે. ‘ગેમ ઓફ થ્રોન્સ’નો કોફી કપ કિસ્સો બહુ ગાજ્યો હતો. ઉદાહરણ તો અસંખ્ય છે, પણ અહીં આપણે નામાંકિત ફિલ્મોના છબરડા પર નજર નાખીએ.
ગોન વિથ ધ વિન્ડ (૧૯૩૯): મુવી બિઝનેસના અભ્યાસુઓ આ ચિત્રપટને આર્થિક વળતરને હિસાબે અત્યાર સુધીની સૌથી સફળ ફિલ્મ માને છે, પણ આ ફિલ્મમાં ઢગલો ભૂલ છે. અમેરિકન આંતરવિગ્રહની
પાર્શ્ર્વભૂમિ પર તૈયાર થયેલી ફિલ્મમાં કન્ટિન્યુટીની ભૂલો અને કેટલીક બાબતો સત્યથી વેગળી છે. એટલાન્ટાની એક સ્ટ્રીટ સિક્વન્સમાં લાઈટ બલ્બ નજરે પડે છે. ફિલ્મની વાર્તામાં ૧૮૬૧નો સમય છે અને થોમસ આલ્વા એડિસને બલ્બની શોધ તો ૧૮૭૯માં કરી હતી. બોલો, કેવો છબરડો!
ધ ગુડ, ધ બેડ ઍન્ડ ધ અગ્લી (૧૯૬૬): ૧૯૬૦ – ૭૦ના દાયકામાં સ્પેગેટી વેસ્ટર્ન્સ (અમેરિકન લોક કથા પર આધારિત યુરોપમાં બનતી વેસ્ટર્ન ફિલ્મો)ની શ્રેણીમાં ‘ધ ગુડ, ધ બેડ ઍન્ડ ધ અગ્લી’ની નામના છે. અલબત્ત આ ફિલ્મમાં પણ કેટલાક ઐતિહાસિક છબરડા જોવા મળ્યા હતા. એક સીનમાં યુનિયન આર્મીના ફ્લેગમાં ૫૦ રાજ્યનો નિર્દેશ કરતા ૫૦ સ્ટાર દેખાય છે. ફિલ્મની કથામાં ૧૮૬૨નો સમય છે અને એ વખતે યુએસમાં માત્ર ૩૪ રાજ્ય હતા. બીજો એક લોચો એ છે કે ક્લિન્ટ ઈસ્ટવૂડ અને એની ગેંગ ડાયનામાઈટ કે ટીએનટી જેવા સ્ફોટક પદાર્થથી એક બ્રિજ ઉડાવી દે છે. જોવાની વાત એ છે કે આંતર વિગ્રહ સમાપ્ત થયો એ પહેલા આ સ્ફોટક પદાર્થની ખોજ નહોતી થઈ.
ટેક્સી ડ્રાઈવર (૧૯૭૬): માર્ટિન સ્કોર્સેઝીની આ બેમિસાલ ફિલ્મમાં હીરો રોબર્ટ દ નીરોના માથે વાળ નથી. મોટાભાગના દર્શકોએ માની લીધું હતું કે અભિનેતાએ પાત્રને આત્મસાત કરવા માથું સફાચટ કરાવ્યું હતું પણ હકીકતમાં તેણે ફિલ્મમાં બાલ્ડ કેપ (ટકો લાગે એવી વિગ) પહેરી છે. ક્લાઇમેક્સના એક સીનમાં અન્ય પાત્ર દ્વારા થતી ખેંચતાણમાં ડોકના ભાગમાં કરચલીઓ દેખાય છે અને ‘ચોરી પકડાઈ જાય’ છે. મેકઅપ દરમિયાન ચીવટ અને તકેદારી રાખવામાં આવ્યા હોવા છતાં એક સીનને કારણે છબરડો થાય છે.
ટાઇટેનિક (૧૯૯૭): જેમ્સ કેમરનની આ ભવ્ય ફિલ્મની ખ્યાતિ વિશે લખવા બેસીએ તો પાર ન આવે. અલબત્ત આ ફિલ્મની કેટલીક ક્ષતિઓ એવી છે કે જે જાણ્યા પછી ચોંકી જવાય. એક સીનમાં જેક ડોસન (લિયોનાર્દો દ કેપ્રિયો) એક રકસેક (પીઠ પર રાખીને લઈ જવાતી બેગ) લઈને શિપ પકડવા દોડતો દેખાય છે. આ બેગ સ્વીડિશ આર્મી દ્વારા વપરાતી મોડર્ન બેગ છે અને એકવીસમી સદીના પ્રારંભમાં આર્મી સ્ટોરમાં નજરે પડવા લાગી હતી. ટાઇટેનિક જહાજ તો ૧૯૧૨માં ડૂબી ગયું હતું. એટલે ત્યારે તો આવી બેગ હોવાનો સવાલ જ નથી આવતો.
ક્વોન્ટમ ઓફ સોલેસ (૨૦૦૮): જેમ્સ બોન્ડની ફિલ્મ પણ છબરડાથી બાકાત નથી રહી શકી. ડેનિયલ ક્રેગની આ બીજી બોન્ડ ફિલ્મ જોઈ અનેક લોકો નિરાશ થયા હતા. ફિલ્મના એક સીનમાં કેમેરા સામે જેમ્સ બોન્ડ છે ત્યારે બેકગ્રાઉન્ડમાં એક એક્સ્ટ્રા કલાકાર જમીન પરનો કચરો વાળવાને બદલે હવામાં ઝાડુ ફેરવતો દેખાય છે.