આપણી તહેવાર પ્રિય પ્રજા લગભગ બધા જ તહેવાર હોશે હોશે ઉજવતી હોય છે. અલબત્ત હોળી જેવા ચુનંદા ઉત્સવ માટે પ્રજાને વિશેષ હેત – લાગણી હોય છે. મુખ્યત્વે રંગ અને ભાંગની મજા લેવાના આ અનોખા પ્રસંગે અલગ અલગ વિસ્તારની અલાયદી સ્પેશિયાલિટી માણવા જેવી હોય છે. જોકે, મહારાષ્ટ્રના બીડ ગામની ઉજવણી જાણ્યા પછી ‘ઈટ હેપન્સ ઓન્લી ઈન ઇન્ડિયા’ આ વાક્ય તમારા મોઢેથી જરૂર સરી પડશે. બોલી બદલાય એમ ઉજવણી બદલાય એ નાતે છેલ્લા ૮૬ વર્ષથી બીડમાં ધુળેટીના દિવસે જમાઈરાજાને ગધેડા પર બેસી આખા ગામમાં ફેરવવામાં આવે છે. આ ‘પરિક્રમા’ દરમિયાન પરિવારના સભ્યો તેમજ ગામના રહેવાસી જમાઈ સાથે ‘બલમ પિચકારી જો તુને મુજે મારી’ ગણગણી ધુળેટીનો આનંદ લે છે. જમાઇની પહેલી હોળી વખતે જોવા મળતી આ પ્રથામાં જોડાવા આખા ગામને આમંત્રણ હોય છે. કહેવાય છે કે ૮૬ વર્ષ પહેલા બીડ જિલ્લાના યેવતા ગામમાં રહેતા દેશમુખ પરિવારના જમાઈ પહેલી હોળી વખતે સાસરે આવ્યા ત્યારે રંગથી રમવા તેમણે ના પાડી હતી. ખૂબ વિનંતી અને સમજાવટ પછી જમાઈરાજા તૈયાર થયા એટલે સસરાએ ફૂલોથી સજાવેલો ગધેડો મંગાવ્યો અને જમાઈને એની પર સવાર કરી ગામ આખામાં ફેરવી ધુળેટીનો આનંદ માણ્યો. ત્યારથી શરૂ થયેલી આ પરંપરા આજે પણ ચાલુ છે.