જ્યારથી મોદી સરકાર સત્તા પર આવી છે ત્યાર બાદ ભારતની મુલાકાતે આવતા વિદેશી મહાનુભાવોને ભારતીય સંસ્કૃતિનો રસાસ્વાદ કરવા મળ્યો છે. કોમનવેલ્થ ગેમ્સ હોય કે જી-20 સમિટ હોય કે વિદેશી પ્રમુખ અને તેમના ડેલિગેશનની ભારત મુલાકાત હોય, ભારતે દરેક પ્રસંગે ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કર્યો છે. હવે ભારત સતત બીજી વખત હોકી વર્લ્ડ કપનું આયોજન કરી રહ્યું છે, જે ઓડિશામાં યોજાઇ રહ્યું છે. આ વખતે ટૂર્નામેન્ટની ઓપનિંગ સેરેમનીમાં ઓડિશાની સંસ્કૃતિની ઝલક જોવા મળશે.
મેન્સ હોકી વર્લ્ડ કપ 2023 13 જાન્યુઆરીથી શરૂ થશે. ભારતને સતત બીજી વખત આ ટુર્નામેન્ટની યજમાની મળી છે. આ પહેલા પણ આ ટુર્નામેન્ટ ઓડિશાના ભુવનેશ્વરમાં યોજાઈ હતી. આ વખતે ભુવનેશ્વરની સાથે સાથે રૂરકેલામાં પણ મેચ રમાશે. હોકી વર્લ્ડ કપનો ઉદ્ઘાટન સમારોહ 11 જાન્યુઆરીએ કટકના બારાબતી સ્ટેડિયમમાં યોજાશે.
આ ઉદ્ઘાટન સમારોહમાં ઓડિશાની સંસ્કૃતિ જોવા મળશે. આ સાથે ટેક્નોલોજીનું પણ પ્રદર્શન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સંસ્કૃતિ અને ટેકનોલોજીનો અનોખો સમન્વય જોવા મળશે. આ કાર્યક્રમમાં ઘણા મોટા સ્ટાર્સ પણ ભાગ લેશે. આ શોમાં પરંપરાગત ઓડિયા સંગીત અને નૃત્યની સાથે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ શો રાષ્ટ્રીય ટીવી ચેનલ પર પ્રસારિત થશે. આ શોમાં ભારતના રણવીર સિંહ અને દિશા પટ્ટણી તેમજ બ્લેકસ્વાન સહિત અનેક કલાકારો હાજરી આપશે. આ કાર્યક્રમમાં ઘણા સ્થાનિક ઓડિયા સ્ટાર્સ અને કલાકારો પણ હાજરી આપશે.
હોકી વિશ્વ કપ- 2023ના ગીતના લેખક અને સંગીતકાર પ્રિતમ છે. તેઓ બેની દયાલ, નીતિ મોહન, લિસા મિશ્રા, અમિત મિશ્રા, અંતરા મિત્રા, શ્રીરામ ચંદ્ર, નકાશ જેવા અદ્ભુત ગાયકો સાથે પરફોર્મ કરીને લોકોને મંત્રમુગ્ધ કરશે.