ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક
વર્ષો અગાઉ એક પ્રતિષ્ઠિત ગુજરાતી મેગેઝિનમાં એક નાનકડા સમાચાર વાંચેલા. એનું મથાળું એવું કેચી હતું કે હજી આજે પણ યાદ છે. ઘટના એવી હતી કે કોઈ એક વિસ્તારમાં એક મનોવિકૃત યુવકે આતંક ફેલાવી મૂકેલો. એ માર્ગમાં આવતીજતી એકલદોકલ ક્ધયાને જોઈને પીછો કરતો, અને મોકો મળ્યે અચાનક ચુંબન કરીને ભાગી જતો! આ પ્રકારની ચેષ્ટા આમ તો વિકૃતિ જ કહેવાય. આ સમાચારનું મથાળું હતું, ‘ચુંબન ચોર, મચાવે શોરબકોર!’ મથાળામાં કદાચ બીજા પણ કેટલાક શબ્દો હશે, પણ આ ‘…શોરબકોર’ વાળા પ્રાસને કારણે મથાળું એકદમ કેચી બની ગયું. ચુંબન ચીજ જ એવી છે, એ હંમેશાં ધ્યાન ખેંચે જ. હમણાં જ આપણી હરખપદૂડી પ્રજાએ ઇતિહાસ અને રેફરન્સીસ જાણ્યા-સમજ્યા વિના આખું વેલેન્ટાઈન વિક ઊજવી માર્યું, જેમાં એકાદ ‘કિસ ડે’નું પણ પ્રાવધાન હોય છે. ખેર, આજે થોડું ‘ચુંબન પારાયણ’ કરી નાખીએ.
વેલેન્ટાઈન ડે ભલે વિદેશથી આવ્યો, પણ પ્રેમશાસ્ત્ર વિકસાવવામાં પવિત્ર ભારતભૂમિનો મોટો ફાળો છે. એકાદ ડે કે વિકને બદલે આપણી પાસે આખી વસંત ઋતુ છે. એન્ડ યુ નો વ્હોટ?! ચુંબનની શોધ ખરેખર કોણે કરી અને ચુંબનકળા કઈ પ્રજાએ વિકસાવી એની પાકી માહિતી ભલે ન હોય, પણ ઇતિહાસકારોના કહેવા મુજબ ‘ચુંબન ક્રિયા’નો સૌપ્રથમ રેફરન્સ ભારતના ઇતિહાસમાંથી મળે છે! ઈસુની સદીના ૧,૫૦૦ વર્ષ પૂર્વેના ભારતીય વૈદિક સાહિત્યમાંથી ચુંબનના પ્રારંભિક સ્વરૂપ વિષેના રેફરન્સ જડી આવે છે, જેમાં એકબીજાને નાક વડે સ્પર્શ કરવાનો અને પરસ્પર નાક રગડવાનો ઉલ્લેખ આવે છે. સમય જતાં કોઈક રસિકજનને સમજાયું હશે કે નાક કરતા વધુ રસપ્રદ તો હોઠ છે, એન્ડ ધી રેસ્ટ ઇઝ હિસ્ટરી! હિસ્ટ્રીની જ વાત કાઢી છે તો બીજી એક માહિતી આપણા પોતાના ભગવાન શ્રીકૃષ્ણ વિષે. સનાતન ભારતીય સંસ્કૃતિમાં યુદ્ધથી માંડીને રોમાન્સ સુધીના અગણિત ક્ષેત્રોમાં કૃષ્ણ આપણને આદર્શ પૂરો પાડે છે. અભ્યાસુઓના માનવા મુજબ વિશ્ર્વની પ્રથમ ‘ડોક્યુમેન્ટેડ કિસ’નો ઉલ્લેખ મહાભારતમાં જોવા મળે છે. ઈતિહાસની ટાઈમલાઈન સંદર્ભે આ વાત કેટલી સાચી, એ તો કોઈ નિષ્ણાંત જ કહી શકે. ડોક્ટર્સ અને માનસશાસ્ત્રીઓના કહેવા મુજબ ચુંબન કરવાથી તમારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે. પરસ્પર સાથેના ઈમોશનલ બોન્ડિંગથી માંડીને મેટાબોલીઝમ સુધીની બાબતો પર એની પોઝિટિવ અસર પડે છે. એક આડવાત, હાલમાં ભલે ફેબ્રુઆરીમાં ‘કિસ ડે’ ઉજવવાનો ચાલ પડી ગયો છે, પણ આધિકારિક રીતે બ્રિટનમાં ૬ જુલાઈએ ‘કિસ ડે’ ઉજવવાની શરૂઆત થઇ, એ પછી આ ચાલ બીજે પણ ફેલાયો.
કળા, ખાસ કરીને ચિત્રકળાના ક્ષેત્રે પણ ‘કિસ’ એક વિષય તરીકે હોય એવા અનેક ચિત્રો ખ્યાતિ પામ્યાં છે. અહીં તમામનો ઉલ્લેખ શક્ય નથી, પણ મેગરિટના ૧૯૨૮માં દોરાયેલ ચિત્ર ઝવય કજ્ઞદયતિ વિષે ક્રિટીક્સ ખાસ્સી ચર્ચા કરતા રહ્યા છે. આ ચિત્રમાં સામાન્ય પોષાક પહેરેલા ગૃહસ્થ દંપતીને ચુંબનની મુદ્રામાં દર્શાવવામાં આવ્યા છે. પણ અહીં વાત જરા જુદી છે. ઈમેજમાં તમે જોશો કે બન્ને પાત્રોના ચહેરા ફરતે કાપડનો પરદો એ રીતે લપેટવામાં આવ્યો છે કે જેથી કોઈના ચહેરાનો અંશ સુધ્ધાં નજરે ચડતો નથી. ચુંબન કરવા માટે આલિંગનબદ્ધ ઊભેલાં યુગલનો ચહેરો એ રીત ઢંકાઈ જાય, કે જેથી અધરોનો પરસ્પર સીધો સ્પર્શ થઇ જ ન શકે, તો ચિત્રનું નામ ઝવય કજ્ઞદયતિ રાખવાનો હેતુ શું? મામલો અકીરા કુરોસાવાની પ્રસિદ્ધ ફિલ્મ ‘રશોમોન’ જેવો છે. રશોમોનની માફક ઝવય કજ્ઞદયતિ માં સર્જક કયો મેસેજ આપવા માંગે છે એ વિષે ક્રિટીક્સમાં આ વિષે મતમતાંતર છે. કેટલાક માને છે કે ઉત્કટ પ્રેમની અભિવ્યક્તિને અશ્ર્લીલ ન લાગે એ રીતે – કળાત્મક રીતે દર્શાવવા માટે સર્જકે પરદાનો સહારો લીધો છે. કેટલાક માને છે કે આ ચિત્રમાં કોઈક કરીબી વ્યક્તિના પ્રેમનો અસ્વીકાર કરવામાં આવ્યો છે. જેમ મોનાલિસાના હાસ્યનું રહસ્ય અકબંધ છે, એમ જ મેગરિટના ઝવય કજ્ઞદયતિ નું રહસ્ય પણ અકબંધ છે. ચિત્ર જેવું જ સેન્સેશન ફોટોગ્રાફનું પણ હોય છે. જાપાને શરણાગતિ સ્વીકારી અને બીજા વિશ્ર્વયુદ્ધનો અંત આવ્યો, એ પછી લાંબું યુદ્ધ ખેલીને ઘરે પરત ફરેલ અમેરિકન નેવીમેને એની પ્રેમિકાને કરેલું ચુંબન વિક્ટર નામક ફોટોગ્રાફરે આબાદ રીતે કેમેરામાં ઝીલી લીધું. ઊંશતતશક્ષલ વિંય ઠફિ ૠજ્ઞજ્ઞમબુય (૧૯૪૫) લખીને ગૂગલ કરશો તો આ ફોટો વિષે માહિતી મળશે. વર્ષો સુધી ચાલેલા બીજા વિશ્ર્વયુદ્ધને અગ્રીમ હરોળમાં ઊભા રહીને વેઠનાર લાખો સૈનિકોને મળેલી રાહતના પ્રતીક તરીકે આ ફોટોગ્રાફ પ્રસિદ્ધ થઇ ગયો.
ચુંબન-પ્રવૃત્તિ છેલ્લા થોડા દાયકાઓના ઇતિહાસમાં પણ સમયાંતરે ચર્ચા જગાવતી રહી છે. ગ્લેમર વર્લ્ડ સાથે સંકળાયેલા લોકોને તો કિસ કોન્ટ્રોવર્સી ખાસ્સી ફળી ય ખરી. બોલીવૂડ હીરોઈન શિલ્પા શેટ્ટીને હોલીવૂડ અભિનેતા રિચાર્ડ ગેરેએ કરેલી કિસ હોય કે પછી દાયકાઓ અગાઉ ભારત પ્રવાસે આવેલા પ્રિન્સ ચાર્લ્સને એ વખતની ફૂટડી અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરેએ ચોડી દીધેલું ચુંબન હોય, ચર્ચાઓ ચાલતી જ રહી છે. જો કે અભિનેતાઓને ફળતી આવી પ્રસિદ્ધિ નેતાઓ માટે માથાનો દુખાવો સાબિત થતી હોય છે. સોવિયેત રશિયાના તત્કાલીન નેતા લીઓનીડ બ્રેઝનેવ અને એ સમયના ઈસ્ટ જર્મન લીડર એરિક હોન્કર પોતપોતાના દેશમાં ટોચના લીડર હતા. એમાં વળી રશિયાએ ૧૯૭૯માં એરિકને ‘કાર્લ માર્ક્સ મેડલ’ તેમ જ ‘હીરો ઓફ ધી જર્મન ડેમોક્રેટિક રિપબ્લિક’ જેવું લાંબુંલચક નામ ધરાવતો એવોર્ડ આપીને સન્માન્યા. એવોર્ડ મેળવ્યા બાદ આ બંને પુરુષ નેતાઓએ એકબીજાના હોઠ પર ચુંબન કર્યું. પછી તો બંને કમ્યુનિસ્ટ પુરુષ નેતાઓ વચ્ચેનું આ ચુંબન ઐતિહાસિક ઘટના બની ગઈ!
આ બધું તો બરાબર, પણ કેટલાક અળવીતરા લોકો પ્રેમના પ્રતીકસમા ચુંબનને એવી અળવીતરી રીતે રજૂ કરે છે, જેનાથી તમને સૂગ ચડ્યા વિના ન રહે! અંગ્રેજીમાં શિથિલ ચારિત્ર્યનું સ્ત્રી માટે ‘સ્લટ’ (તહીિ)ં શબ્દ વાપરવામાં આવે છે. ૨૦૧૧માં ટોરન્ટોના એક પોલીસ અધિકારીએ એવી કમેન્ટ કરી દીધી કે સ્ત્રીઓએ જાહેરમાં સ્લટની જેમ વર્તવાનું બંધ કરવું જોઈએ. અધિકારીએ આવું શા માટે કહ્યું, એની જાણ નથી, પણ એમ્બર રોઝ નામની અમેરિકન મોડેલ પેલા પોલીસ અધિકારીની ટિપ્પણી સામે ફેમિનિઝમનો ઝંડો લઈને મેદાને પડી. સ્ત્રીઓએ શું પહેરવું અને જાહેરમાં કેવું વર્તન કરવું, એની સલાહ આપનાર તમે કોણ?! અહીં સુધી વાત બરાબર હતી. પણ ત્યાર પછી એમ્બર અને એના સાથીદારોએ ‘સ્લટ વોક’ નામની ચળવળ શરૂ કરી, જેમાં ભાગ લેનાર સ્ત્રીઓ શહેરની સડકો પર મનફાવે એવાં વસ્ત્રો પહેરીને ઊતરી પડતી. ચાલો, એ ય બધું ઠીક. પણ એમ્બરે તો પોતાનો વિરોધ લોકો સુધી અસરકારક રીતે પહોંચાડવાની લહાયમાં તો હદ વટાવી દીધી! એણે પોતાના જ પાંચ વર્ષના દીકરાને લીપ કિસ કરતો ફોટોગ્રાફ વાઈરલ કરી દીધો! એક મા પોતાના દીકરાને ચુંબન કરે, એમાં પહેલી નજરે તો કશું જ ખોટું નથી. પણ પોતાની સેક્સયુઆલિટી બાબતે અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય ભોગવવાના અધિકારનું પ્રદર્શન કરવા માટે થઈને કોઈ સ્ત્રી પાંચ વર્ષના બાળક સાથે કઈ રીતે આવું કરી શકે?!
ખેર, આ દુનિયામાં ભાત ભાત કે લોગ વસે છે, એટલે આ બધું ચાલતું રહેવાનું. બાકી ચુંબન જેવી કળાત્મક અભિવ્યક્તિ ન હોત તો એની આડઅસરરૂપે હિંસક બની ગયેલી માણસજાતે બીજા કેટકેટલાય યુદ્ધો ખેલી નાખ્યા હોત!