(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મધ્ય રેલવેમાં સીએસએમટી (છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ) અને મસ્જિદ બંદરની વચ્ચેના સૌથી જૂના કર્નાક બ્રિજને ૨૭ કલાકના બ્લોક પછી તોડવામાં આવ્યો હતો. દક્ષિણ મુંબઈના સૌથી જૂનો બ્રિજ જર્જરિત થયા પછી બ્રિજને તોડી નાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ગયા મહિના દરમિયાન બ્રિજને તોડવામાં આવ્યા પછી હજુ પણ વિવિધ કામકાજ ચાલી રહ્યા છે, જેમાં આ બ્રિજના સૌથી પાયાના ગણાતા ઐતિહાસિક પથ્થરોને પણ હેરિટેજ ગેલરીમાં મૂકવાનો નિર્ણય લીધો છે. ગુરુવારે આ પથ્થરો (બેસાલ્ટ રોક)ને લઈ જવામાં આવ્યા હતા, જે પથ્થરો પર ત્રણ ભાષામાં લખવામાં આવેલું છે. ગુજરાતી ભાષામાં પણ (કારન્યાક પુલ) લખવામાં આવ્યું છે, જ્યારે અન્ય ત્રણ પથ્થરમાં વિવિધ અંક-સંજ્ઞા પણ લખવામાં આવી છે. આ પથ્થરોને સીએસએમટી ખાતેની હેરિટેજ ગેલરીમાં રાખવામાં આવ્યા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ૧૯મી નવેમ્બરના કર્નાક બ્રિજના ડિમોલિશન માટે ૨૭ કલાકનો બ્લોક લેવામાં આવ્યો હતો, જેમાં ૧,૦૦૦થી વધુ ટ્રેન રદ કરવામાં આવી હતી. સીએસએમટી અને મસ્જિદ સ્ટેશનની વચ્ચે ૧૮૬૮માં બ્રિજનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું. આ બ્રિજની લંબાઈ ૫૦ મીટર અને ૧૮.૮ મીટરની પહોળાઈ ધરાવે છે, જ્યારે બ્રિજના સાત સ્પાન હતા.