જેપીસી કરતા સુપ્રીમ કોર્ટની કમિટી બહેતર: શરદ પવાર
મુંબઈ: અદાણી જૂથ સામેના આરોપોની તપાસ સંયુક્ત સંસદીય સમિતિ – જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (જેપીસી) કરે એ સામે પોતાનો પૂર્ણપણે વિરોધ નથી એવી સ્પષ્ટતા રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષ (એનસીપી)ના નેતા શરદ પવારે શનિવારે કરી જણાવ્યું હતું કે એના કરતા સુપ્રીમ કોર્ટની કમિટી વધુ ઉપયોગી અને અસરકારક સાબિત થશે. સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં પવારે જણાવ્યું હતું કે ‘જો જેપીસીમાં ૨૧ સભ્ય હશે તો આજની તારીખમાં સંસદની પક્ષવાર પરિસ્થિતિ જોતા ૨૧માંથી ૧૫ સભ્ય શાસક પક્ષના હશે અને ૬ વિરોધ પક્ષના હશે. એને કારણે પેનલ વિશે શંકાના વાદળો ઘેરાશે. સુપ્રીમ કોર્ટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશોની પેનલ બનાવવાનો નિર્ણય લીધો છે. ચોક્કસ સમય મર્યાદામાં અહેવાલ સુપરત કરવા માટે તેમને કહી દેવામાં આવ્યું છે. જેપીસી સામે મારો પૂર્ણપણે વિરોધ નથી. અગાઉ જેપીસી કાર્યરત રહી ચુકી છે અને કેટલીક જેપીસીનો હું અધ્યક્ષ રહી ચૂક્યો છું. સંસદની બહુમતીના આધારે જેપીસીનું ગઠન થાય છે. સુપ્રીમ કોર્ટની કમિટી વધુ અસરકારક સાબિત થશે એવો મારો અભિપ્રાય છે.’ (પીટીઆઈ)
————–
પવારનું વિધાન વિરોધ પક્ષોએ ધ્યાનમાં લેવું જોઈએ: શિંદે
થાણે: રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષ (એનસીપી)ના વડા શરદ પવારે ગૌતમ અદાણીના મુદ્દે કરેલા વિધાનના શબ્દો પર રાજ્યના વિરોધ પક્ષોએ ધ્યાન આપવું જોઈએ એમ જણાવી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કૉંગ્રેસ અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પર નિશાન સાધ્યું હતું. યુએસએ સ્થિત હિંડનબર્ગ રિસર્ચ દ્વારા સ્ટોકમાં મોટાપાયે ગેરરીતિ આચરવાનો અને હિસાબી કૌભાંડ કરવાનો આક્ષેપ અદાણી જૂથ પર કરવામાં આવ્યો હતો. આ આક્ષેપને પગલે કૉંગ્રેસ તેમજ અન્યોએ નરેન્દ્ર મોદી સરકાર સામે વિરોધની તોપ તાકી હતી. અદાણી જૂથ દ્વારા આક્ષેપ નકારવામાં આવ્યા હતા.
એક ઇન્ટરવ્યૂમાં પવારે અદાણી જૂથને ટેકો આપ્યો હતો અને અદાણીની કંપનીઓ વિશે હિંડનબર્ગના રિપોર્ટની આલોચના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘આવા વિધાનો અન્ય લોકો દ્વારા પણ અગાઉ કરવામાં આવ્યા હતા અને ત્યારે સંસદમાં થોડા દિવસો માટે ધાંધલ ધમાલ થઈ હતી. જોકે, આ વખતે સમગ્ર મુદ્દાને બહુ મોટું સ્વરૂપ આપી ચગાવવામાં આવ્યો હતો. જૂથને લક્ષ્ય બનાવવામાં આવ્યું હોય એવું લાગે છે.’
શુક્રવારે રાત્રે કલ્યાણમાં મીડિયા સાથેની વાતચીતમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે ‘અદાણી ગ્રૂપના વીસ હજાર કરોડ રૂપિયાના સંદર્ભે કૉંગ્રેસે ખુલાસો માગી અશાંતિ પેદા કરવાની કોશિશ કરી હતી. ઉદ્ધવ ઠાકરે સુધ્ધાં સતત આ મુદ્દે બોલતા રહ્યા હતા. હવે પવારે જે કહ્યું છે એ વાત વિરોધ કરનારાઓએ ધ્યાનમાં લેવી જોઈએ. પવાર વરિષ્ઠ રાજકારણી છે અને સમગ્ર બાબતનો અભ્યાસ કર્યા પછી જ પ્રતિક્રિયા આપી હશે.’ દરમિયાન એનસીપી નેતા અજિત પવારે પક્ષ પવારના સમર્થનમાં હોવાનું જણાવ્યું હતું. (પીટીઆઈ)