CSMT રેલવે સ્ટેશનને જોડતો હિમાલયા બ્રિજ આજથી ખુલ્લો મુકાયો
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસને અડીને આવેલા હિમાલય પુલનું પુનઃનિર્માણ કાર્ય આખરે પૂર્ણ થઈ ગયું છે અને આજથી બ્રિજને ટ્રાફિક માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. બ્રિજનું નિરીક્ષણ અને અન્ય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 30 માર્ચથી હિમાલય બ્રિજ મુસાફરો અને નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. 14 માર્ચ, 2019 ના રોજ, હિમાલય પુલ તૂટી પડ્યો હતો. આ અકસ્માતમાં સાત લોકોએ જીવ ગુમાવ્યા હતા. જે બાદ પાલિકાએ તે પુલ તોડીને નવો બનાવવાનો નિર્ણય કર્યો હતો. માર્ચ 2020 માં, કોરોના વાયરસના ચેપ અને કેટલાક અન્ય તકનીકી કારણોસર પુલનું કામ બંધ કરવામાં આવ્યું હતું. જોકે, હવે પાલિકાએ કામમાં ઝડપ લાવી માર્ચના અંત સુધીમાં પુલનું કામ પૂરું કરી દીધું છે. નવી ડિઝાઇન મુજબ બ્રિજ માટે સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
મુંબઈમાં આ પહેલો સ્ટીલ બ્રિજ હશે. આ બ્રિજ પૂર્ણ થયા બાદ રોજના 50 હજાર જેટલા રાહદારીઓને ફાયદો થશે. આ પુલનો નિર્માણ ખર્ચ 7 કરોડ રૂપિયા છે અને પુલની લંબાઈ 33 મીટર અને પહોળાઈ 4.4 મીટર છે. બ્રિજ પર જવા માટે સ્લાઇડિંગ સીડી પણ લગાવવામાં આવશે. જોકે, હાલમાં, નાગરિકો પુલ માટે સાદી સીડીના માર્ગનો ઉપયોગ કરી શકશે. આગામી છ મહિનામાં નાગરિકો માટે એસ્કેલેટર પણ ચાલુ કરવામાં આવશે. આ બ્રિજ ખુલ્લો મુકાયા બાદ મુસાફરોને ઘણી રાહત થશે અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશન પર ભીડને વહેંચવામાં પણ મદદ મળશે.