ભોજપૂરી અભિનેત્રીની ધરપકડ: ત્રણ મૉડેલનો છુટકારો
મુંબઈ: ગોરેગામમાં હાઇ-પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ કરનારી પોલીસે ભોજપૂરી અભિનેત્રીની ધરપકડ કરી હતી, જ્યારે ત્રણ મૉડેલનો છુટકારો કરાવવામાં આવ્યો હતો.
ગોરેગામ પૂર્વમાં આવેલી એક હોટેલમાં સેક્સ રેકેટ ચલાવવામાં આવતું હોઇ ૨૪ વર્ષની અભિનેત્રી દેહવ્યાપાર માટે મૉડેલિંગ ક્ષેત્રમાં કાર્યરત યુવતીઓ પૂરી પાડતી હોવાની માહિતી ક્રાઇમ બ્રાન્ચની સમાજસેવા શાખાને મળી હતી. આથી પોલીસ દ્વારા બોગસ ગ્રાહક તૈયાર કરીને અભિનેત્રીનો સંપર્ક સાધવામાં આવ્યો હતો.
ત્યાર બાદ પોલીસ ટીમે ત્યાં રેઇડ પાડી હતી, જેમાં ભોજપૂરી અભિનેત્રી સુમન કુમારીને પકડી પાડવામાં આવી હતી, જ્યારે ત્રણ મૉડેલનો છુટકારો કરાવાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર સુમન કુમારીએ ભોજપૂરી ફિલ્મ લૈલા મજનુ તથા વેબસિરીઝમાં કામ કર્યું છે. ઉપરાંત તેણે ભોજપૂરી, હિંદી, પંજાબી આલ્બમ સોંગમાં કામ કર્યું હતું.