મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખને બોમ્બે હાઈ કોર્ટે રાહત આપી છે. સીબીઆઈએ દેશમુખના જામીન પર રોક અને તારીખ વધારવા અંગે જે અપીલ કરી હતી તે હાઈ કોર્ટે નકારી દીધી છે. મંગળવારે હાઈ કોર્ટે સીબીઆઈની અરજીની ફગાવી નાખતા અનિલ દેશમુખને જેલમાંથી છોડી મૂકવાની શક્યતા છે.
બોમ્બે હાઈ કોર્ટે અનિલ દેશમુખને બારમી ડિસેમ્બરે પોતાના ચુકાદામાં જામીન મંજૂર કર્યા હતા. હાઈ કોર્ટે જામીન આપ્યા પછી તેને રોકવા માટે સીબીઆઈએ અરજી કરી હતી. આ કેસની મંગળવારે હાઈ કોર્ટે સુનાવણી કરતા હાઈ કોર્ટે સીબીઆઈની અરજીની ફગાવી નાખી હતી અને કહ્યું હતું કે હવે આ કેસમાં વારંવાર સ્ટેની માગણી કરવાનું ઉચિત નથી. કોર્ટના આ ચુકાદાને આવકારતા શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે અનિલ દેશમુખને વિના કારણ જેલમાં રાખવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. 12મી ડિસેમ્બરે અનિલ દેશમુખને જામીન આપવમાં આવ્યા હતા, પરંતુ સીબીઆઈની માગણી પછી જામીનને દસ દિવસ માટે સ્ટે આપવામાં આવ્યો હતો. આ રીતે જામીન મળ્યા પછી અનિલ દેશમુખને જેલમાં રહેવાની નોબત આવી હતી, પરંતુ હવે જ્યારે કોર્ટે સીબીઆઈની અરજી ફગાવી દીધી છે અને જામીન પર સ્ટે આપવાનો પણ ઈનકાર કરી દીધા પછી દેશમુખ આવતીકાલે જેલમાંથી મુક્તિ નક્કી છે.