દેશ અને દુનિયામાં વિચિત્ર કિસ્સાઓ બનતા રહે છે. અમુક કિસ્સાઓ સરકાર કે હાઈ કોર્ટ સુધી પહોંચી જતા હોય છે. આવો જ એક કિસ્સો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો જ્યાં બોયફેન્ડે ગર્લફ્રેન્ડની કસ્ટડી માગી, જોકે હાઈ કોર્ટે તેને ઠપકાર્યો અને રૂ. ૫૦૦૦નો દંડ પણ ફટકાર્યો.
આ કેસ બનાસકાંઠાના રહેવાસીઓનો છે. અહીં રહેતા એક પુરુષે કોર્ટમાં અરજી કરી હતી જે એક મહિલા સાથે તે લીવ-ઈન રિલેશનશિપમાં છે તેના તેની ઈચ્છા વિરુદ્ધ લગ્ન થયા હતા. મહિલા તેના પતિ અને સાસરીપક્ષનાને છોડી તેની સાથે રહે છે અને બન્નેએ લીવ-ઈન એગ્રીમેન્ટ પણ કર્યું છે. થોડા સમય પહેલા મહિલાના પતિ અને સાસરીવાળા તેને અહીંથી લઈ જતા આ પુરુષ કોર્ટની મદદ માગવા આવ્યો હતો. પુરુષે પોતાની અરજીમાં લખ્યું હતું કે મહિલાને તેની મરજી વિરુદ્ધ ગેરકાનૂની રીતે પતિના કસ્ટડીમાં રાખવામાં આવી છે. આથી પોલીસને નિર્દેશ કરવામાં આવે કે તે મહિલાને પતિ પાસેથી છોડાવી લીવ-ઈન પાર્ટનરને સોંપી દે. રાજ્ય સરકારના વકીલે આનો વિરોધ કરી જણાવ્યું હતું કે આવી અરજી કરવાનો આ પુરુષને અધિકાર નથી. મહિલા જો તેના પતિ પાસે હોય તો તે ગેરકાનૂની કસ્ટડીમાં છે, તેમ કહેવું ખોટું છે.
કોર્ટે આ મામલે જણાવ્યુ હતું કે મહિલાના અરજીકર્તા સાથે લગ્ન થયા નથી અને તેણે પહેલા પતિને છૂટાછેડા આપ્યા નથી. આથી મહિલાની પતિ પાસેની કસ્ટડીને ગેરકાનૂની કહી શકાય નહીં. આથી માત્ર લીવ-ઈન એગ્રીમેન્ટના આધારે અરજકર્તા પાસે કોર્ટમાં અરજી કરવાનો હક જ નથી. આથી કોર્ટે તેના પર રૂ. ૫૦૦૦નો દંડ ફટકાર્યો હતો.