નવી દિલ્હીઃ પાટનગર દિલ્હીથી મેરઠની વચ્ચે દોડાવવામાં આવનારી રેપિડ રેલની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે તેનું ટૂંક સમયમાં ઉદ્ઘાટન કરવામાં આવશે. ઉત્તર પ્રદેશની મહાનગર પાલિકાની ચૂંટણી નજીકમાં છે ત્યારે તેના અનુસંધાનમાં જ સરકાર તેનું ટૂંક સમયમાં ઉદઘાટન કરી શકે છે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.
રેપિડ રેલની કલાકના 160 કિલોમીટરની ઝડપ રહેશે, જ્યારે ટ્રેનના કોચમાં 2×2 સીટ હશે. મેટ્રોના માફક સીટિંગ એરેન્જમેન્ટ હશે. એના સિવાય પ્રવાસી ઊભા ઊભા ટ્રાવેલ કરી શકશે. ઓટોમેટિક પ્લગ ઈન ડોરની સિવાય રેપિડ રેલમાં તમારી પસંદગીના ડોર ઓપન કરવા માટે પુશ બટનનો વિકલ્પ પણ રહેશે. દરેક હોલ્ટ સ્ટેશને દરવાજા ખોલવાની જરુરિયાત પડશે નહીં, જ્યારે તેનાથી એનર્જીની બચત પણ થશે. પ્લેટફોર્મ પર સ્ક્રીન ડોર લગાવવામાં આવશે. ટ્રેનના ડોરને પીએસડી (પ્લેટફોર્મ સ્ક્રીન ડોર)ની સાથે જોડવામાં આવશે, જેથી રેલવે ટ્રેક, પ્લેટફોર્મ પર ચડવા-ઉતરવાના અકસ્માત થશે નહીં. દેશમાં સૌથી પહેલી બુલેટ ટ્રેન મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડાવવાની યોજના છે, પરંતુ એના પહેલા રેપિડ રેલ દોડાવવાની યોજના છે. રેપિડ રેલના પ્રવાસથી પ્રવાસીઓને ઝડપથી ટ્રાવેલ કરવાની સુવિદ્યા મળશે, એવું અધિકારીએ જણાવ્યું હતું.
ઉત્તર પ્રદેશની પાલિકાની ચૂંટણીની જાહેરાત દસમી એપ્રિલના યોજાઈ શકે છે, તેના પહેલા રેપિડ રેલ ચાલુ કરવાની તૈયારી ચાલી રહી છે. જો ચૂંટણીની જાહેરાત થશે એ પૂર્વે આચારસંહિતા લાગી શકે છે, તેથી તેના ઉદ્ઘાટન સંબંધમાં કોઈ નવી યોજનાની શરુઆત થઈ શકે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ તેના માટે ગાઝિયાબાદ જઈને તેનું ઉદ્ઘાટન કરી શકે છે.
હાલના તબક્કે રેપિડ રેલના પહેલા ટ્રાયલ અને તમામ પ્રકારની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પ્રવાસીઓને રેપિડ રેલ ક્યારે ચાલુ થશે તેનો નિર્ણય તો ઉચ્ચ અધિકારી લેશે, પરંતુ સાહિબાબાદથી દુહાની વચ્ચે રેપિડ રેલ ચાલુ કરવા માટે ટ્રેક તૈયાર છે. રેપિડ રેલનો કોરિડોર તૈયાર કરવાનું ઝડપથી ચાલી રહ્યું છે. પહેલા તબક્કામાં સાહિબાબાદથી દુહાઈની વચ્ચે 17 કિલોમીટરનો પ્રાયોરિટી સેક્શન છે. ત્યાર બાદ મેરઠ સુધી 2025 સુધી પૂરી થવાની અપેક્ષા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.