ઓડિશામાં રમાયેલી પુરુષોની હોકી વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાનું નોંધપાત્ર પ્રદર્શન રહ્યું નહોતું અને એટલે ક્વાર્ટર ફાઈનલમાં પણ પહોંચી નહોતી. હવે ખરાબ પ્રદર્શનને કારણે ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગ્રેહામ રીડે રાજીનામું આપ્યું છે. રીડના સિવાય ગ્રેગ ક્લાર્ક અને સાન્ટિફિક એડવાઈઝર મિશેલ ડેવિડ પેમ્બરટને પણ રાજીનામું આપ્યું છે. આ ત્રણેયના રાજીનામાને હોકી ઈન્ડિયાએ સ્વીકારી લીધા હોવાનું કહેવાય છે.
58 વર્ષના રીડે ભુવનેશ્વરમાં રમાયેલા વર્લ્ડકપના સમાપનના એક દિવસ પછી હોકી ઈન્ડિયાના પ્રમુખ દિલીપ ટિર્કીને રાજીનામું સોંપ્યું હતું. ગ્રેહામ રીડે રાજીનામું આપ્યા પછી કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે હું પદપરથી હટી જઉ. ટીમ ઈન્ડિયા અને હોકી ઈન્ડિયાની સાથે કામ કરવાના સન્માન અને સૌભાગ્યની વાત છે અને મેં મારી આ શાનદાર યાત્રાની દરેક પળનો આનંદ લીધો હતો અને હું ટીમને પણ શુભેચ્છાઓ આપું છું. રાજીનામું આપ્યાના આગામી ત્રણ મહિના નોટિસ પિરિયડ રહેશે. ઓસ્ટ્રેલિયા માટે હોકી રમી ચૂકેલા રીડ અને તેમની ટીમની સાથે ભારતે 41 વર્ષ પછી ઓલ્મિપિકમાં બ્રોન્ઝ મેડલ જીતાડ્યો હતો. એના સિવાય ટીમ ઈન્ડિયાને બર્મિંગહમ કોમનવેલ્થ ગેમમાં સિલ્વર અને એફઆઈએચ પ્રો લીગ 2021-22ની સીઝનમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું. રીડ હેડ કોચની આગેવાની હેઠળ ટીમ ઈન્ડિયાને 2019માં એફઆઈએચમાં વર્લ્ડ સિરીઝ ફાઈનલ જીત્યું હતું. રીડની સાથે અન્ય કોચના રાજીનામું સ્વીકારતા હોકી ઈન્ડિયાના પ્રમુખ ટિર્કીએ કહ્યું હતું કે ગ્રેહામ રીડ અને તેમની ટીમના ભારત હંમેશાં માટે ઋણી રહેશે અને તેમની આગેવાનીમાં અનેક સારા પરિણામો મળ્યા હતા. ખાસ કરીને ઓલ્મિપિક રમતમાં. દરેક પ્રવાસમાં નવા પડાવો આવે છે અને આપણે પણ નવા વિચારો સાથે આગળ વધવું પડશે.
અહીં એ જણાવવાનું કે હોકી વર્લ્ડકપમાં ભારત નવમા સ્થાને છે. ક્રોસઓવર મુકાબલામાં ટીમ ઈન્ડિયાને બારમા નંબરની ટીમ ન્યૂઝીલેન્ડ સામે હારીને પુરસ્કારની રેસમાંથી બહાર થવાની નોબત આવી હતી. નિર્ધારિત સમયમાં બંને ટીમ 3-3થી એક સમાન હતી, જેમાં શૂટઆઉટમાં ન્યૂઝીલેન્ડે ભારત સામે 5-4થી વિજય પ્રાપ્ત કર્યો હતો.