હું આરોપી નથીઃ વોટસએપ સ્ટેટસમાં મીડિયા/પોલીસને કરી વિનંતી
મુંબઈઃ મુંબઈ સબર્બન રેલવેમાં એક હેડ કોન્સ્ટેબલે દીઘા અને થાણે રેલવે સ્ટેશનની વચ્ચે બ્રિજ પરથી કૂદીને ટ્રેનની નીચે ઝંપલાવીને કથિત રીતે આત્મહત્યા કરવાનો કરુણ બનાવ બન્યો હતો. મધ્ય રેલવેમાં દીઘા અને થાણે રેલવે સ્ટેશનની વચ્ચે બ્રિજ પરથી ઝંપલાવીને ટ્રેનની નીચે ઝંપલાવ્યું હતું. મૃતકની ઓળખ વૈભવ કદમ (હેડ કોન્સ્ટેબલ) તરીકે કરવામાં આવી છે. રેલવે પોલીસે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
કદમનો મૃતદેહ નિલજે અને તલોજા રેલવે સ્ટેશનની વચ્ચેના રેલવે ટ્રેક પરથી મળી આવ્યો હતો. રેલવે પોલીસે આત્મહત્યાનો કેસ નોંધ્યો છે. પોલીસે હાથ ધરેલી વધુ તપાસમાં પોલીસને તેના મોબાઈલનું વોટસએપ સ્ટેટસ મળ્યું છે, જેમાં મરાઠીમાં લખ્યું છે કે પોલીસ અને મીડિયાને મારી એક જ વિનંતી છે કે હું કોઈ આરોપી નથી.
કદમ તત્કાલીન સરકારના પ્રધાન જિતેન્દ્ર આવ્હાડની સુરક્ષા ટીમમાં હતા.
પોલીસ કોન્સ્ટેબલ કદમ એન્જિનિયર અનંત કર્મુસેની મારપીટના પ્રકરણ વખતે ભૂતપૂર્વ પ્રધાન જિતેન્દ્ર આવ્હાડની સુરક્ષામાં તહેનાત હતા. કહેવાય છે કે અનંત કર્મુસે કેસમાં વૈભવની પૂછપરછ સાથે તપાસ પણ ચાલી રહી છે. આત્મહત્યા પ્રકરણમાં ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, એમ પોલીસે જણાવ્યું હતું. થાણેના અનંત કર્મુસે નામની એક વ્યક્તિએ કથિત રીતે ફેસબુક પર તત્કાલીન પ્રધાન જિતેન્દ્ર આવ્હાડની મોર્ફ કરેલી તસવીર પોસ્ટ કરી હતી. અનંતનું અપહરણ અને મારપીટના કિસ્સામાં આવ્હાડની ધરપકડ પણ કરવામાં આવી હતી અને થાણે સેશન્સ કોર્ટે આવ્હાડને જામીન પણ આપ્યા હતા. 40 વર્ષીય અનંતે આરોપ મૂક્યો હતો કે પાંચમી એપ્રિલના રાતે અમુક પોલીસે તેને આવ્હાડના બંગલા પર લઈ જઈને પ્રધાનની હાજરીમાં પણ તેની મારપીટ કરી હતી, એવો તેને દાવો કર્યો હતો. આ કેસમાં વૈભવ કદમની હત્યા કરવામાં આવી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.