પ્રખ્યાત ગૌરી-શંકર મંદિરની દિવાલો પર ભારત વિરોધી સૂત્રો લખાયા
ઓસ્ટ્રેલિયા બાદ કેનેડામાં પણ હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા છે. ખાલિસ્તાન સમર્થકોએ હિન્દુ મંદિરો પર ભારત વિરોધી સૂત્રો લખ્યા છે. કેનેડાના બ્રામ્પટનમાં એક અગ્રણી હિંદુ મંદિર પર ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા છે અને મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે, જેના કારણે ભારતીય સમુદાયમાં આક્રોશ ફેલાયો છે. ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે ગૌરી શંકર મંદિરમાં તોડફોડની ઘટનાને વખોડી કાઢી છે અને કહ્યું છે કે મંદિરમાં થયેલી તોડફોડ અને ભારત વિરોધી લખાણોને કારણે કેનેડામાં વસતા ભારતીય સમુદાયની લાગણીઓને ઊંડી ઠેસ પહોંચી છે.
ભારતના કોન્સ્યુલેટ જનરલે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે “તોડફોડના ધિક્કારપાત્ર કૃત્યથી કેનેડામાં ભારતીય સમુદાયની લાગણીઓને ઊંડી ઠેસ પહોંચી છે. અમે કેનેડિયન સત્તાવાળાઓ સાથે આ બાબતે અમારી ચિંતાઓ વ્યક્ત કરી છે.”
કેનેડામાં ભારતીય વિરાસતના પ્રતિક એવા ગૌરી-શંકર મંદિરમાં ભારત પ્રત્યે નફરતના સંદેશાઓ સાથે તોડફોડ કરવામાં આવી છે. કેનેડિયન અધિકારીઓ હાલમાં આ ઘટનાની તપાસ કરી રહ્યા છે. બ્રેમ્પટનમાં હિંદુ મંદિરની તોડફોડની આ કોઈ પહેલી ઘટના નથી. ગયા જુલાઈથી અત્યાર સુધીમાં કેનેડામાં આ પ્રકારની તોડફોડની ઓછામાં ઓછી ત્રણ ઘટનાઓ નોંધાઈ છે.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, ભારતીય વિદેશ મંત્રાલયે એક કડક શબ્દોમાં નિવેદન બહાર પાડ્યું હતું કે કેનેડામાં ભારતીયો અને અન્ય “ભારત વિરોધી પ્રવૃત્તિઓ” વિરુદ્ધ નફરતના ગુનાઓમાં “તીવ્ર વધારો” થયો છે. નવી દિલ્હીએ કેનેડાની સરકારને ઘટનાઓની યોગ્ય તપાસ કરવા વિનંતી કરી હતી. કેનેડિયન સરકારના નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસના ડેટા અનુસાર, કેનેડામાં 2019 અને 2021 વચ્ચે ધર્મ, લૈંગિક અભિગમ અને જાતિને લક્ષ્ય બનાવતા લક્ષિત નફરતના ગુનાઓમાં 72 ટકાનો વધારો નોંધાયો છે. આનાથી લઘુમતી સમુદાયો ખાસ કરીને ભારતીય સમુદાયમાં ભય પેદા થયો છે. કેનેડામાં ભારતીય સમુદાય કુલ વસ્તીના લગભગ ચાર ટકા છે. ભારતીય અધિકારીઓએ વારંવાર કેનેડામાં ભારતીય સમુદાય પર ખાલિસ્તાની તરફી તત્વો દ્વારા હુમલાનો મુદ્દો ઉઠાવ્યો છે.