Homeવાદ પ્રતિવાદમુસીબતોથી છુટકારો પામવા માટેનો આ રહ્યો બેમિસાલ અમલ

મુસીબતોથી છુટકારો પામવા માટેનો આ રહ્યો બેમિસાલ અમલ

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

જે સૂરતને પવિત્ર કુરાનનું દિલ કહેવામાં આવે છે તે સુરહ યાસીન શરીફની ફઝિલત જાણી આપ આફ્રીન થઈ ઊઠશો. સૂરહ યાસીન કુરાન પાકના ૨૨મા પારા (ભાગ)ની રૂકુઅ (પેરેગ્રાફ) ૧૮થી શરૂ થઈ ૨૩મા પારાના ચોથા રૂકુઅ પર પૂરી થાય છે તેમાં ૮૩ આયતો (વાક્ય) (શ્ર્લોકો) અને પાંચ રૂકુઅ છે.
હુઝૂરે અનવર પયગંબર હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ (સ. અ.વ)એ ફરમાવ્યું કે, ‘પ્રત્યેક ચીજનું દિલ હોય છે અને કુરાને કરીમનું દિલ યાસીન શરીફ છે. જે શખસ સૂરએ યાસીનની તિલાવત (વાંચન, પઠન) કરે છે અથવા યાસીન શરીફ લખે છે તો અલ્લાહ રબ્બુલ ઈજ્જતએ પઢવાવાળા કે લખવાવાળાના નામએ આમાલમાં દસ વખત પૂરું કુરાન શરીફ પઢવાનો સવાબ લખવામાં આવે છે. આપ ફરમાવો છો કે, ‘જે મુસલમાન મર્દ કે ઔરતના મૃત્યુ (સકરાત)ના સમયે તેની પાસે યાસીન શરીફ પઢવામાં આવશે તો તેના એક એક હર્ફ (શબ્દ)ના બદલામાં દસ દસ રહમતના ફરિશ્તા હાજર થશે, જે મૃત્યુ પામનારની સામે સફ (ખભેખભા મેળવી હારબંધ) બાંધીને ઊભા થઈ જશે અને મરનાર પર રહેમત (દયા, કૃપા) માટે બારગાહે ઈલાહી (અલ્લાહના દરબાર)માં ઈલ્તેજા (અરજ, વિનંતી) કરશે. આ ફરિશ્તાઓ મરનારની મગફેરત (છુટકારા, મોક્ષ)નો જરીઓ (કારણ) બનશે. મૈયતને ગુસલ (સ્નાન) આપતી વેળા પણ ફરિશ્તાઓ હાજર રહેશે અને તેના જનાઝાની સાથે પણ ચાલશે.
અમિરૂલ મુઅમિનીન હઝરત અલી રદ્યિલ્લાહો તઆલા અન્હો ફરમાવે છે કે, યાસીન શરીફ પઢો કે તેમાં ૧૦ બરકતો છે:
૧ – ભૂખ્યો પઢશે તો તેનું પેટ ભરાઈ જશે (એટલે તેના માટે ખાવાનો બંદોબસ્ત થઈ જશે).
૨ – નગ્ન પઢશેે તો કપડાવાળો થઈ જશે. (તેની જરૂરત પૂરી થશે).
૩ – કુંવારો કે કુંવારી પઢશે તો તેની શાદી થઈ જશે.
૪ – ડરપોક પઢશે તો શાંતિ પ્રાપ્ત કરશે.
૫ – ચિંતાગ્રસ્ત પઢશે તો ખુશ થઈ જશે.
૬ – મુસાફર પઢશે તો તેની સફર આસાન થશે.
૭ – જેની કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હશે તો તે વસ્તુ મળી જશે.
૮ – મૈયત પર પઢવામાં આવશે તો તેના અઝાબ હળવો થશે.
૯ – તરસ્યો પઢશે તો તૃપ્ત થશે અને
૧૦ – બીમાર પઢશે તો સાજો – નરવો થઈ જશે.
હુઝૂરે અનવર (સ.અ.વ.) ફરમાવ્યું કે આ સૂરત (વિભાગ) યાસીન શરીફને વધુમાં વધુ પઢયા કરો. કેમ કે તેમાં ઘણા જ ફાયદાઓ છે.
કોઈ કબર ઉપર, મૈયતના ઈસાલે સવાબ (પુણ્ય)ની નિય્યતથી સૂરએ યાસીન પઢવામાં આવે તો કબરવાળો અગર અઝાબ (પ્રકોપ)માં હશે તો તેને અઝાબમાંથી મુક્તિ મળશે અને નહીંતર એ મૈયતને યાસીન શરીફની તિલાવત (વાંચન)ની બરકતથી વધારે રાહત અને ખુશી પ્રાપ્ત થશે. તેથી જ આપ હુઝૂરે (સ.અ.વ) ફરમાવ્યું કે તમે લોકો પોતાના મુર્દાઓને સૂરએ યાસીન સંભળાવો.
હઝરત ઈમામ શાફેઈએ હઝરતઅલી રદ્યિલ્લાહો તઆલા અન્હોથી રિવાયત કરી છે, કે જેણે યાસીન શરીફ લખી અને તેને ધોઈને પીધી તો તેના પેટમાં એક હજાર નૂર, એક હજાર બરકતો અને એક હજાર દવાઓ પ્રવેશી અને તેનાથી એક હજાર બીમારીઓ નીકળી.
બીમારીમાં આ સૂરત (પ્રકરણ)થી રૂહાની ફાયદાઓ ઘણા પ્રાપ્ત થાય છે. કોઈ બાઅમલ પરહેઝગાર (સંયમી) વ્યક્તિ પાસે આ સૂરત જાફરાન (કેસર)થી લખાવી બીમારને પીવડાવવામાં આવે તો ઈન્શા અલ્લાહ ખૂબ જ ફાયદો થશે. દરેક મુસીબતોથી છુટકારો પામવા માટે આ સૂરતથી આ આયત ‘સલામુન કૌલમ મિર રબ્બિર્રહીમ’ હંમેશા પઢતા રહો.
વહાલા વાચક મિત્રો! સૂરએ યાસીન શરીફની તિલાવત (વાચન, પઠન) દસ વખત કુરાન કરીમની તિલાવતનો સવાબ રાખે છે એટલે કે દરેક મુસલમાન મર્દ અને ઔરતે યાસીન શરીફ મોઢે યાદ કરી લેવી જોઈએ. ચાલતા-ફરતા અને મુસાફરીમાં જ્યારે પણ સમય મળે પઢી શકાય છે. કારણ કે મોઢે વાંચન કરવાથી વુઝૂની જરૂરત નથી (વુઝૂ હોય તો ઉત્તમ). હા, જેની ઉપર ગુસલ ફર્ઝ હોય તેણે મોઢે કુરાનની તિલાવત કરવી હરામ છે.
કુરાન શરીફ વિશેની વધુ માહિતી કે જેને જાણવી, સમજવી અત્યંત જરૂરી હોઈને પ્રસ્તુત લેખના આવતા ભાગમાં વાંચીશું અને ઈલ્મોજ્ઞાનમાં વધારો કરીશું.
– કબીર સી. લાલાણી
* * *
ઉત્તમ ઈમાનની વ્યાખ્યા
ઈસ્લામના પયગંબર હઝરત મુહંમદ (સ.અ.વ.)ને એક શખસે નમ્ર અરજ કરી કે, રસૂલૂલ્લાહ (સ.અ.વ.)! કયું ઈમાન ઉત્તમ છે? આપ હુઝૂરે અનવર (સ.અ.વ.) ફરમાવ્યું કે ‘એ ઈમાન જેની સાથે હિજરત – (વતન ત્યાગ) હોય. ફરીથી અરજ વ્યક્ત કરવામાં આવી, હિજરત શું છે? આપે ફરમાવ્યું, તમે બુરાઈઓ છોડી દો એ પણ એક જાતની હિજરત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -