Homeઉત્સવરાજકારણ ચમકાવવામાં નેહરુ-સાવરકરનો સહારો

રાજકારણ ચમકાવવામાં નેહરુ-સાવરકરનો સહારો

અનુકૂળ ઈતિહાસનું જ મહિમામંડન -રાહુલની પદયાત્રાને ભવ્ય સમર્થન -સેના-રાષ્ટ્રવાદી છટકવાની વેતરણમાં

કારણ-રાજકારણ -ડૉ. હરિ દેસાઈ

છેલ્લા કેટલાક સમયથી રાજનેતાઓ ઈતિહાસનાં વ્યક્તિત્વોના આધારે વર્તમાન રાજકારણની વૈતરણી તરવાની કોશિશ કરે છે. એમાં પંડિત જવાહરલાલ નેહરુ અને સ્વાતંત્ર્યવીર વિ.દા.સાવરકર સતત ઝપાટામાં આવે છે. બંનેના ઈતિહાસને તથ્યોને આધારે જોવાને બદલે પોતપોતાને અનુકૂળ સ્વરૂપમાં પ્રસ્તુત કરીને મતદારોને પ્રભાવિત કરવાની રાજકીય યોજનાઓ આકાર લે છે. હમણાં નેહરુવંશના રાજકીય વારસ, નામે રાહુલ રાજીવ ગાંધીએ, મહારાષ્ટ્રમાં ભારત જોડો પદયાત્રા દરમિયાન આંદામાનની સેલ્યુલર જેલમાંથી છૂટવા માટે બ્રિટિશ સરકાર સમક્ષની સાવરકરની દયાઅરજી કે ક્ષમાયાચના અરજી (મર્સી પીટીશન કે પીટીશન ફોર ક્લેમન્સી)નો ઉલ્લેખ કરીને વિવાદનો મધપૂડો છેડ્યો છે. સત્તારૂઢ ભાજપના નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ દ્વારા નેહરુ વિરુદ્ધ કે અન્ય ઈતિહાસવ્યક્તિત્વો વિરુદ્ધ વિષવમન થતું રહ્યું છે. સર્વપક્ષી નેતાઓ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ કે નેતાજી સુભાષચન્દ્ર બોઝના નામનો અનુકૂળતા મુજબ ઉપયોગ કે અનુકૂળતા મુજબ દુરુપયોગ થયા કરે છે. ક્રાંતિકારી અને પોતાના જાનની રાષ્ટ્રની આઝાદી કાજે આહુતિ આપનારા મહામાનવોના નામે રાજકીય લાભ ખાટવાની ઝૂંટાઝૂંટ ચાલે છે. ઈતિહાસનાં તથ્યોનું છડેચોક ચીરહરણ થાય છે. રાજકીય આગેવાનો બંધારણીય હોદ્દે બેસીને પણ એની ગરિમા જાળવવાને બદલે કમરપટ્ટા નીચે વાર કરીને પણ પોતાના રાજકીય ઈરાદાઓ સાર્થક કરવાના પ્રયાસ કરે છે. વિરાટોના યુગમાંથી આપણે વામણાઓના યુગમાં પ્રવેશી ચૂક્યા છીએ. રાજકીય મંચ પર છેલ્લા ઘણા સમયથી ઇતિહાસનું વિકૃતીકરણ કરીને દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત નેહરુનું રીતસર ચરિત્રહનન થઈ રહ્યું છે. વ્હોટ્સએપ યુનિવર્સિટી યુવામાનસને ગેરમાર્ગે દોરે છે. નેહરુનું ચરિત્રહનન થતું હોય ત્યારે એમના સમર્થકો અને ઇતિહાસના જ્ઞાતાઓ દેશનાં બીજાં ઈતિહાસ વ્યક્તિત્વોનાં નબળાં પાસાં શોધવામાં સક્રિય થઈને એમનું ચરિત્રહનન થાય એવો ઉદ્યમ આદરે છે.આમાં ઇતિહાસનો કચ્ચરઘાણ નીકળી રહ્યો છે. આવા રાજકીય ખેલ સમજીવિચારીને થઇ રહ્યા હોવા છતાં વિશ્વમંચ પર ભારતની ભૂંડી છાપ ઉપસે છે.
એક નહીં, સાત દયા અરજીઓ
બેરિસ્ટર સાવરકર પેરિસથી લંડન જતાં જ ૧૩ માર્ચ,૧૯૧૦ના રોજ પકડાયા. એમને બ્રિટિશ અધિકારીની હત્યાના ખટલાના આરોપી તરીકે ભારત લવાયા. ૨૪ ડિસેમ્બર,૧૯૧૦ અને ૩૧ જાન્યુઆરી,૧૯૧૧ના રોજ ડબલ જનમટીપ અને કાળા પાણીની સજા થઈ એટલેકે પચાસ વર્ષની સજા ફટકારવામાં આવી એ વાસ્તવિકતા છે. સજા એમણે આંદામાનની સેલ્યુલર જેલમાં ભોગવવાની હતી. જોકે એ લંડનમાં પકડાયા પછી માત્ર ૧૪ વર્ષમાં જ અને આંદામાન પાઠવાયા પછી ૧૩ વર્ષ બાદ એટલે કે સપ્ટેમ્બર ૧૯૨૨માં આંદામાનથી અને ૬ જાન્યુઆરી,૧૯૨૪ના રોજ પુણેની યરવડા જેલમાંથી એ છૂટ્યા.સાવરકરે આંદામાન જેલમાંથી છૂટવા માટે પોતે અને તેમના પરિવારે સાત-સાત વખત દયા અરજી કરી હતી.આ દયા અરજીઓમાંની કેટલીક તો સાવરકર ભણી સહાનુભૂતિ ધરાવનાર ઇતિહાસવિદ વિક્રમ સંપતના સાવરકર પરના બે ગ્રંથમાંથી બીજા ગ્રંથમાં પ્રકાશિત થઇ છે. ઇતિહાસવિદ-પત્રકાર વૈભવ પુરંદરેએ પણ સાવરકર અંગેના પોતાના ગ્રંથમાં તારીખ સહિત સાતેય દયા અરજીઓ વિશે નોંધ્યું છે. સુપ્રસિદ્ધ ઇતિહાસકાર અને સાવરકર-સંઘ અંગેના નિષ્ણાત અભ્યાસી અને સાવરકર:મિથક ઔર સત્યના લેખક પ્રા.શમ્સુલ ઈસ્લામ કહે છે કે સાવરકરની દયા અરજીઓ નેશનલ આર્કાઈવ્ઝ ઓફ ઇન્ડિયામાં સુરક્ષિત છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ચલાવ્યું હતું કે ૧૯૨૦માં ગાંધીજીના કહેવાથી સાવરકરે દયા અરજી લખી હતી. હકીકતમાં સાવરકરે સૌથી પહેલી દયા અરજી (૧) ૩૦ ઓગસ્ટ,૧૯૧૧ના રોજ કરી.એ માત્ર ચાર દિવસમાં જ નામંજૂર થઇ હતી.એ પછી બેરિસ્ટર સાવરકરે (૨) ૨૯ ઓક્ટોબર,૧૯૧૨ (૩) નવેમ્બર ૧૯૧૩ (૪)સપ્ટેમ્બર,૧૯૧૪ (૫)૧૯૧૫માં તેમનાં પત્ની અને ભાભીએ કરી (૭) ૩૦ માર્ચ, ૧૯૨૦. કોંગ્રેસે સાવરકર બંધુઓને જેલમુક્ત કરવા ઠરાવ કર્યો હતો અને ગાંધીજીએ મે ૧૯૨૦માં યંગ ઇન્ડિયામાં લેખ લખીને અંગ્રેજો ભારતમાંથી જાય એવું સાવરકરબંધુ ઈચ્છતા ના હોવા છતાં અન્યોને દયા બક્ષીને મુક્ત કરાયા છે તો સાવરકરબંધુને પણ મુક્ત કરવામાં આવે એવું લખ્યું. સાવરકરને જેલમુક્ત થયા પછી પણ બ્રિટિશ સરકાર તરફથી પેન્શન મળતું હતું એવું એમની અધિકૃત જીવનકથા લખનાર ધનંજય કીરે નોંધ્યું છે પરંતુ એ શા માટે મળતું હતું એ સ્પષ્ટ કર્યું નથી.
દ્વિરાષ્ટ્ર અને મુસ્લિમ લીગ
બ્રિટિશ સરકારની શરતો માનીને સાવરકરે ૧૯૩૭ લગી રત્નાગિરીમાં રહેવાનું હતું. ડિસેમ્બર,૧૯૩૭માં હિંદુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અમદાવાદમાં એમણે જે અધ્યક્ષીય ભાષણ કર્યું એમાં હિંદુ અને મુસ્લિમ બંને અલગ રાષ્ટ્રો છે એવું પ્રતિપાદિત કર્યું. દ્વિરાષ્ટ્રનો સિદ્ધાંત સાવરકરે પોતાના ૧૯૨૩માં પ્રકાશિત પુસ્તક હિંદુત્વમાં અને પછી ૧૯૩૭માં રજૂ કર્યો. એમના પછી મુસ્લિમ લીગના અધ્યક્ષ બેરિસ્ટર મોહમ્મદઅલી ઝીણાની અધ્યક્ષતામાં માર્ચ ૧૯૪૦માં લાહોરમાં મળેલા મુસ્લિમ લીગના અધિવેશનમાં મુસ્લિમો માટે અલગ રાષ્ટ્રની માંગણી કરતો પાકિસ્તાન ઠરાવ મંજૂર થયો. આ ઠરાવ બંગાળના મુસ્લિમ લીગી પ્રીમિયર (મુખ્યમંત્રી) ફઝલુલ હકે રજૂ કર્યો હતો. એના બીજા વર્ષે બંગાળની ફઝલુલ હકની સરકારમાં સાવરકરની સંમતિથી હિંદુ મહાસભાના કાર્યાધ્યક્ષ ડો.શ્યામાપ્રસાદ મુકરજી નાણામંત્રી તરીકે જોડાયા હતા. ૧૧ મહિના મંત્રી રહ્યા. સિંધ અને વાયવ્ય પ્રાંતમાં પણ મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભાની સંયુક્ત સરકારો હતી. મહાત્મા ગાંધીની ઓગસ્ટ ૧૯૪૨ની હિંદ છોડો હાકલને સાવરકરે હિંદ તોડો ગણાવીને એનો વિરોધ કર્યો હતો. સાવરકર સમગ્રના દસ ગ્રંથમાંથી પસાર થતાં સાવરકરના સાહિત્યિક યોગદાનને સલામ કરવાનું મન થયા વિના રહેતું નથી, તેમના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને નાસ્તિક હોવા વિશે ગર્વ અનુભવાય;પરંતુ અંગ્રેજો સાથેના એમના મધુર સંબંધ અને ગાંધીજી ભણી નફરત ઊડીને આંખે વળગે છે.
નેતાજી અને સાવરકર-ઝીણા
નેતાજી સુભાષચંદ્ર બોઝ પોતાની આત્મકથામાં નોંધે છે કે તેઓ ૧૯૪૦માં મુંબઈ જઈને સાવરકર તથા ઝીણાને મળ્યા પણ અંગ્રેજો ભારતમાંથી જાય એવું આ બેઉ ઈચ્છતા નહોતા. એમની પાસેથી કોઈ અપેક્ષા કરવી નિરર્થક હોવાનું નેતાજી નોંધે છે. સાવરકરનો દાવો છે કે નેતાજી એમની સલાહ મુજબ ભારત છોડી આઝાદ હિંદ ફોજનું નેતૃત્વ કરે એવી સલાહ તેમણે આપી હતી. આ બાબત પણ ગળે ઉતારે તેવી નથી. કારણ? નેતાજી બર્માના મોરચેથી આઝાદ હિંદ ફોજના સરસેનાપતિ તરીકે અંગ્રેજો સામે લડી રહ્યા હતા ત્યારે સાવરકર અંગ્રેજોના લશ્કરમાં હિંદીઓની ભરતીનો પ્રચાર કરીને અંગ્રેજોને મદદ કરી રહ્યા હતા. સાવરકર સ્મારક-મુંબઈની સત્તાવાર વેબસાઇટ સાવરકર-નેતાજીની સાવરકર સદન પર મુલાકાતની તારીખ ૨૨ જૂન, ૧૯૪૧ નોંધે છે, પણ મુહમ્મદ ઝીયાઉદ્દીન (સુભાષ બોઝનું છદ્મ નામ) તો ૧૯ જાન્યુઆરી, ૧૯૪૧ના રોજ વાયા કાબુલ યુરોપ જવા અદ્રશ્ય થઇ કાલકા મેલમાં સવાર થઇ રવાના થઇ ગયા હતા. એટલે કે એ જૂન ૧૯૪૧માં ભારતમાં હતા જ નહીં. ઐતિહાસિક તથ્યોને વિકૃત કરીને મૂકવાનું સામાન્ય બની ગયાનાં ઉદાહરણો રાજકારણ અને ઈતિહાસકારણમાં પણ જોવા મળે છે. તાજેતરમાં ભારત જોડો પદયાત્રા દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મિત્રપક્ષો શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસને પ્રતિકૂળ એવી સાવરકરની ક્ષમા અરજીની વાત જાહેરમાં છેડી છે. એ પાછળનું ગણિત એ છે કે નજીકના ભવિષ્યમાં આ મિત્રપક્ષો કોંગ્રેસ સાથે છેડો ફાડવાના હોવાનો અણસાર તેમને આવી ગયાનું લાગે છે. આમ પણ, કોંગ્રેસે મહારાષ્ટ્રમાં ચોથા પક્ષમાંથી પહેલા ક્રમે આવવા માટે આગવું વ્યક્તિત્વ ઉપસાવવું અનિવાર્ય છે.
તિખારો
બેરિસ્ટર સાવરકર આંદામાન જેલમાં ઉર્દૂ શીખ્યા એટલું જ નહીં, ઉર્દૂમાં કવિતા પણ લખતા થયા હતા. અહીં એમની કવિતાના કેટલાક અંશ રજૂ કરીએ છીએ.
યહી પાઓગે મેહશરમેં જબાં મેરી, બયાં મેરા
મૈં બંદા હિંદવાલા હૂં, યહ હિંદોસ્તાં મેરા
મૈં હિંદોસ્તાં કે ઉજડે ખંડહર કા એક જરાં હૂં
યહી સારા પતા મેરા, યહી નામોનિશાં મેરા
મેરા હૈ રક્ત હિંદી, જાત હિંદી, ઠેઠ હિંદી હૂં
યહી મઝહબ, યહી ફિરકા,યહી હૈ ખાનદાં મેરા
કદમ લૂં માદરે હિંદોસ્તાં કી બૈઠતે ઉઠતે
મેરી ઐસી કહાં કિસ્મત, નસીબા યહ કહાં મેરા
તેરી સેવામેં ઐ ભારત અગર સર જાયે તો જાયે
તો મૈં સમઝૂ કિ હૈ મરના હયાતે-જાવિદાં મેરા
-વિ.દા.સાવરકર

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -