શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ
દરેક શહેરમાં એક ખાસ ‘સંચાલક’ પ્રકારના માણસો જોવા મળે છે. હવે એ તો શહેરની આબાદી અને એરિયા પર આધાર રાખે છે કે ક્યાં કેટલા સંચાલકો હોય શકે? નાના શહેરમાં એક અથવા બે એવા હોય છે જે દરેક કાર્યક્રમનું સંચાલન સંભાળે છે. એનું એક કારણ એ હોઈ શકે કે બધાં લોકો કં રંગબેરંગી કુર્તા-પાઇજામા કે શેરવાની નથી સિવડાવી શકતાને! જે સિવડાવી લે છે એમની સંચાલનની ગાડી ચાલી જાય છે. શેરવાની કાં તો વરરાજા માટે અથવા સંચાલક માટે સિવાય છે. પ્રોફેશનલ સંચાલક પાસે મોટા ભાગે ૨-૩ શેરવાની હોય છે. એમાંથી એક તો જરૂર કાળા કલરની હોય છે. બે શેરવાનીઓનો ફાયદો એ છે કે બેમાંથી એક કદાચ ધોવા માટે જતી રહે તો પણ એ સંચાલન માટે ના ન પાડી શકે. બીજી પહેરીને જતા રહે છે. આમ તો સંચાલક લોકોને શેરવાની ધોવડાવવાનો સમય મળતો નથી. મારા શહેરના જૂના સંચાલકોની શેરવાનીમાંથી એક ખાસ પ્રકારની ગંધ આવવા માંડી છે- સંચાલનની ગંધ!
સંચાલક માટે કહેવામાં આવે છે કે તેઓને પસંદ કરવામાં આવે છે અથવા બનાવવામાં આવે છે. પણ ખરેખર તો સંચાલકને ના તો બનાવી શકાય છે કે ના તો પસંદ કરવામાં આવે છે. એ લોકો તો જન્મે છે! એક શહેર, એક અથવા વધુમાં વધુ ત્રણ-ચાર સંચાલકોનાં ભાષણોને સહન કરીને જીવી શકે છે. અરે, શહેરના લોકો લોકો મરી જાય તોયે સંચાલક, શોકસભાના કાર્યક્રમોનું સંચાલન કરી
લે છે.
સંચાલક, ગંભીર પ્રકારનું પ્રાણી હોય છે અથવા તો એનામાં આ ભ્રમની તાકાત હોય છે. જે દિવસે સાંજે એને સંચાલન કરવાનું હોય છે, એ દિવસે કેટલાક તો સવારે નવ વાગ્યાથી જ ગંભીર થઈ જાય છે. એક રીતે સારું પણ છે. એ સારા સંચાલક બનવાની પહેલી શરત છે.
સંચાલન કરવું એ એક જાતની બીમારી છે. એક વખત જેને લાગી જાય પછી એ કાયમ માટે રહે છે. પ્રોફેશનલ સંચાલક કોઈ પણ સમારોહમાં ત્યારે જ જાય જ્યારે એ ત્યાં સંચાલક તરીકે હોય. સંચાલક લોકોની વચ્ચે બેસી શકે નહીં! જ્યારે એમને કોઈ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવે ત્યારે તેઓ એવું માની લેતા હોય છે કે કાર્યક્રમના સંચાલક એ જ હશે. જે સમારોહમાં જાહેર કરવામાં નથી આવ્યું કે સંચાલક કોણ હશે? એમાં પણ તેઓ આવે છે અને આગળની લાઈનમાં એવા ભોળા બનીને બેસી જાય કે જાણે તેઓ ઓડિયન્સ છે. પણ જ્યારે એમનું નામ બોલાય ત્યારે તેઓ આશ્ર્ચર્ય થયું હોય એવું દેખાડે છે અને ખૂબ નમ્રતા બતાવીને સંચાલક બની જાય છે. દરેક સમારોહમાં માઈક અને સંચાલક ફિટ નહીં થાય ત્યાં સુધી સમારોહ સુસ્ત અને અસ્ત-વ્યસ્ત રહે છે. આજથી પચાસ-સો વર્ષ પછી તો માઈકવાળા પોતે જ એમની સાથે સંચાલકને લાવીને સ્ટેજ પર ફિટ કરશે.
કેટલાક ઉત્સાહથી સંચાલક બને છે, કેટલાક આમ જ બની જાય છે, કેટલાક વરરાજાની જેમ હસતા-હસતા બની જાય છે, કેટલાક પ્રિન્સિપાલની સ્ટાઈલમાં સંચાલક બને છે અને કેટલાક એવી રીતે માથું નમાવીને સંચાલક પદ પર બેસી જાય છે જેમ કોઈ છોકરીનો બાપ મંડપમાં બેસે છે. સમારોહનું સંચાલન કરતા સંચાલક દર પાંચ મિનિટે બધાને સ્મિત આપતો રહે છે. એવું એ ત્યારે કરે છે જ્યારે હસવાનું કોઈ કારણ નથી હોતું. દર અઢી મિનિટે એ વક્તાની તરફ જુએ છે, દર એક મિનિટે સામેની લાઈનમાં બેઠેલા લોકોને અને દર બે મિનિટ પછી ીઓને જુએ છે. આ બધાની વચ્ચે એ છતની તરફ જોઈને, દાઢી પર આંગળીઓ ફેરવતા વિચારે છે કે- આજે દાઢી કેવી થઈ છે? સતત શરીર ખંજવાળવાની અને થોડી થોડી વારે ખોંખારો ખાવાની આદતો પણ સંચાલકોમાં જોવા મળે છે. કેટલાક સંચાલકો આમંત્રિત વક્તાઓને સતત આશ્ર્ચર્યથી જોતા રહે છે કે આ શું બબડે છે? સંચાલકની એક વિશેષતા હોય છે કે એ મોડો આવે છે. સંચાલક નહીં તો વક્તા મોડો આવે છે. કદાચ બન્ને આપસમાં નક્કી કરી લેતા હશે કે કોણ મોડું પહોંચશે? ઘણી વખત બન્ને આવીને બેસી જાય તો લોકો નથી આવ્યા હોતા.
સારા સંચાલકોની સ્ટાઈલ એવી હોય છે કે તેઓ મુખ્ય વક્તાથી હંમેશાં અસહમત જ હોય છે. જેમ કે, વક્તા જો કહે કે, ‘હમણાં રાત છે.’ તો સંચાલક તરત કહેશે,‘હમણાં જ મારા વિદ્વાન મિત્રએ કહ્યું કે- હમણાં રાત છે! એક રીતે કહી શકાય કે રાત છે.’ છતાં પણ એક સવાલ આપણી સામે આવે છે કે શું આ જ રાત છે? અને અત્યારે આને રાત કહેવું યોગ્ય હશે? વક્તાસાહેબ માફ કરજો, તમારા મત પ્રમાણે અત્યારે રાત હોઇ શકે. છતાં હું એ બાબતમાં કહેવા ઇચ્છું છું કે આપણી સંસ્કૃતિમાંથી તમે કોઈ પણ ગ્રંથ લો, જેમ કે- ગીતા, રામાયણ, બધાંમાંથી કોઈપણને લો,તો એમાં રાતની એક જ વ્યાખ્યા આપવામાં આવી છે. આપણા ઋષિમુનિઓએ રાતના વિષયનો ગહન અભ્યાસ કર્યો છે, એને જાણ્યો છે, પારખ્યો છે અને એની મર્યાદા નક્કી કરી છે. હું પૂછવા માગું છું કે, શું આપણા પ્રાચીન ભારતમાં કોઈ રાત થતી નહોતી? ના, જે લોકો એવું કહે છે, એમની સાથે હું સહમત નથી. જો સૂરજ આપણા દેશમાં પહેલો ઊગે છે, તો રાત પણ આપણે ત્યાં પહેલી પડે છે. આ બાબતમાં ભારત હંમેશા પશ્ર્ચિમના દેશો કરતાં આગળ રહ્યો છે. વક્તાસાહેબ, હું ભારપૂર્વક કહીશ કે આજે તમે દેશની હાલત તો જોઈ જ રહ્યા છો, એ આપણી સામે છે. આવી સ્થિતિમાં એવું કહેવું કે રાત છે, શું સમય સાથે ન્યાય કરવા જેવું હશે? તમે આના પર વિચારો. આ પ્રશ્ર્ન આજે આપણા બધાની સામે છે કે શું વક્તા સાહેબે કહ્યું કે,‘આ રાત છે?’ અને કદાચ એક વખત માની પણ લઈએ કે આ રાત છે તો હું પૂછવા માગું છું કે તો સવાર શું છે? કદાચ તમે મૂંઝાઇ જશો કે આ સવાલ ક્યાંથી ઊભો થઈ ગયો? પણ એ બહુ ગંભીર પ્રશ્ન છે. હું મા.વક્તાસાહેબનો આભારી છું કે એમણે એમના જોરદાર ભાષણમાં કહ્યું, ‘આ સમયે રાત છે,’ અને એક ગંભીર સમસ્યાની તરફ આપણું ધ્યાન દોર્યું છે અને વિચારવા પર મજબૂર કરી દીધા છે કે, ‘શું આ રાત છે?’ અંતમાં બધાં વતી વક્તાસાહેબનો આભાર માનું છું એમનાં અર્થપૂર્ણ ભાષણ માટે, હું તમારા બધાંનો આભારી છું કે મને સંચાલક બનાવ્યો અને શાંતિથી મને સાંભળ્યો. હવે કાર્યક્રમ પૂર્ણ થયાની જાહેરાત કરું છું કારણ કે હવે ખરેખર રાત થઈ ગઈ છે!
પછી સંચાલકસાહેબ હસવા માંડે છે. ગંભીરતાનો જે મુખવટો જે એણે સવારે નવ વાગ્યાથી બાંધ્યો હતો, તે અચાનક ટૂટી જાય છે અને એ હસે છે. ધીમે-ધીમે સમારોહનો હોલ એક વિચાર વગરના મગજની જેમ ખાલી થઈ જાય છે. સૌ ઘરે જતા રહે છે.
નવા-નવા સંચાલક ઘરે જઈને પત્નીને પાસે પોતાનું ભાષણ રીપિટ કરે છે. પણ ધીમે-ધીમે પત્ની પણ શહેરના સામાન્ય લોકોની જેમ કંટાળી જાય છે અને સાંભળતી નથી. પછી સંચાલક, મોડી રાત સુધી પોતાના જ ભાષણથી મુગ્ધ થઈને સૂઈ જાય છે. એક ઉંમર પછી એમની બૌદ્ધિક નપુંસકતા અહંકારમાં બદલાઈ જાય છે. પણ તેઓ જાણે છે કે આ રાત છે, પાછી સવાર પડશે, પાછું કોઈ એને સંચાલન માટે બોલાવવા આવશે.