મુંબઈઃ મુંબઈ સહિત મહારાષ્ટ્રના વિવિધ શહેર-જિલ્લામાં તાપમાનમાં વધારો થયો છે, જેમાં આજે એકંદરે ભેજનું પ્રમાણ વધારે રહ્યું છે. મહારાષ્ટ્રના અંતરિયાળ જિલ્લામાં આજે ફરી વાતાવરણમાં પલટો આવ્યો છે, જેમાં અમુક જગ્યાએ વાદળછાયું વાતાવરણ રહ્યું છે, પરંતુ આગામી 72 કલાકમાં મહારાષ્ટ્રમાં અતિવૃષ્ટિ થશે, એવી હવામાન વિભાગે આગાહી કરી હતી.
આગામી ત્રણ દિવસમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની સંભાવના છે, જેમાં વિદર્ભ અને મધ્ય મહારાષ્ટ્રમાં તોફાન સાથે વરસાદ પડશે. અમુક જિલ્લામાં વીજળીની કડાકા સાથે અતિવૃષ્ટિ થવાની શક્યતા છે, એમ હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.
છેલ્લા કેટલાક દિવસથી હવામાનમાં પલટો આવ્યો છે. ગરમીના ઉકળાટમાં થોડી રાહત મળી છે, જ્યારે આગામી દિવસોમાં લૂની કોઈ શક્યતા નથી. 26મી એપ્રિલના નાશિક, અહેમદનગર, પુણે, સતારા, ઔરંગાબાદ, જાલના, પરભણી, બીડ, હિંગોલી, નાંદેડ, ઉસ્માનાબાદ અને વિદર્ભના જિલ્લામાં અતિવૃષ્ટિની સંભાવના છે. આ મુદ્દે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ બહાર પાડ્યું હતું. વિદર્ભના ગઢચિરોલી જિલ્લામાં અમુક જગ્યાએ વીજળીના કડાકા સાથે હળવાથી ભારે વરસાદ પડી શકે છે, એવું હવામન વિભાગે જણાવ્યું હતું.
પુણે અને એની આસપાસના વિસ્તારોમાં પણ આગામી પાંચ દિવસ ગરમીમાંથી રાહત થઈ શકે છે, જ્યારે અમુક જગ્યાએ વીજળીના ગડગડાટ સાથે હળવો વરસાદ પડવાની સંભાવના છે. આગામી 72 કલાકમાં વાવાઝોડા સાથે અમુક જિલ્લામાં ભારેથી હળવો વરસાદ પડી શકે છે. વરસાદ પડે તો ગરમીમાંથી રાહત થઈ શકે છે, પરંતુ ભારે વરસાદ પડે તો પાકપાણીને વધારે નુકસાન થઈ શકે છે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.