(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મે મહિનાની શરૂઆતમાં પડેલા કમોસમી વરસાદને કારણે નાગરિકોને કાળઝાળ ગરમીથી રાહત મળી હતી. જોકે છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં રેકોર્ડબ્રેક ગરમી પડી રહી છે. રાજયમાં સરેરાશ ૪૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું રહ્યું છે. રવિવારે પણ હિટવેવની અસર હેઠળ રાજ્યના અનેક જિલ્લામાં તાપમાનનો પારો ૪૦થી ૪૫ ડિગ્રીની આસપાસ નોંધાયો હતો. વધુ ત્રણ દિવસ હિટવેવની અસર રહેવાની હોવાથી તાપમાનનો પારો ૪૫ ડિગ્રીથી હજી ઉપર જવાની શક્યતા પણ હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. રાજ્યના જુદા જુદા વિસ્તારમાં રવિવાર સવાર સુધીમાં હિટવેવને કારણે ચારનાં મૃત્યુ નોંધાયાં છે.
શનિવારે હવામાન ખાતાએ રાજ્યમાં આગામી ચાર દિવસ હીટવેવની અસર રહેશે એવી ચેતવણી આપી હતી, તે મુજબ રવિવારે વિદર્ભમાં ગરમીનું મોજું ફરી વળ્યું હતું. સતત બીજા દિવસે પૂરા રાજ્યમાં સૌથી ઊંચુ તાપમાન વિદર્ભના અકોલામાં નોંધાયું હતું. શનિવારે તાપમાનનો પારો ૪૫.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયા બાદ રવિવારે પણ અકોલામાં તાપમાનનો પારો ૪૫.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. તો અમરાવતીમાં ૪૫.૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જ્યારે મધ્ય મહારાષ્ટ્રના જળગાંવમાં તાપમાનનો પારો ૪૫.૦ ડિગ્રી નોંધાયો હતો.
આ દરમિયાન રવિવારના રજાના દિવસે ફરવા નીકળેલા મુંબઈગરા ગરમી અને બફારાને કારણે બેહાલ થઈ ગયા હતા. રવિવારે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૪.૮ ડિગ્રી તાપમાન અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૭ ટકા નોંધાયું હતું. તો સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૩૭.૭ ડિગ્રી અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૭ ટકા નોંધાયું હતું. મુંબઈ નજીકના હિલ સ્ટેશન માથેરાનમાં તાપમાનનો પારો ૩૬.૨ ડિગ્રી અને મહાબળેશ્ર્વરમાં ૩૦.૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયો હતો.
વિદર્ભના નાગપુરમાં ૪૪.૩ ડિગ્રી, વર્ધામાં ૪૪.૧ ડિગ્રી, યવતમાળમાં ૪૩.૦ ડિગ્રી, ચંદ્રપૂર ૪૨.૪ ડિગ્રી, ગઢચિરોલી ૪૧.૬ ડિગ્રી અને બ્રહ્મપુરી ૪૧.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મરાઠવાડ જિલ્લામાં પરભણીમાં ૪૪.૭ ડિગ્રી, બીડમાં ૪૩.૦ ડિગ્રી અને ઔરંગાબાદ ૪૧.૮ ડિગ્રી નોંધાયું હતું. મધ્ય મહારાષ્ટ્રના જળગાંવમાં સતત ત્રીજા દિવસે ઊંચુ તાપમાન નોંધાયું હતું. શુક્રવારે અહીં ૪૪.૯ ડિગ્રી નોંધાયા બાદ શનિવારે ૪૫.૦ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું. સોલાપુરમાં ૪૩.૩ ડિગ્રી, જેઉરમાં ૪૨.૫ ડિગ્રી અને અહમદનગરમાં ૪૧.૪, નાશિકમાં ૩૮.૬ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું.