એપ્રિલ મહિનો શરુ થતા જ સૂર્યદેવતાનો પ્રકોપ વર્તાવા લાગ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદનું તાપમાન સતત 40-ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાઈ રહ્યું છે. એ સાથે જ અમદાવામાં ગરમી સંબંધિત બીમારીઓમાં પણ વધારો થઇ રહ્યો છે. હજુ એપ્રિલ મહિનો અડધો જ વીત્યો છે, પરંતુ આ વર્ષે એપ્રિલ મહિનામાં નોંધાયેલા ગરમીને કરાણે થતી બીમારીઓ અને શારીરિક તકલીફોના કેસની સંખ્યામાં ગયા વર્ષના આખા એપ્રિલ મહિનાની સંખ્યાને વટાવી ગઈ છે.
ગુજરાત EMRI-108ના ડેટા મુજબ, ગયા એપ્રિલની સરખામણીમાં આ વર્ષે ગંભીરથી મધ્યમ માથાના દુખાવાના કેસમાં 1725 ટકાનો વધારો જોવા મળ્યો છે. તેવી જ રીતે તાવના કેસોમાં પણ ગયા એપ્રિલ મહિનાની સરખામણીમાં 134 ટકાનો વધારો થયો છે.
EMRI-108ના ડેટા અનુસાર, આ મહિનામાં અત્યાર સુધીમાં ગંભીરથી મધ્યમ માથાનો દુખાવાના 73 કેસ નોંધાયા છે. ગયા એપ્રિલમાં આવા માત્ર ચાર કેસ નોંધાયા હતા. એ જ રીતે, ગત વર્ષે એપ્રિલમાં તાવના નોંધાયેલા 174 કેસો સામે આ વર્ષે મહિનાના પ્રથમ પખવાડિયામાં 408 કેસ નોંધાયા છે. પેટના દુખાવાના કેસોમાં 37 ટકાના વધારા સાથે 1,076 કેસ નોંધાયા છે; જ્યારે ગયા વર્ષે એપ્રિલ મહિનામાં 783 કેસ નોંધાયા હતા.
અમદવાદમાં આ મહિને ઉલ્ટી અને ઝાડાનાં 468 કેસ નોંધાયા છે જ્યારે ગયા વર્ષે એપ્રિલમાં 486 કેસ નોંધાયા હતા. જો કે આ અપ્રિલ મહિનાના હજુ બે અઠવાડિયા બાકી છે.
વર્તમાન હવામાન પરિસ્થિતિઓ અને ગરમી સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ અંગે અમદવાદના જાણીતા તબીબે જણાવ્યું હતું કે, “જેમ જેમ તાપમાનમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે, અમને ડિહાઇડ્રેશનના અને હીટ સ્ટ્રોકને લગતા વધુ કેસો મળી રહ્યા છે. હાલમાં 25-55 વર્ષની વય જૂથના વધુ દર્દીઓ મળી રહ્યા છે. નાગરિકો સલાહ છે કે જરૂર વગર બપોરે બહાર જવાનું ટાળે. માથા પર ટોપી પહેરો, હાઇડ્રેશન જાળવવા માટે વધુ પાણી, લીંબુ-પાણી પીવો.”