Homeઆમચી મુંબઈમુંબઈમાં ગરમી રેકોર્ડ તોડી રહી છે: દાયકાનું ત્રીજું હાઈએસ્ટ તાપમાન

મુંબઈમાં ગરમી રેકોર્ડ તોડી રહી છે: દાયકાનું ત્રીજું હાઈએસ્ટ તાપમાન

૪૩.૮ ડિગ્રી સેલ્સિયસ સાથે વિદર્ભ તપ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એપ્રિલ મહિનાની આકરી ગરમીથી મુંબઈગરા ત્રાહિમામ પોકારી ગયા હતા. દિવસ દરમિયાન ભયંંકર ગરમી અને ઉકળાટનો અનુભવ થયો હતો. અનેક લોકો હીટ સ્ટ્રોકનો ભોગ બન્યા હતા. બુધવારે મુંબઈમાં એપ્રિલ મહિનામાં દાયકાનું ત્રીજું સૌથી ઊંચું મહત્તમ તાપમાન નોંધાયું હતું. સાંતાક્રુઝ વેધશાળાએ દિવસનું તાપમાન ૩૮.૮ ડિગ્રી નોંધ્યું હતું. તો રાજ્યમાં સૌથી વધુ તાપમાન વિદર્ભના બ્રહ્મપુરીમાં ૪૩.૮ નોંધાયું હતું.
મુંબઈમાં પ્રાદેશિક હવામાન વિભાગે બુધવારે પણ મુંબઈ અને થાણે માટે હિટવેવની ચેતવણી જાહેર કરી હતી, કારણકે સતત બીજા દિવસે તાપમાનનો આંકડો ૩૭ને પાર કરી ગયો હતો. હિટવેવની ચેતવણી મુજબ જ આખો દિવસ આકરો તડકો અને ઉકળાટભર્યો રહ્યો હતો. મુંબઈગરા ગરમીથી તોબા પોકારી ગયા હતા. મુંબઈમાં હિટસ્ટ્રોકના પણ અમુક કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું હતું.
મુંબઈમાં બુધવારે ૩૮.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે છેલ્લા એક દાયકામાં એપ્રિલ મહિનાનું ત્રીજા નંબરનું ઊંચું તાપમાન નોંધાયું હતું. છેલ્લા એક દાયકામાં ૨૦૨૨ની
સાલમાં ૨૨ એપ્રિલના ૩૮.૯ ડિગ્રી તાપમાન અને વર્ષ ૨૦૧૪માં ૨૨ એપ્રિલના ૩૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
નોંધનીય છે કે તાજેતરમાં હિટવેવને કારણે જ ખારઘરમાં રવિવારે ૧૩નો ભોગ લેવાયો
હતો. બુધવારે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૪.૬ ડિગ્રી સેલ્સિયસ અને સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૮.૮ ડિગ્રી નોંધાયું હતું. મુંબઈમાં છેલ્લા થોડા દિવસથી દિવસના જ સમયમાં જ નહીં પણ રાતના સમયે પણ તાપમાનનો પારો ઊંચો નોંધાઈ રહ્યો છે. કોલાબામાં લઘુતમ તાપમાન ૨૬.૬ ડિગ્રી અને સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાન ૨૫.૬ ડિગ્રી નોંધાયું હતું. જે સરેરાશ કરતા ઊંચું રહ્યું હતું.
હવામાન ખાતાએ જોકે ગુરુવારે ગરમીમાં થોડી રાહત મળશે એવો અંદાજો વ્યક્ત કર્યો છે. હવામાન ખાતા સાથે સંકળાયેલા અધિકારીના જણાવ્યા મુજબ હાલ પૂર્વીય તરફથી ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે. તેમ જ દરિયા પરથી પવનો પણ બપોરના મોડેથી ફૂંકાતા હોવાને કારણે દિવસના તાપમાનમાં વધારો થયો છે. જોકે મુંબઈની નજીક એન્ટિસાઈક્લોન પણ છે, જેમાં આગામી દિવસમાં ઘટાડો થશેે.
આ દરમિયાન રાજ્યમાં પણ સરારેશ ૧૬ જિલ્લામાં ૪૦ ડિગ્રી જેટલું સરેરાશ તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં સૌથી ઊંચુ તાપમાન વિદર્ભના બ્રહ્મપુરીમાં ૪૩.૮ ડિગ્રી જેટલું નોંધાયું હતું. વિદર્ભના મોટાભાગના જિલ્લામાં ૪૦ ડિગ્રીની ઉપર તાપમાનનો પારો નોંધાયો હતો. મરાઠવાડામાં પણ મોટાભાગના જિલ્લામાં ૪૦ ડિગ્રીની ઉપર તાપમાનનો પારો રહ્યો હતો. મધ્ય મહારાષ્ટ્રના પુણેમાં ૪૦ ડિગ્રી તો હિલસ્ટેશન મહાબળેશ્ર્વરમાં ૩૩.૨ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું
—————-
મુંબઈ, થાણે, નવી મુંબઈના કેટલાક વિસ્તારોમાં પાવરકટ
ભરબપોરે અંધારું! લાખો લોકો હેરાન થયા
મુંબઈ: મુંબઈ શહેરના ઘણાં વિસ્તારમાં બુધવારે બપોરે વીજળીકાપ લદાતા લાખો લોકોને હેરાનગતિ થઈ હતી. ભાંડુપ, મુલુંડ, થાણે શહેર અને નવી મુંબઈના કેટલાક વિસ્તારોમાં પાવરકટ થયો હતો. મુંબઈ મેટ્રોપોલિટન રિજિયન અને મુંબઈને વીજળી પુરવઠો પહોંચાડતી મહત્ત્વની ટ્રાન્સમિશન લાઈન ૪૦૦ કેવી તાલેગાંવ-ખારઘર લાઈન ટ્રીપ થઈ હતી.
મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સમિશન કંપનીએ નિવેદનમાં કહ્યું કે બપોરે ૧.૫૫ કલાકે લાઈનના નીચે આગની ઘટનાના પગલે ટ્રિપીંગ થયું હતું. પાવરગ્રીડ સંપૂર્ણપણે કોલેપ્સ ન થાય તેની તકેદારીના ભાગરૂપે રાજ્યના લોડ ડિસ્પેચ સેન્ટર દ્વારા એમએમઆરમાં મેન્યુઅલ લોડ શેડિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સમિશન કંપનીએ કહ્યું કે બપોરના ૪.૧૫ કલાકે આગ કાબુમાં આવતા ટ્રાન્સમિશન લાઈન શરૂ કરી સર્વિસમાં લેવા આવી હતી અને ગ્રાહકોને વીજળીપુરવઠો મળવા માંડ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -