મુંબઈ: શિવસેના અને ધનુષ્ય-બાણ પર કેન્દ્રીય ચૂંટણી પંચમાં ચાલી સુનાવણી ૩૦મી જાન્યુઆરી પર મોકૂફ રાખવામાં આવી હતી. ચૂંટણી પંચમાં શુક્રવારે શિવસેના અને ધનુષ્ય-બાણ કોના એ બાબતે કોઇ નિર્ણય લેવામાં આવ્યો નહોતો. સોમવારે ૨૩મી જાન્યુઆરીએ બંને જૂથને લેખિતમાં જવાબ આપવાનો આદેશ આપ્યો છે. લેખિતમાં જવાબ મળ્યા બાદ જ કમિશન પછીની કાર્યવાહી કરશે.
શુક્રવારે ઠાકરે જૂથ વતી કપિલ સિબલ અને દેવદત્ત કામતે, જ્યારે શિંદે જૂથ વતી મહેશ જેઠમલાની અને
મનિંદર સિંહે દલીલ કરી હતી. અંદાજે ચાર કલાક ચાલેલી સુનાવણી પછી પણ શિવસેના અને ધનુષ્ય-બાણ ઉદ્ધવ ઠાકરેના પલડામાં કે પછી શિંદેના પલડામાં, એ અંગેનો નિર્ણય લઇ શકાયો નહોતો. મહારાષ્ટ્ર માટે ગંભીર બનેલો પ્રશ્ર્ન અંગે આજે પણ જવાબ મળી શક્યો નહોતો. આજની સુનાવણીમાં ઠાકરે અને શિંદે જૂથના વકીલો વચ્ચે શાબ્દિક ચકમક થઇ હતી. બંને જૂથના વકીલ વચ્ચે ઉગ્ર દલીલ બાદ પંચે મધ્યસ્થી કરવી પડી હતી.
બોક્સ…
સોમવારે ઉદ્ધવ ઠાકરેના પ્રમુખપદની મર્યાદા પૂરી થાય છે
એકનાથ શિંદેની બળવાખોરી બાદ ચૂંટણી પંચે શિવસેનાનું ધનુષ્ય-બાણ ચિહન તાત્પૂરતું અસ્થાયી રૂપે સ્થિર કર્યું હતું અને ઠાકરેને મશાલ તેમ જ શિંદે જૂથને ઢાલ-તલવાર ચિહન આપ્યું હતું. ત્યાર બાદ બંને જૂથે શિવસેનાના મૂળ ચિહન પર દાવો કર્યો હતો. એવામાં ઉદ્ધવ ઠાકરેના પ્રમુખપદની મુદત ૨૩મી જાન્યુઆરીએ પૂરી થાય છે. આથી શુક્રવારની સુનાવણી બંને જૂથ માટે મહત્ત્વની હતી.
કપિલ સિબલે કરેલી દલીલના મહત્ત્વના મુદ્દા
શિંદે જૂથની અરજીમાં મુદ્દાઓ ભૂંસી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, એવી દલીલ કરીને કપિલ સિબલે કહ્યું હતું કે શિંદે જૂથને પંચ સમક્ષ આવતા એક મહિના શા માટે લાગ્યો. રાષ્ટ્રીય કારોબારી અમારી સાથે છે, શિંદેની રાષ્ટ્રીય કારોબારી ગેરકાયદે છે. ઠાકરે જૂથની કારોબારીને રદ કરી શકાય નહીં, ઠાકરેની કારોબારી બંધારણ મુજબ છે. રાષ્ટ્રીય કારોબારીની મુદત લંબાવવી કે પછી ચૂંટણી યોજવી જોઇએ. એકનાથ શિંદેનું સોગંદનામું તપાસો. અમને પ્રતિનિધિ સભાઓ યોજવા દો. અમારી પાસે બંને જગ્યાએ વધુ તાકાત છે, હાઉસમાં પણ અમારી જગ્યા છે. આવી અનેક દલીલો કપિલ સિબલે પંચ સમક્ષ કરી હતી.
——–
કાયદા પ્રમાણે નિર્ણય લેવાય એવી આશા
મુંબઈ: ભારતીય ચૂંટણી કમિશને શુક્રવારે મહારાષ્ટ્રમાં ચાલી રહેલા શિંદે અને ઉદ્ધવ જૂથના શિવસેના અને ચૂંટણી ચિહન ધનુષ્ય-બાણ માટેની સુનાવણી પૂરી કરીને બંને જૂથને લેખિતમાં જવાબ નોંધાવવા માટેનો આદેશ આપ્યા બાદ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શુક્રવારે કહ્યું હતું કે તેઓ એવી આશા રાખે છે કે ભારતીય ચૂંટણી પંચ (ઈસીઆઈ) શિવસેનાના ચૂંટણી ચિહન ‘ધનુષ અને તીર’ અંગે કાયદો અને વર્તમાન નિયમો અનુસાર નિર્ણય આપશે.
ભારતીય ચૂંટણી પંચે શુક્રવારે શિવસેનાના પ્રતીક પર સુનાવણી હાથ ધરી હતી, જેનો દાવો મુખ્ય પ્રધાન શિંદે અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળના પક્ષના હરીફ જૂથો દ્વારા કરવામાં આવ્યો છે. ઓક્ટોબર, ૨૦૨૨માં વચગાળાના આદેશમાં મતદાન પેનલે સેનાનાં બંને જૂથોને ધનુષ્ય-બાણ પ્રતીક અને નોંધાયેલા પક્ષના નામનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. હરીફ છાવણીઓને નવાં નામો ફાળવવામાં આવ્યાં હતાં.
નવી દિલ્હીમાં ભારતીય ચૂંટણી પંચ સમક્ષ આ મામલે ચાલી રહેલી સુનાવણી વિશે પૂછવામાં આવતાં શિંદેએ પત્રકારોને કહ્યું હતું કે મને આશા છે કે ચૂંટણી પંચનો નિર્ણય કાયદા અને નિયમો મુજબ હશે.
(પીટીઆઈ)