કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય
નામ: (ધનલક્ષ્મી) સિતારા દેવી
સ્થળ: મુંબઈ
સમય: ઓક્ટોબર, ૨૦૧૪
ઉંમર: ૯૪ વર્ષ
(ભાગ: ૪)
મારા જીવનમાં ઉતારચઢાવ તો જાણે કોઈ સામાન્ય ઘટનાની જેમ આવતા રહ્યા છે. કોઈ દિવસ કલ્પ્યું ન હોય એવી પરિસ્થિતિ અને પ્રશ્ર્નોનો સામનો મારે કરવો પડ્યો છે. કોઈ સમજણ કે વિચાર વગર મારાથી ૧૮ વર્ષ મોટા નઝીર અહેમદ સાથે લગ્ન કરીને મને ફસાઈ ગયાની લાગણી થઈ હતી. એ ભૂલ સુધારવા માટે મેં એમના જ ભાણેજ કે. આસિફ સાથે લગ્ન કર્યાં, પરંતુ એ લગ્ન તો મારી બીજી ભૂલ હતી.
કે. આસિફ રંગીન મિજાજના હતા. સ્ત્રીઓ સાથેના એમના સંબંધો મને અસુરક્ષિતતાનો અનુભવ કરાવતા. એમના લફરાની જાણ થઈ જાય ત્યારે ઘરમાં ઝઘડા થતા. કરીમ બે-ચાર દિવસ માટે હોટેલમાં રહેવા ચાલી જતા…, પરંતુ એ રૂમમાં ફરી કોઈ હિરોઈન બનવા માગતી છોકરી કે તવાયફને બોલાવીને એ એમની ‘એકલતા’ દૂર કરતા અને એનો અપરાધભાવ મારા માથે બોજની જેમ આવી પડતો. પરિસ્થિતિ દિવસે દિવસે બગડતી જતી હતી, પરંતુ આ મારા ત્રીજા લગ્ન હતા. ઈસ્લામ અંગિકાર કર્યા પછી મારા પિતાએ મારી સાથે સંબંધો કાપી નાખ્યા હતા. જવાની કોઈ જગ્યા નહોતી. એટલું ઓછું હોય એમ મારી સૌથી પ્રિય સહેલી નિગાર સુલ્તાનને કે. આસિફની ફિલ્મ ‘મુઘલ-એ-આઝમ’માં મેં કામ અપાવ્યું. થોડો વખત મુઘલ-એ-આઝમનું શુટિંગ ચાલ્યું અને અચાનક એક દિવસ કે. આસિફ લગ્ન કરીને નિગારને ઘરે લઈ આવ્યા. મારે માટે આ બહુ મોટો આઘાત હતો કે, મારી જ બેસ્ટ ફ્રેન્ડ મારી સોતન બની ગઈ.
કે. આસિફ અને મારા લગ્નના કોઈ સંતાનો નહોતાં, પરંતુ મેં નિગારનાં બાળકોને ખૂબ પ્રેમ કર્યો. કરીમે મને આપેલા આ દર્દ અને ધોકાની અસર મેં કોઈ દિવસ મારી અને નિગારની દોસ્તી પર પડવા દીધી નહીં, કારણ કે ત્યાં સુધીમાં મને ખબર પડી ગઈ કે, પુરુષો તો આવા જ હોય છે. સ્ત્રીઓએ પોતાનું સ્વાભિમાન અને એકતા પોતાની જાતે જ જાળવવાના હોય છે.
બબ્બે પત્નીઓ હોવા છતાં કે. આસિફે એમના મિત્ર દિલીપકુમારની બહેન અખ્તર સાથે ત્રીજા લગ્ન કર્યા. મારી જેમ જ દિલીપકુમાર પણ અંધારામાં હતા. ‘મુઘલ-એ-આઝમ’ના શુટિંગ દરમિયાન અખ્તર અવારનવાર સેટ પર આવતા, પરંતુ મને કે યુસુફ સા’બને ભનક પણ ન પડી કે, એ એના ભાઈ માટે નહીં બલ્કે કે. આસિફ માટે આવતી હતી.
અખ્તર સાથેના લગ્નથી દિલીપકુમારને પણ ખૂબ દુ:ખ થયું. એમણે કે. આસિફ અને અખ્તર સાથેના બધા સંબંધ પૂરા કરી નાખ્યા એટલું જ નહીં, ‘મુઘલ-એ-આઝમ’ જેવી ફિલ્મના પ્રીમિયરમાં પણ ન આવ્યા.
હું યુસુબ સા’બને રાખડી બાંધતી, મને પણ કે. આસિફે પોતાના દોસ્તની બહેન સાથે કરેલા નિકાહથી ખૂબ ગુસ્સો આવ્યો હતો. નિગાર સાથેના લગ્ન તો મેં સહી લીધા, પરંતુ અખ્તર સાથેના લગ્ન પછી મેં ઘર છોડી દીધું હતું. હું એટલી ગુસ્સામાં હતી કે, નીકળતી વખતે મેં કે. આસિફને કહ્યું, ‘તુમ બેમૌત મરોગે ઔર મેં તુમ્હારા મરા મુંહ ભી નહીં દેખૂંગી’. ગુસ્સામાં કહેવાયેલી આ વાત કદાચ અભિશાપ બની ગઈ. ‘મુઘલ-એ-આઝમ’ની જોરદાર સફળતા પછી પણ કે. આસિફને કોઈ મોટી ફિલ્મ ન મળી. એક રીતે એમની કારકિર્દી જ પૂરી થઈ ગઈ. એમની ફિલ્મ ‘એક સસ્તા ખૂન, મહેંગા પાની’ અધૂરી રહી ગઈ. એ પછી સંજીવકુમાર સાથે શરૂ કરેલી ફિલ્મ ‘લવ એન્ડ ગોડ’ પણ પૂરી ન થઈ શકી એટલું જ નહીં, ૯ માર્ચ, ૧૯૭૧ના દિવસે સંજીવકુમારના ઘરે અચાનક જ કે. આસિફ ગુજરી ગયા ત્યારે મેં મારી કસમ તોડીને પત્ની તરીકેની બધી રસમ ભારે હૃદયે અદા કરી.
જીવનનાં થોડા વર્ષો સાવ એકલા વીતાવ્યા પછી મારા જીવનમાં એક વ્યક્તિ આવી.
૧૯૫૮માં કાર્યક્રમોના
સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમિયાન દારેસલામમાં ગુજરાતી પરિવારના ઘરમાં મારી રહેવાની વ્યવસ્થા કરાઈ. એ સમયે બહુ હોટેલો નહોતી એટલે ભારતથી જતા કલાકારોને આવા કોઈ અમીર અને સગવડ ધરાવતા ઘરમાં જ ઉતારો આપવામાં આવતો. હું જે ઘરમાં રોકાઈ હતી એ પરિવારના દીકરા પ્રતાપ બારોટ સાથે મારે સારી મિત્રતા થઈ ગઈ. ભારત આવ્યા પછી અમે એકમેકને પત્રો લખતા રહ્યા. પ્રતાપ કલારસિક અને સ્વભાવે સ્વતંત્ર મિજાજી હતો. અમીર પરિવારમાં જન્મ્યો હોવાને કારણે એણે જિંદગીમાં અભાવો કે તકલીફો જોયા નહોતા. પત્રોની લેવડદેવડમાં એકવાર એણે મને પૂછ્યું, ‘મારી સાથે લગ્ન કરીશ?’
મને સાચે જ ખબર નહોતી કે મારે શું કરવું જોઈએ, પરંતુ હું જીવનમાં એવા સાથીની શોધમાં હતી જેની સાથે હું મારી જિંદગીનાં પાછલાં વર્ષો વિતાવી શકું. મેં પ્રતાપ બારોટ સાથે લગ્ન કરી લીધા. પ્રતાપ બ્રિટિશ એરવેઝમાં એન્જિનિયર હતા જે લંડનમાં રહેતા હતા. અમે લગ્ન કર્યા અને મેં બે બાળકોને જન્મ આપ્યો, રણજીત અને જયંતિમાલા. સાચું પૂછો તો મારા જ સ્વભાવમાં ક્યાંય ઠરીને રહેવાનું લખ્યું નહોતું. પ્રતાપ સાથેના લગ્ન પણ ૧૯૭૦માં પૂરા થઈ ગયાં જોકે, એ લગ્નમાંથી મને બે ઉત્તમ સંતાનોની ભેટ મળી. મારી દીકરી જયંતિમાલા અને રણજીત મને ખૂબ સ્નેહ કરે છે. આજે પણ મારો
ખૂબ ખ્યાલ રાખે છે. રણજીતની કારકિર્દી એક સંગીતકાર તરીકે ખૂબ સફળ છે. એ નાનો હતો ત્યારે ૧૨ વર્ષની ઉંમરથી ડ્રમ વગાડવાની તાલીમ લીધા વગર જ એ ખૂબ રીધમમાં ડ્રમ વગાડી શકતો. ૧૭ વર્ષની ઉંમરે એનું નામ ભારતના ઉત્તમ ડ્રમર્સમાં લેવાયું. લૂઈસ બેન્ક્સ સાથે એણે યુરોપમાં ‘જાઝ યાત્રા’માં પરફોર્મ કર્યું. પંડિત રવિશંકર સાથે પણ એણે સંગીતકાર તરીકે અનેક પ્રવાસો કર્યા. ક્લાસિકલ અને જાઝ/પોપ સંગીતમાં રણજીતનું નામ ખૂબ આદરથી લેવાય છે. રણજીતે માઈલ્સ ડેવિસ, ડિઝી ગેલેસ્પી, એલ ફ્રોસ્ટર, બિલી હિગિન્સ, સેશિન ટેલર અને લૂઈ બેલ્સન જેવા સંગીતકારો સાથે યુરોપિયન ફેસ્ટિવલ્સમાં પોતાના સંગીતથી પ્રેક્ષકોને ડોલાવ્યા છે. ઝાકીર હુસૈન, એલ. સુબ્રમણ્યમ, વિશ્ર્વમોહન ભટ્ટ જેવા સંગીતકારો સાથે એણે જુગલબંધી કરી છે. એણે અનેક હિન્દી અને અંગ્રેજી ફિલ્મોમાં બેકગ્રાઉન્ડ સ્કોર અને મ્યુઝિક ડિરેક્શનનું પણ કામ કર્યું છે. ‘ટશન’, ‘બ્લેક એન્ડ વ્હાઈટ’, ‘તથાસ્તુ’, ‘રિશ્તેં’, ‘મૈં હૂં ના’, ‘ભૂલ ભૂલૈયા’, ‘ફિઝા’ જેવી ફિલ્મોમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક કંપોસર તરીકે કામ કર્યું છે. હાલમાં જ રજૂ થયેલી એ.આર. રહેમાનની ફિલ્મ ‘૯૯ સોન્ગ’માં પણ રણજીતે પોતાનું સંગીત આપ્યું છે. મને ખૂબ સંતોષ છે કે, મારા દીકરાએ મારો કલાનો વારસો જાળવ્યો છે.
ભારત સરકારે પણ મને ખૂબ સન્માન આપ્યું. ૧૯૬૯માં ‘સંગીત નાટક અકાદમી પુરસ્કાર’, ૧૯૭૩માં ‘પદ્મશ્રી પુરસ્કાર’, ૧૯૯૫માં ‘કાલિદાસ સમ્માન પુરસ્કાર’ અને ‘નૃત્ય નિપુણ પુરસ્કાર’, ૧૯૪૩માં ફિલ્મ ‘વતન’ અને ‘નઝમ’ માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મને મળ્યો. ખૂબ સંતોષ છે કે, મારું કામ લોકોને ગમ્યું. સાથે જ એવો આનંદ છે કે વારાણસીના કબીર ચૌરા પર તવાયફોની સાથે મોટી થયેલી સાવ નાનકડી ધનલક્ષ્મી આજે દુનિયાભરમાં ‘સિતારા દેવી’ તરીકે જાણીતી છે. ૨૦૦૨માં મને પદ્મભૂષણ ઍવોર્ડ માટે નિમંત્રણ આપ્યું. મેં ના પાડી, કહ્યું કે, આ મારું સન્માન નહીં, અપમાન છે. મેં હંમેશાં મારું સર્વશ્રેષ્ઠ આપ્યું છે. હવે જો સરકારે સાચે જ મારું સન્માન કરવું હોય તો મને ભારતરત્ન આપવું જોઈએ. એનાથી ઓછા ઍવોર્ડનો હું સ્વીકાર નહીં કરું.
લોકો મને વિમ્ઝિકલ, વિચિત્ર, તોછડી વ્યક્તિ તરીકે ઓળખે છે, પરંતુ કોઈ નથી જાણતું કે, રાજકપૂર સાહેબ અને દિલીપકુમાર જેવા લોકો સાથે મારે એમના જીવનના આખરી દિવસો સુધી ગાઢ મિત્રતા હતી. આર.કે. સ્ટુડિયોની હોળીનું સમાપન દર વખતે મારા નૃત્યથી જ થતું. રાજકપૂર સાહેબના મારી સાથે નૃત્ય કરતાં અનેક ફોટા આજે પણ ઈન્ટરનેટ ઉપર છે… જો ખરેખર હું વિચિત્ર હોઉં તો આવા લોકો ખરેખર મારી સાથે દોસ્તી રાખે ખરા? લોકો માને છે કે, હું શરાબ પીઉ છું, પરંતુ સત્ય તો એ છે કે, શરાબ પીનારના પગ સૌથી પહેલા નકામા બની જાય છે, જ્ઞાન પણ ચાલ્યું જાય છે, તો જ્ઞાન વિના અને પગ પરના કાબૂ વિના નૃત્ય થઈ કેમ શકે? આ તો મા કાલિની ભક્તિથી એના તરફથી તાકાત મળે છે. અમે શક્તિના ઉપાસક છીએ. શક્તિના મંત્ર જપું, કાલિકાનું સ્મરણ કરું એ જ મારી શક્તિ. નૃત્ય કરવા ઊભી થાઉં છું કે ઈશ્ર્વરની કૃપાથી સઘળી તાકાત આવી જાય છે.
મારા પિતાજીનું અને ગુરૂનું નામ રહે એટલા જ આશીર્વાદ મેં માગેલા, પરંતુ ઈશ્ર્વરે એથી ઘણું વધું આપ્યું છે અને આજે જ્યાં છું ત્યાં પહોંચવા માટે કરેલા મારા તમામ સંઘર્ષ અને પ્રયાસોનું ફળ મેં માણ્યું છે એ વાતે ઈશ્ર્વરનો આભાર માનું છું…
(સમાપ્ત)