Homeપુરુષજ્યારે માણસનો સામનો થશે તેના ડિજિટલ હમશકલ સાથે

જ્યારે માણસનો સામનો થશે તેના ડિજિટલ હમશકલ સાથે

હેલ્થ વેલ્થ-પ્રિયલ પરીખ

હિન્દી ફિલ્મોમાં અંગુર, સીતા ઔર ગીતા થી લઈને જુડવા, પ્રેમ રતન ધન પાયો અને ધૂમ જેવી ફિલ્મોમાં સામ્ય શું છે? આ બધી ફિલ્મોમાં જોડિયા ભાઈ કે બહેનોની વાર્તાઓ છે. પણ એ વાર્તાઓમાં મનોરંજન માટે અતિરેક હોય છે. વાસ્તવિક જગતમાં તો જોડિયા હોય છે, એક સરખા દેખાતા હોય તેવા પણ હોય જ છે, પરંતુ સો ટકા બધી જ વાતે એક સરખા હોય તેવું ભાગ્યે જ બને છે. દેખાવ સરખો હોય તો સ્વભાવમાં ભેદ હોવાનો જ. કદાચ તમારા જોડિયા ભાઈ કે બહેન ન હોય તો પણ ક્યારેક ને ક્યારેક કોઈએ તમને કહ્યું જ હશે કે તમારા જોડિયા ભાઈ જેવો દેખાતો એક માણસ મેં જોયો હતો. પણ ધારો કે, તમે પોતે જ તમારા જોડિયા ભાઈ કે બહેન તૈયાર કરી શકો તો? તમારી કોપી જેવા હુ-બ-હુ! પણ એ જીવિત ન હોય, માત્ર ડિજિટલ જીવન જીવતા હોય.
નવા જમાનામાં આપણે એક એવી દુનિયામાં જીવી રહ્યા છીએ કે જેમાં દરેક વસ્તુ ડિજિટલ રીતે ઢાળી શકાય છે. આપણું શહેર, કાર, ઘર અને ત્યાં સુધી કે આપણે પોતે પણ ડિજિટલી હાજર હોઈએ છીએ. જે રીતે મેટાવર્સ (એક વર્ચ્યુઅલ ડિજિટલ દુનિયા જ્યાં તમારો અવતાર ફરી રહ્યો હોય) વિશે આજકાલ ખૂબ વાતો થઇ રહી છે અને તેવી જ રીતે ડિજિટલ ટ્વિન્સ અર્થાત્ જોડિયાનો પણ એક નવો ટ્રેન્ડ શરૂ થઇ ચૂક્યો છે.
ડિજિટલ ટ્વિન અથવા ડિજિટલ જોડિયા વાસ્તવિક દુનિયાની હુ-બ-હુ કોપી હશે. પણ એક મશીન હશે. તે વાસ્તવિક દુનિયાની જિંદગી બહેતર કરશે અથવા કોઈ ને કોઈ ફીડબેક આપશે જેથી તેમાં સુધારો થઇ શકે. શરૂઆતમાં આ રીતના ટ્વિન્સ માત્ર અત્યાધુનિક ૩ઉ કમ્પ્યુટર મોડલનો મેળાવડો માત્ર હતો. તેમાં ઈન્ટરનેટ ઓફ થિંગ્સ લાગેલા હતા. (તે ફિઝિકલ ચીજોને કનેક્ટ કરવા સેન્સરનો ઉપયોગ કરે છે).
ટૅક્નોલૉજી એનાલિસ્ટ રોબ એન્ડ્રેલેનું માનવું છે કે આ દસકો પૂરો થતાં પહેલા જલદી મનુષ્યનો ડિજિટલ જોડિયો હશે, જે વિચારી પણ શકતો હશે. તેઓ કહે છે, “પણ આ વસ્તુઓને સામે લાવતા પહેલા ઘણા વિચાર વિમર્શની જરૂર છે. તેમાં નૈતિકતાના સવાલ પણ જોડાયેલા હશે. જેમકે- વિચારવા માટે સક્ષમ આપણો ડિજિટલ જોડિયો નોકરીઓ આપનાર માટે બહુ ઉપયોગી સાબિત થશે. “ધારો કે, તમારી કંપની તમારો ડિજિટલ જોડિયો બનાવીને કહે કે, તમારો ડિજિટલ જોડિયો મોજૂદ છે. તેને અમારે સેલેરી પણ આપવી નથી પડતી. તો અમે તમને નોકરી ઉપર કેમ રાખીએ?
એન્ડ્રેલે કહે છે કે આવનાર મેટાવર્સના જમાનામાં ડિજિટલ જોડિયાનો માલિકી હક્ક મોટો સવાલ ઊભો કરશે. દાખલા તરીકે મેટા (પહેલા ફેસબુક)ના વર્ચ્યુઅલ રિયાલિટી પ્લેટફોર્મ, હોરાઈઝન વર્લ્ડસ પર તમે તમારા અવતારને તમારો ચહેરો આપી શકશો પણ તમે તેને પગ નહીં આપી શકો, કેમકે તેને સંબંધિત ટૅક્નોલૉજી પ્રારંભિક અવસ્થામાં છે.
ઑક્સફોર્ડ યુનિવર્સિટીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સિનિયર રિસર્ચ ફેલો પ્રોફેસર સેન્ડા વાચટર ડિજિટલ અવતારને લઈને વિકસી રહેલા રસ માટે કહી રહી છે, “આ તમને રોમાંચક સાયન્સ ફિક્શનની યાદ અપાવે છે. પણ અત્યારે તો આ કલ્પનાના સ્તરે જ છે.
તે કહે છે, “કોઈ લૉ સ્કૂલમાં સફળ થશે, બીમાર પડશે કે પછી કોઈ અપરાધ કરશે કોઈની પણ જિંદગીમાં કાલે શું થશે એ તેમના સ્વભાવ અને તેમના ઉછેર પર નિર્ભર હશે. આ એક ચર્ચાનો વિષય છે. લોકોનું જીવન કેવું હશે તે તેમના સારા કે ખરાબ નસીબ, મિત્રો, પરિવાર, તેમના સામાજિક આર્થિક બેકગ્રાઉન્ડ, પર્યાવરણ અને તેમની અંગત પસંદગી પર આધાર રાખે છે.
તે કહે છે, “આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હજી એટલું પરિપક્વ નથી થયું કે લોકોની જિંદગીની ઘટનાઓ વિશે પહેલેથી જણાવી શકે. કેમકે તેની સાથે ઘણી જટિલતાઓ જોડાયેલી છે. માટે ડિજિટલ જોડિયા બનાવવાની દિશામાં આપણે લાંબી મજલ કાપવાની છે. જ્યાં સુધી આપણે લોકોના જીવનને શરૂઆતથી આખર સુધી સમજીને તેનું મોડલ ન બનાવી લઈએ ત્યાં સુધી એ સંભવ નથી. તેમાં પણ આપણે એ અંદાજ માંડવો પડશે કે લોકોના અંગત જીવનમાં શું-શું બની શકે છે.
અત્યારે ડિજિટલ ટ્વિન તૈયાર કરવાનું કામ પ્રોડક્ટ ડિઝાઇનિંગ, ડિસ્ટ્રિબ્યુશન, અને શહેરી નિયોજન (અર્બન પ્લાનિંગ)માં જ સૌથી વધુ અને બહેતરીન રીતે થઇ રહ્યું છે. દાખલા તરીકે ફોર્મ્યુલા વન રેસિંગ લઇ લો. મેકલોરેન અને રેડ બુલની ટિમો પોતાની રેસિંગ કારના ડિજિટલ ટ્વિન વાપરે છે.
દિગ્ગજ ડિલિવરી કંપની ડીએચએલ પોતાના ગોદામો અને સપ્લાય ચેઇનનો એક ડિજિટલ મેપ તૈયાર કરી રહી છે જેથી તેઓ પોતાનું કામ વધુ સારું કરી શકે. અત્યારે આપણા શહેરો ઝડપથી ડિજિટલ દુનિયામાં બદલાઈ રહ્યા છે. શાંઘાઈ અને સિંગાપુર બંને શહેરોના ડિજિટલ જોડિયા છે. તેમને બિલ્ડિંગ, ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અને ગલીઓની ડિઝાઇનમાં સુધાર અને તેના સંચાલન માટે બનાવવામાં આવ્યા છે.
સિંગાપુરમાં ડિજિટલ ટ્વિનનું એક કામ લોકોને રસ્તા પસંદગીમાં મદદ કરવાનું છે, જેથી તે પ્રદુષણથી ઘેરાયેલી જગ્યાએ થી પસાર થતી વખતે રસ્તો બદલી શકે. બીજી જગ્યાઓ ઉપર આ ટૅક્નોલૉજીનો ઉપયોગ અન્ડરગ્રાઉન્ડ લાઇન્સ જેવી કે નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર બતાવવામાં માં થશે. મધ્યપૂર્વના દેશોમાં નવા શહેર વાસ્તવિક દુનિયા અને ડિજિટલ દુનિયા બંને જગ્યાએ બનાવવામાં આવે છે.
ફ્રેન્ચ સોફ્ટવેર કંપની દસોં સિસ્ટમ્સનું કહેવું છે કે એવી હજારો કંપનીઓ છે કે જે ડિજિટલ ટ્વિન ટૅક્નોલૉજીમાં રસ દાખવી રહી છે. આ કંપની પણ એ દિશામાં કામ કરી રહી છે અને તેણે આ ટ્વિન ટૅક્નોલૉજી દ્વારા એક હેર કેર કંપનીને લાંબો સમય સુધી ચાલી શકે તેવી બોટલ ડિઝાઇન કરવામાં મદદ કરી. તેને માટે વાસ્તવિક પ્રોટોટાઇપ નથી બનાવ્યા. પૂરું કામ ડિજિટલી થયું. મતલબ કે આને કારણે આ પ્રયોગમાં વપરાતો કાચો માલ બચી ગયો.
આ કંપની અન્ય કંપનીઓને તેમના ફ્યુચરિસ્ટિક પ્રોજેક્ટ્સ ડિઝાઇન કરવામાં મદદ કરી રહી છે. તેમાં જેટપેક્સથી લઈને એવી મોટરબાઇક્સ છે જેમાં ફ્લોટિંગ વ્હિલ્સ લાગેલા છે. એવી કાર બનાવવામાં મદદ કરવામાં આવી રહી છે, જે ઊડી શકે. દરેકના પ્રોટોટાઇપ પણ બનાવવામાં આવ્યા છે પણ શરૂઆતી મોડલ ડિજિટલ સ્પેસમાં જ બનાવવામાં આવી રહ્યા છે.
પણ ડિજિટલ ટ્વિન્સનું સૌથી વધુ મહત્ત્વ હેલ્થકેર સેક્ટરમાં જોવા મળી રહ્યું છે. દસોંના લિવિંગ હાર્ટ પ્રોજેક્ટે મનુષ્યના હૃદયનું એકદમ સટીક વર્ચ્યુઅલ મોડલ તૈયાર કર્યું છે. તેનું પરીક્ષણ અને વિશ્ર્લેષણ કરી શકાય છે. આ મોડલ હાર્ટ સર્જનને પ્રયોગ કરવાની સુવિધા પણ આપે છે. સર્જન અલગ-અલગ પરિસ્થિતિઓની કલ્પના કરીને તમામ પ્રકારની પ્રક્રિયાઓને મેડિકલ ડિવાઇસ દ્વારા પ્રયોગમાં લાવી શકે છે.
આ પરિયોજના ડૉ. સ્ટીવ લેવિનની પરિકલ્પના હતી. ડિજિટલ ટ્વિન બનાવવા પાછળ તેમનું અંગત કારણ હતું. તેમની દીકરીને જન્મથી હૃદયની તકલીફ હતી. જયારે તેમની દીકરી ઉંમરના બીજા દસકાના અંતે પહોંચી અને હાર્ટ ફેલના જોખમ સામે ઝઝૂમી રહી હતી ત્યારે તેમણે વર્ચ્યુઅલ રીતે તેનું હૃદય બનાવવાનો નિર્ણય કર્યો.
બોસ્ટન ચિલ્ડ્રન હૉસ્પિટલ હવે આ ટૅક્નોલૉજીનો ઉપયોગ કરીને વાસ્તવિક હૃદય રોગીઓની સ્થિતિઓનું મેપિંગ કરે છે, જયારે લંડનમાં ગ્રેટ ઓરમોન્ડ સ્ટ્રીટ હૉસ્પિટલમાં એન્જિનિયરોની એક ટીમ ક્લિનિકના કર્મચારીઓ સાથે મળીને ટેસ્ટમાં વપરાતા એવા મેડિકલ ડિવાઇસ પર કામ કરી રહી છે, જે બાળકોમાં દુર્લભ હૃદયને લગતી બીમારીઓમાં મદદ કરી શકે.
દસોંમાં ગ્લોબલ અફેયર્સની ડાયરેક્ટર સેવરીન ટ્રોઈલે કહે છે કે ડિજિટલ હાર્ટ ઉપર પ્રયોગથી એક ફાયદો એ થયો છે કે તેનાથી જાનવરો ઉપર પ્રયોગ કરવાથી બચી શકાય છે. વૈજ્ઞાનિક પ્રયોગો માટે જાનવરોનો ઉપયોગ વિવાદાસ્પદ રહ્યો છે. હવે આ કંપની બીજા ઓર્ગન ટ્વિન બનાવવાની યોજના ધરાવે છે. તેમાં મનુષ્યની આંખ અને મગજ પણ શામેલ છે. તેઓ કહે છે, “એક સમયે આપણા બધાના ડિજિટલ ટ્વિન હશે જેથી તમે ડૉક્ટર પાસે જાઓ અને ઝડપથી બીમારીને નાથવા દવા બનાવી શકો. સાથે એ પણ સુનિશ્ર્ચિત કરી શકાય કે દરેક ઈલાજ પર્સનલાઇઝડ હોય.
આ ટૅક્નોલૉજીની બીજી પણ એક મહત્ત્વાકાંક્ષી પરિયોજના છે. તે અંતર્ગત યોજના બની રહી છે કે આખી દુનિયાનું ડિજિટલ વર્ઝન બનાવી લેવામાં આવે. અમેરિકન સોફ્ટવેર ફર્મ એનવિડિયા એક પ્લેટફોર્મ ચલાવે છે, જેને ઓમનીવર્સ કહે છે. તેને વર્ચ્યુઅલ વર્લ્ડસ અને ડિજિટલ ટ્વિન્સ બનાવવા ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેની સૌથી મહત્ત્વાકાંક્ષી પરિયોજનાઓમાંથી એક છે ડિજિટલ દુનિયામાં પૃથ્વીની પ્રતિકૃતિ બનાવવી. તેને અર્થ-૨ એટલેકે પૃથ્વી-૨ કહેવામાં આવી રહ્યું છે. તેમાં ડીપ લર્નિંગ મોડલ અને ન્યુરલ નેટવર્કસનો ઉપયોગ કરવામાં આવશે જેથી તે પૃથ્વીના પર્યાવરણ જેવું જ પર્યાવરણ ડિજિટલ સ્પેસમાં બનાવી શકે અને જળવાયું પરિવર્તનની સમસ્યાનું સમાધાન આપી શકે.
આ વર્ષે માર્ચમાં યુરોપિયન કમિશને યુરોપિયન સ્પેસ એજન્સી અને અન્ય કેટલાક સંગઠનોએ સાથે મળીને એલાન કર્યું હતું કે પૃથ્વીનું ડિજિટલ ટ્વિન બનાવીશું. તેને ડેસ્ટિનેશન અર્થ નામ આપવામાં આવ્યું. આ સંગઠનોને આશા છે કે ૨૦૨૪ના અંત સુધીમાં તેમની પાસે પૃથ્વીની વાસ્તવિક પરિસ્થિતિઓ અને સિમ્યુલેશન દ્વારા એટલો પર્યાપ્ત ડેટા ઉપલબ્ધ હશે કે ડિજિટલ ટ્વિન બનાવી શકાય, એ પૂર, દુકાળ, લૂ અને ધરતીકંપ જેવા પ્રાકૃતિક સંકટોનો સામનો કરવા ઉપર ફોક્સ કરી શકે. જ્વાળામુખી ફાટવા, સુનામી જેવી પરિસ્થિતિને પારખીને તે દેશોની એ સમસ્યાઓનો સામનો કરવામાં મદદ કરી શકાય.

 

 

 

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -