હેલ્થ-વેલ્થ – અભિમન્યુ મોદી
મનની ઠંડક અને તનની ઠંડક બંને આવશ્યક છે. મગજ અને શરીર બંનેમાંથી એક પણ ગરમ હોય તો એનું નુકસાન મોટું થાય. કાળઝાળ તડકો લાગે એટલે પરસેવો થાય. શરીરમાંથી પાણી વહી જવાને કારણે શરીરમાં પાણી ઓછું થઈ જાય છે, અને તેના કારણે ડિહાઇડ્રેશનની સમસ્યા ઊભી થઈ શકે છે. એટલા માટે કોલ્ડ ડ્રિંક્સ અને પેકેજ ફ્રૂટ જ્યૂસ જેવી અનહેલ્ધી વસ્તુ આરોગવાને બદલે તમે ઘરે જ જુદા જુદા પ્રકારના હેલ્ધી અને ટેસ્ટી શરબત બનાવી શકો છો. બજારમાં જે પેકેજડ ફૂડ મળશે તેમાં ખાંડ અને કેમિકલ બહુ હશે. માટે શક્ય હોય તો એનાથી દૂર રહેવું. જરૂર મુજબ સંતુલિત માત્રામાં તેનો ઉપયોગ કરી શકાય. બાકી રોજ કોલ્ડડ્રિંક શરીરને નુકસાન કરશે.
ઉનાળા દરમિયાન જ નહીં, કોઈ પણ સિઝનમાં પૂરતું પાણી પીવાનું રાખો. પૂરતા પ્રમાણમાં ચોખ્ખું પાણી પીવાથી શરીર હાઇડ્રેટેડ રહેશે. ગરમી વધુ હોય ત્યારે ચક્કર આવવાં, બેચેની લાગવી તથા ક્યાંય મન ન લાગવું વગેરે થવાનું કારણ ડિહાઇડ્રેશન છે. પાણીનો ઘટાડો ચામડીને પણ શુષ્ક કરે અને મગજને પણ નુકસાન કરે. પાણી પૂરતું પીવાનું યાદ ન આવે તો ઘણી ડ્રિંકિંગ વોટર એપ્લિકેશન આવતી હોય છે. આવી એપ્લિકેશન પ્રોફેશનલ માણસને તેના કામ દરમિયાન પણ પાણી પીવાની રીમાઈન્ડર આપતી રહે છે. શરીરને ચુસ્ત રાખવા માટે ટેકનોલોજીનો સહારો લઈ શકાય.
ઘરમાં રહેતા લોકો માટે એક બીજી પરેજી એ છે કે શક્ય હોય તેટલાં કાચાં શાકભાજી અને ફળફળાદિને સ્થાન આપો. આવું કરવાથી ગરમી ઓછી લાગશે. કાચા ફ્રૂટ અને શાકભાજી શરીરને ઠંડું રાખશે અને ગરમી સામે લડત આપશે. શક્ય છે કે કાચું શાક ન ભાવે. બધા શાક કાચા ખાઈ પણ ન શકાય. જો કાચું ન ફાવે તો તેને બાફી શકાય. બાફ્યા પછી સાદો મસાલો કે મીઠું નાખીને તેને ડાયેટમાં સ્થાન આપી શકાય. ફક્ત ફળોનો જ્યૂસ બનતો હોય છે. જે હેલ્ધી વસ્તુ જ છે. પણ જ્યૂસ બનાવવામાં શાકભાજી પણ વાપરી શકાય. શાકભાજીમાંથી જ્યૂસ પણ બને અને સૂપ પણ બને. પ્રવાહીનું પ્રમાણ જેટલું વધારે એટલું શરીર માટે સારું.
ગુજરાતીઓને સ્વાદિષ્ટ રસોઈ તો જોઈએ જ. સ્વાદિષ્ટ રસોઈની ગુજરાતી વ્યાખ્યા શું? જેમાં ગરમ મસાલા અને તેજાના વધુ હોય તે. રૂટિન રસોઈમાં રોજેરોજ આ ગરમ મસાલા નાખવાની આદત ખોટી છે. મરીમસાલા લેવાથી શરીર આમ તો ઠંડક મળે છે પરંતુ જો તે પ્રમાણસર ખાઈએ તો જ. અતિ માત્રામાં તે શરીરમાં ગરમી પેદા કરે. માફકસરનું આદું, સૂંઠ, લીલાં મરચાં, મરી વગેરેથી શરૂઆતમાં ગરમી લાગે છે, પરંતુ તે શરીરને ઠંડુ રાખવામાં મદદરૂપ છે. લવિંગ કે તજ તો ગરમ જ પડે.
બીજું એક વિજ્ઞાન સમજવાની જરૂર છે કે બહારના પેક્ડ પીણાં કેમ ન લેવા? પ્રવાહી લેવામાં ઘણી વખત ખાંડવાળા પીણાં પીવામાં આવે છે, જે ડિહાઇડ્રેશનને વધારે છે અને આઇસક્રીમ કે બીજા ઠંડાં પીણાં પીવાથી ગરમી વધુ લાગે છે. શરીરને ઠંડું રાખવા માટે પરસેવો થવો જરૂરી છે અને આઇસક્રીમ કે ઠંડા પીણાથી પરસેવો થતો નથી. માટે ઉનાળામાં આઇસક્રીમના બદલે તરબૂચ કે ટેટીનો ઉપયોગ વધારો. ડાયાબિટીસ ન થવા દેવું હોય તો રોજ શેરડીનો રસ પીવાનું ટાળો.
પ્રશ્ર્ન થઈ શકે કે કયા શાકભાજી ગરમીમાં રાહત આપે? એવાં ઘણાં બધાં શાકભાજી છે જે શરીરને ગરમીથી બચાવવાનું કામ કરે છે. તેનાં સૌથી સારાં ઉદાહરણ ઉનાળાનાં શાકભાજી જેવાં કે, કાકડી, તૂરિયાં, ગલકાં વગેરે છે. ફુદીનો, વરિયાળી વગેરે પણ શરીરને ઠંડક આપવાનું કામ કરે છે. આ બધાં શાકમાં વિપુલ પ્રમાણમાં પાણી આવેલું છે. તે શરીરને ઠંડુ કરવાનુ કામ કરે છે. દુધી પણ સારું શાક છે. પાલકનો રસ પણ ઠંડક આપે.
ફળો બાળકોને ભાવતા હોય છે પણ મોટેરાઓ પ્રમાણમાં બહુ ફાળો વાપરતા નથી. ફળફળાદિમાં પાણીનો ભાગ વધુ હોય છે. ઉપરાંત તેમાં શરીરને જરૂરી પોષકતત્ત્વો ને એન્ટિઓક્સિડન્ટ પણ છે અને શરીરને ઠંડક આપે છે. આવાં ફળોમાં દ્રાક્ષ, ખાસ કરીને તરબૂચ અને ટેટીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ફળોનો રાજા કેરી શરીરને ઠંડક આપે છે. ઉપરાંત નારંગી પણ ઉનાળામાં ખૂબ જ ઉપયોગી ફળ છે. ફળનો સમાવેશ તમારા રોજિંદા જીવનમાં કરી શકાય છે. જેમ કે, બપોરના સમયે ભૂખ લાગે ત્યારે, સવારે નાસ્તા પછી અને ભોજન પહેલાં. ફળોમાં એન્ટી ઓક્સીડન્ટ વિપુલ માત્રામાં હોય છે. શરીર માટે તે ગુણકારી છે.
તીખું, તમતમતું કે કંદમૂળવાળી વાનગીઓનો વધુ ઉપયોગ શરીરમાં વધુ ગરમી પેદા કરશે. તેલ પણ ગરમીનું વાહક છે. ઘી ગરમ વસ્તુ છે પણ તેલ જેટલી નહી. માટે સાત્વિક અને સમતોલ આહારનો આગ્રહ રાખવો. દિનચર્યા જ એવી હોવી જોઈએ કે શરીર કુદરતી રીતે ઠંડું રહે. ખૂબ ફાસ્ટ એસી શરીરને નુકસાન કરે. અમુક લોકો એસી વિના રહી જ શકતા નથી એમાં તેમની કુટેવો કારણભૂત છે. ઠંડા પાણીએ બારેમાસ નાહવું અને સહેજ હૂંફાળું પાણી જ કાયમ પીવું. આવું આયુર્વેદ કહે છે. તેનાથી શરીરની ઉષ્માનું સંતુલન જળવાઈ રહે છે. ઉ