હેલ્થ વેલ્થ – ગીતા માણેક
બાસઠ વર્ષનાં અરૂણાબેનને છેલ્લા આઠેક વર્ષથી ડાયાબિટીસ છે. જ્યારથી પોતાને ડાયાબિટીસ છે એની જાણ થઈ ત્યારથી અરૂણાબેન સાકર વિનાના ચા-કૉફી પીએ છે, પરંતુ એમાં આર્ટિફિશિયલ સ્વીટનર નાખે છે. જુદી-જુદી મીઠાઈઓ બનાવતી વખતે આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ કરે છે.
અરૂણાબેન અને તેમના જેવા ડાયાબિટીસના લાખો દર્દીઓ માને છે કે જુદા જુદા બ્રાન્ડ નેમ હેઠળ મળતા આ સાકર વિનાના આર્ટિફિશિયલ સ્વીટનરથી તેમનું ડાયાબિટીસ કાબૂમાં રહે છે અને શુગરને કારણે થતાં નુકસાનથી પણ તેઓ બચી જાય છે.
જોકે અમેરિકાના ક્લિવલેન્ડમાંથી પ્રકાશિત થતાં ‘જરનલ નેચર મેડિસિન’માં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ જુદા-જુદા બ્રાન્ડ નેમ હેઠળ વેચાતા આર્ટિફિશિયલ સ્વીટનરથી શરીરને લાંબા ગાળે બહુ નુકસાન
પહોંચે છે. બજારમાં મળતા આર્ટિફિશિયલ સ્વીટનર્સ એવા દાવાઓ કરે છે કે એના ઉપયોગને લીધે લોહીમાં શુગરનું પ્રમાણ સંતુલિત રહે છે એટલું જ નહીં પણ સાકરને બદલે એના ઉપયોગથી વજન ઘટે છે. આવા દાવાઓથી પ્રેરાઈને જેમને ડાયાબિટીસનો રોગ ન પણ થયો હોય તેવા પણ કેટલાક લોકો સુગર ફ્રી આર્ટિફિશિયલ સ્વીટનર્સનો ઉપયોગ કરે છે. આ લોકો એવું પણ માને છે કે ગરમ – ઠંડા પીણાં કે ખોરાકમાં સાકરને બદલે આવા આર્ટિફિશિયલ સ્વીટનર્સને લીધે તેમને ભવિષ્યમાં ડાયાબિટીસ નહીં થાય.
જોકે મોટાભાગના આર્ટિફિશિયલ સ્વીટનર્સમાં એરિથ્રિટોલ નામનું તત્ત્વ હોય છે. ભારતમાં અને વિદેશોમાં પણ જે આર્ટિફિશિયલ સ્વીટનરની જે બ્રાન્ડસ લોકપ્રિય છે એમાંની લગભગ બધી બ્રાન્ડમાં એરિથ્રિટોલ હોય છે. વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધનમાં એવું પ્રસ્થાપિત થયું છે કે એરિથ્રિટોલને લીધે હાર્ટ એટેક અથવા સ્ટ્રોક થવાનું જોખમ રહે છે. અમેરિકાની ક્લિવલેન્ડ ક્લિનિક દ્વારા યુરોપ અને અમેરિકાના ચાર હજાર લોકો પર સંશોધન કરવામાં આવ્યું હતું જેમને હૃદયરોગ થવાની સંભાવના વધુ હતી. આ અભ્યાસ કરનારાઓએ પ્રસિદ્ધ કરેલી અખબારી યાદીમાં જણાવ્યું હતું કે આર્ટિફિશિયલ સ્વીટનર્સમાંના એરિથ્રિટોલને લીધે લોહીમાંના પ્લેટલેટ્સ સહેલાઈથી સક્રિય થાય છે જેને લીધે ક્લોટ એટલે કે લોહીના ગઠ્ઠા થવાનું જોખમ રહે છે.
આ અખબારી યાદીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે એરિથ્રિટોલ ધરાવતા આર્ટિફિશિયલ સ્વીટનર્સની લોકપ્રિયતા છેલ્લાં કેટલાંક વર્ષોમાં બહુ વધી છે પણ એની શરીર પર થનારી લાંબાગાળાની આડઅસર પર ઊંડાણપૂર્વકનું રિસર્ચ થવું જરૂરી છે.
ક્લિવલેન્ડ ક્લિનિકના એમડી અને પીએચડી કરેલા કાર્ડિયોવેસક્યુલર અને મેટાબોલિક સાયન્સ વિભાગના સ્ટેનલી હેઝન કહે છે કે કાર્ડિયોવેસક્યુલર ડિસીઝ એટલે કે હૃદયરોગના વિકાર એક જ દિવસમાં અચાનક નથી થતા પણ લાંબા ગાળે અને ધીમે ધીમે થાય છે. અત્યારે વિશ્ર્વભરમાં મૃત્યુ માટેના મુખ્ય કારણોમાં આ હૃદયરોગના વિકાર જ છે. તેમનુંં કહેવું છે કે આપણે જે ખાઈએ છીએ એ પદાર્થો હૃદયરોગના વિકારો માટે છૂપી રીતે જવાબદાર હોય છે.
આર્ટિફિશિયલ સ્વીટનરમાં મીઠાશ લાવવા માટે જે તત્ત્વો વપરાય છે એમાં ૭૦ ટકા હિસ્સો એરિથ્રિટોલનો હોય છે જે મકાઈને આથો આપીને એમાંથી તૈયાર કરવામાં આવે છે. અભ્યાસ જણાવે છે કે શરીરમાં પહોંચ્યા પછી એનું સારી રીતે પાચન થતું નથી. પાચન થવાને બદલે એ સીધું રક્તમાં જાય છે અને પછી પેશાબ વાટે નીકળી જાય છે. વૈજ્ઞાનિકો કહે છે કે આપણું સ્વસ્થ શરીર પોતે એરિથ્રિટોલનું ઉત્પાદન કરે છે પણ એ એકદમ ઓછી માત્રામાં હોય છે.
એરિથ્રિટોલનું વધુ માત્રામાં સેવન થવાથી એ શરીરમાં એકત્રિત થઈ જાય છે અને લાંબા ગાળે શરીરને નુકસાન પહોંચાડે છે.
વૈજ્ઞાનિકો કહે છે કે ચા-કૉફી કે અન્ય પીણાંઓમાં અથવા ખાદ્ય પદાર્થોમાં સાકરના સ્થાને વપરાતા આર્ટિફિશિયલ સ્વીટનરમાંના એરિથ્રિટોલને લીધે શરીરમાં એનું પ્રમાણ વધી જાય છે. જેને કારણે લોહીના ગઠ્ઠાઓ બનવાનું જોખમ વધે છે. આ ગઠ્ઠાઓને લીધે હાર્ટ-એટેક આવી શકે છે. ભારતીય ડૉકટરો કહે છે કે અગાઉ અમે ડાયાબિટીસના દર્દીઓને કહેતા કે સાકરની અવેજીમાં આર્ટિફિશિયલ સ્વીટનર વાપરો પણ એનું પ્રમાણ પણ ઓછું જ હોવુું જોઈએ, પરંતુ હવે જે પ્રકારનાં સંશોધનો અને અભ્યાસ સામે આવી રહ્યા છે અને ડાયાબિટીસના દર્દીઓને સાકરની જેમ જ આર્ટિફિશિયલ સ્વીટનરનો વપરાશ પણ સંપૂર્ણપણે બંધ કરી દેવાની સલાહ આપી રહ્યા છીએ.
કેટલાક કિસ્સાઓમાં તો આર્ટિફિશિયલ સ્વીટનરના વપરાશથી વજન ઘટવાના નહીં વધી જવાના કિસ્સાઓ બન્યા હોવાનું ડૉક્ટરો કહે છે. અમુક ડૉક્ટરો તો ત્યાં સુધી કહે છે કે આર્ટિફિશિયલ સ્વીટનરનો નિયમિત ઉપયોગ તો કરવો જ ન જોઈએ પણ ક્યારેક-ક્યારેક પણ એનું સેવન ન કરવું જોઈએ, કારણ કે એનાથી પણ શરીરને નુકસાન પહોંચતું હોવાનું જોખમ છે, એવું વિવિધ અભ્યાસ દરમિયાન ધ્યાનમાં આવ્યું છે. ઉ