હેલ્થ-વેલ્થ – રાજેશ યાજ્ઞિક
ગયા અઠવાડિયે ૨૪ માર્ચે વિશ્ર્વ ક્ષય રોગ દિવસ ગયો. આ વર્ષનું થીમ છે, હા, આપણે ક્ષયનો અંત લાવી શકીએ.’ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન શામાટે ૨૪ માર્ચને વિશ્ર્વ ક્ષય દિવસ તરીકે ઉજવે છે? કારણકે જર્મન ડૉક્ટર અને માઇક્રોબાયોલિજીસ્ટ ડૉ. રોબર્ટ કોકેએ આ જ દિવસે યુનિવર્સિટી ઓફ બર્લિનની ઇન્સ્ટિટ્યૂટ ઑફ હાઇજીન ખાતે વૈજ્ઞાનિકોના એક નાના જૂથને ઘોષણા કરીને વૈજ્ઞાનિક સમુદાયને ચોંકાવી દીધો હતો કે તેમણે ક્ષય રોગનું કારણ ટીબી બેસિલસ શોધી કાઢ્યું છે. તે પહેલાં એવું મનાતું હતું કે ક્ષય એ વારસાગત રોગ છે, પરંતુ ડૉ. કોકે એ બાબતે ચોક્કસ હતા કે ક્ષય રોગનું કારણ વારસાગત નહીં પણ સૂક્ષ્મ જીવાણુ હોવા જોઈએ અને આ રોગ ચેપી છે, વારસાગત નહીં. તેમણે પોતાના પ્રયત્નોથી એ પુરવાર પણ કરી બતાવીને વૈશ્ર્વિક રોગચાળો અને અસાધ્ય રોગ ગણાતા ક્ષયને નાથવાના માર્ગે એક ઐતિહાસિક દિશા ઉઘાડી આપી. તેથી તેમના સમ્માનમાં ટ્યુબરક્યુલોસિસ ડે, દર વર્ષે ૨૪ માર્ચે મનાવવામાં આવે છે, તે ક્ષય રોગ (ટીબી) ની વૈશ્ર્વિક મહામારી અને રોગને દૂર કરવાના પ્રયાસો વિશે જાહેર જાગૃતિ લાવવા માટે ઉજવાય છે.
અઢારમી સદીમાં ક્ષય રોગ યુરોપ અને અમેરિકામાં ઝડપથી ફેલાઈ રહ્યો હતો, જેના કારણે દર સાતમાંથી એક વ્યક્તિનું મૃત્યુનું કારણ આ રોગ હતું. કોકેની શોધે ટ્યુબરક્યુલોસિસના નિદાન અને સારવારનો માર્ગ ખોલ્યો.
ટીબીની એક માત્ર લાયસન્સ પાત્ર રસી બીસીજી છે જે આપણને બાળપણમાં આપવામાં આવે છે અને તે ફકત બાળકો પર જ પ્રભાવિત છે. દુનિયાભરમાં જે ટીબીના દર્દીઓ છે તેના ૨૫% ભારતમાં છે. ૨૦૨૧માં ભારતમાં ૨૫ લાખ લોકોને ટીબી નોંધાયો જેમાં પાંચ લાખનાં મોત થયાં હતાં. આજે પણ ૧૭ લાખ લોકો દેશમાં ટીબી પીડિત છે તેવું અનુમાન છે.
ક્ષય ચેપી રોગ છે જે મુખ્ય રૂપે આપણા ફેફસાને પ્રભાવિત કરે છે. ક્ષય એક સમયે અસાધ્ય રોગ ગણાતો હતો, જોકે, હવે તેવું નથી, પરંતુ આજે પણ જો ક્ષયના રોગીનો યોગ્ય ઉપચાર અને ખાનપાનનું ધ્યાન ન રાખવામાં આવે તો તેનું મૃત્યુ થઇ શકે છે. ક્ષયનાં સામાન્ય લક્ષણોમાં બે અઠવાડિયાથી વધારે સમય સુધી ઉધરસ આવે, સતત તાવ રહે છે અને શરીરનું વજન પણ ઝડપથી ઘટવા લાગે છે, રાત્રે પરસેવો થવો વગેરે છે. સાધારણ સંકેતોની વાત કરીએ તો, તાવ, ઠંડી લાગવી, ભૂખ મરી જવી, થાક લાગવો, શ્ર્વાસ લેવામાં તકલીફ વગેરે શામેલ છે.
મોટાભાગના વ્યક્તિઓમાં ટીબીની બીમારી એન્ટીબાયોટીક્સથી મટી જાય છે, પરંતુ આ રોગ દરમિયાન શરીરમાં બહુ જ નબળાઈ આવી જાય છે. ટીબીથી બીમાર દર્દીઓને સાજા થવામાં ઘણો સમય લાગે છે. સામાન્ય રીતે આ બીમારીની દવા ૬ થી ૯ મહિના સુધી ચાલે છે.
આ બીમારીમાં શરીરમાં જરૂરી પોષક તત્ત્વોની ઊણપ સર્જાય છે. આ બીમારી સામે લડવા માટે શરીરને વધારાના વિટામિન્સ, ખનીજ તત્ત્વો અને એન્ટી-ઓક્સિડન્ટ્સની જરૂર હોય છે. શરીરની જરૂરિયાત પૂરી કરવા માટે આરોગ્યપ્રદ ભોજન ખાવું ખૂબ જ જરૂરી છે. ચાલો જાણીએ કે કેવા પ્રકારનો ખોરાક વ્યક્તિને ટીબીની બીમારીમાંથી જલ્દીથી સાજા થવામાં મદદરૂપ બની શકે છે.
પ્રોટીનયુક્ત ભોજન
ટીબીની બીમારીમાંથી સાજા થવા માટે પ્રોટીનયુક્ત ભોજન વધારે પ્રમાણમાં ખાવાનું રાખો. તેનાથી મસલ્સનો ગ્રોથ પણ વધે છે. આહારમાં પ્રોટીનની ઊણપને પૂરી કરવા માટે, દૂધ, ઈંડા, ચીઝ, મીટ, કઠોળ અને દાળ તેમજ ડેરી પ્રોડક્ટ્સનું સેવન કરો. દિવસમાં ૨-૩ પ્રોટીનયુક્ત ખોરાક લેવાથી તમારુ શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે.
દાળનું સેવન કરો
આપણા ભારતીય રસોડામાં વિવિધ પ્રકારની દાળનો ભોજનમાં ઉપયોગ થાય છે. દાળમાં ભરપૂર માત્રામાં એન્ટિઓક્સિડન્ટ્સ અને પ્રોટીન હોય છે. માટે જો તમારો ક્ષયનો ઈલાજ ચાલતો હોય તો તમારા રોજિંદા આહારમાં દાળને શામેલ કરવાનું ન ભૂલશો.
જાડું ધાન પણ કરશે જાદુ
આપણા વડા પ્રધાનના માર્ગદર્શન હેઠળ ભારતની પહેલથી વિશ્ર્વ આ વર્ષને ‘મિલેટ યર’ તરીકે ઉજવી રહ્યું છે. મિલેટ એટલે માત્ર બાજરો નહીં, પણ બાજરાની પ્રજાતિના બધા જાડા ધાનનો તેમાં સમાવેશ થઇ જાય છે. કેન્દ્ર સરકાર પણ વિવિધ સ્તરે જાડા ધાનના ઉત્પાદન અને ઉપભોગને પ્રોત્સાહન આપી રહી છે.
ક્ષયના રોગીઓએ તેમના આહારમાં જાડા ધાનને શામેલ કરવું જોઈએ. તે શરીર માટે ખૂબ આરોગ્યપ્રદ છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તમે દલિયા, જુવાર, બાજરો, અને અન્ય ચીજોનું સેવન કરી શકો છો.
સ્વસ્થ આહાર લો
સ્વસ્થ આહાર તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે. તેથી, તમારા આહારમાં એવા ખોરાકનો સમાવેશ કરો જે પોષક તત્ત્વોથી ભરપૂર હોય. આમાં શાકભાજી, આખા અનાજ અને ફળ વગેરેનો સમાવેશ થાય છે. આ ખોરાક પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. જે તમને ચેપથી બચાવવામાં મદદ કરે છે. એટલા માટે હેલ્ધી ડાયટ લો.
વિટામિન-સી છે ફાયદાકારક
જો તમારે કોઈપણ બીમારી સામે લડવું હોય તો મજબૂત રોગપ્રતિકારક શક્તિ અત્યંત જરૂરી છે. તે માટે વિટામિન એ, બી અને સીના પ્રમાણ ઉપર ખાસ ધ્યાન આપો અને તેમના યુક્ત ખોરાક લો. આ ઉપરાંત વિટામિન ડી, ઈ, મિનરલ્સ સેલેનિયમ, ઝિંક અને આયર્નનું પણ સેવન કરો.
ટીબીના દર્દીઓએ ક્યા પ્રકારનું તેલ ખાવું જોઇએ?
ટીબીના દર્દીઓએ ખોરાકમાં સોયાબીન, સરસવ અને નાળિયેર તેલનો ઉપયોગ કરવો જોઈએ. આ ત્રણેય ખાદ્યતેલો ઊર્જાનાં સારા સ્ત્રોત છે.
ખોરાક ઉપરાંત પણ કેટલીક લાઇફસ્ટાઇલ સંબંધિત બાબતોનું ધ્યાન રાખવું પણ એટલુંજ જરૂરી છે.
તણાવ મુક્ત રહો
તણાવ રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવે છે, જેના પરિણામે કોઈપણ રોગનો ચેપ ઝડપથી લાગી શકે છે. તેથી તમે પોતાને તણાવ મુક્ત રાખવાના બધાજ પ્રયત્નો કરો. ક્રોનિક તણાવ પોતે પણ એક રોગ જ છે. એટલે તેનાથી મુક્ત થવું જરૂરી છે. દરરોજ ધ્યાન કરો, યોગ કરો, ઊંડા શ્ર્વાસ લેવાની કસરત વગેરે ઉપાયો નિયમિત કરો.
કસરત કરો
નિયમિત કસરત કરવી માત્ર બાહ્ય શરીર માટે ઉપયોગી નથી પણ આંતરિક શરીર માટે પણ અસરકારક છે. કસરતથી ફેફસાની કાર્યક્ષમતા સુધરે છે, રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેથી નિયમિત કસરતને રોજિંદા જીવનનો ભાગ બનાવવાનું ચૂકશો નહીં. તમે વોકિંગ કે સાઇકલિંગ પણ કરી શકો છો.
ધૂમ્રપાન છોડો
યુવાનોમાં ધૂમ્રપાન એક ફેશન બની ગઈ છે. ગમે તેટલાં મોટા અક્ષરોમાં ચેતવણી લખી હોય કે અણગમતાં ચિત્રો પણ બતાવ્યા હોય તો પણ લોકો આ લતને વળગી રહે છે. ધૂમ્રપાન અનેક રીતે આરોગ્ય માટે જોખમકારક છે. એ તો જાણીતું છે કે ધૂમ્રપાન શ્ર્વસનતંત્રને નુકસાન કરે છે અને નબળું શ્ર્વસનતંત્ર ક્ષયના રોગનું ઘર આપવા જેવું છે. માટે ધૂમ્રપાનનો વહેલી તકે ત્યાગ કરો.
ડૉક્ટરની સલાહ અવશ્ય લો
મહત્ત્વની વાત એ છે કે ક્ષયના લક્ષણો દેખાય, અથવા આશંકા પણ હોય તો તરત ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. ટીબી માટે ડૉકટરે સૂચવેલો ઉપચાર નિયમિત કરવો જોઈએ, દવાઓ નિયમિત લેવી જોઈએ. ગંભીર ક્ષયના કેસમાં ડૉકટરો ૯ મહિના સુધી ઉપચાર ચાલુ રખાવે છે, જે તમારે કંટાળ્યા વગર પૂરો કરવો જોઈએ. તમારા પરિવારમાં કોઈ સભ્યને આ બીમારી હોય તો તેમને પણ આ સલાહ આપશો. યાદ રહે, ક્ષયનો ઉપચાર પૂરો કરવામાં ન આવે તો રોગ ફરીથી થઇ શકે છે. આવું કહીને અમે પ્રિય વાચકોને ડરાવવા નથી માગતા પણ ચેતવવા અવશ્ય માગીએ છીએ.