Homeતરો તાજાઓછી ઊંંઘ ઘણી શારીરિક અને માનસિક સમસ્યાઓનું કારણ બની શકે છે

ઓછી ઊંંઘ ઘણી શારીરિક અને માનસિક સમસ્યાઓનું કારણ બની શકે છે

હેલ્થ વેલ્થ – રાજેશ યાજ્ઞિક

સ્વસ્થ રહેવા માટે માત્ર સ્વસ્થ આહાર જ જરૂરી નથી, પરંતુ આપણી તંદુરસ્ત આદતો અને સારી જીવનશૈલી પણ જરૂરી છે. પૂરતી ઊંઘ લેવી એ આ આદતોમાંથી એક છે. જો તમને ઊંઘ આવી રહી છે, તો તેનો અર્થ એ છે કે તમે સારી જીવનશૈલી જીવી રહ્યા છો. પરંતુ આજકાલ વધતા કામના બોજ અને મોડે સુધી જાગવાની આદતને કારણે આપણામાંથી ઘણા લોકો ઊંઘ પૂરી કરી શકતા નથી. આવી સ્થિતિમાં ઊંઘની ઊણપ સ્વાસ્થ્યને અસર કરે છે. સ્વસ્થ રહેવા માટે તમારે ઓછામાં ઓછી ૭ કલાકની ઊંઘ લેવી જરૂરી છે. આવી સ્થિતિમાં જો તમને પણ પૂરતી ઊંઘ નથી આવતી, તો તેના કારણે તમને નીચેની આરોગ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.
હૃદય માટે હાનિકારક
જો તમે ૬ કલાકથી ઓછી અથવા ૯ કલાકથી વધુ ઊંઘ લઈ રહ્યા છો, તો તે તમારા હૃદય પર ખરાબ અસર કરી શકે છે. વાસ્તવમાં અપૂરતી ઊંઘને કારણે, શરીરમાં ભેગા થયેલા વિષદ્રવ્યો શરીરમાંથી બહાર નીકળી શકતા નથી, જેના કારણે હાઈ બ્લડ પ્રેશર થવાની સંભાવના વધી જાય છે, જે પછીથી હાર્ટ એટેકનું કારણ બની શકે છે.
કેન્સરનું જોખમ વધે છે
જો તમને તમારા સ્વાસ્થ્ય માટે જરૂરી ઊંઘ નથી મળતી, તો તેનાથી તમને કેન્સર થવાનું જોખમ પણ વધી જાય છે. વાસ્તવમાં ઊંઘના અભાવને કારણે, તમે સ્તન કેન્સર, કોલોરેક્ટલ કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સરનો શિકાર બની શકો છો. ખાસ કરીને નાઇટ શિફ્ટમાં કામ કરતા લોકોને વધુ જોખમ રહે છે.
વિચારવાની ક્ષમતાને અસર થાય છે
ઊંઘની ઊણપ માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક સમસ્યાઓનું કારણ બની શકે છે. ઊંઘ ન આવવાને કારણે તમારી વિચારવાની અને નિર્ણય લેવાની ક્ષમતા પર અસર થાય છે. તેની સાથે તમે ગુસ્સો, ચીડ, ટેન્શન અને ડિપ્રેશનનો શિકાર પણ બની શકો છો. ઉપરાંત, તે તમારી યાદશક્તિને પણ અસર કરે છે.
વજન વધી શકે છે
પૂરતી ઊંઘ ન લેવાથી તમારું વજન પણ વધી શકે છે. વાસ્તવમાં એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો દરરોજ રાત્રે ૫ કલાકથી ઓછી ઊંઘ લે છે તેમનું વજન વધવાની શક્યતા વધુ હોય છે.
ડાયાબિટીસનું જોખમ વધે છે
ઊંઘ ન આવવાને કારણે લોકોમાં ડાયાબિટીસનું જોખમ પણ નોંધપાત્ર રીતે વધી જાય છે. સારી ઊંઘ ન મળવાથી મીઠી વસ્તુઓ અને જંક ફૂડ ખાવાની ઈચ્છા વધી જાય છે, જેના કારણે હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી બીમારીઓનું જોખમ ઘણું વધી જાય છે.
ત્વચાને નુકસાન
ઊંઘના અભાવની અસર ફક્ત આપણા સ્વાસ્થ્ય અને મન પર જ નથી પડતી, પરંતુ તેના કારણે તે આપણી ત્વચા પર પણ ખરાબ અસર કરે છે. એક અભ્યાસમાં ઊંઘની આદતો અને ત્વચાની સ્થિતિ વચ્ચેના સંબંધ પર ધ્યાન આપવામાં આવ્યું હતું. આ અભ્યાસમાં એ વાત સામે આવી છે કે જે લોકો ઓછી ઊંઘ લે છે, તેમને કરચલીઓ, અસમાન ત્વચાનો રંગ અને ત્વચા ઢીલી પડવા જેવી સમસ્યાઓ થાય છે.
રાત્રે સૂતા પહેલા કરો આ કામ
આપણે ઘણીવાર કોઈ પણ કામ કરતા પહેલા તૈયારી કરી લઈએ છીએ, પરંતુ જ્યારે રાત્રે સૂવાની વાત આવે છે ત્યારે આપણે કોઈ તૈયારી નથી કરતા અને સુઈ જતા હોઈએ છીએ, જેના કારણે આવનારા દિવસોમાં આપણને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો આપણે સમયસર આપણી આદતોમાં સુધારો નહીં કરીએ તો તેનું પરિણામ આપણે ભોગવવું પડશે. જો તમે પણ આ ભૂલો કરો છો તો આજથી જ સાવધાન થઈ જાઓ.
સૂવાના ૨ કલાક પહેલા ખોરાક લો
ઘણા લોકોને ભોજન કર્યા પછી તરત જ સૂવાની આદત હોય છે, પરંતુ તમને ખબર નહીં હોય કે તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. જમ્યા પછી તરત જ સૂઈ જવાથી ખોરાકનું યોગ્ય પાચન થતું નથી, જેના કારણે વજન વધે છે, એસિડ રિફ્લક્સ થાય છે અને હાર્ટબર્ન, ગેસ એસિડિટી, પેટનું ફૂલવું જેવી પાચન સમસ્યાઓ થાય છે. ખાવા અને સૂવાની વચ્ચે ઓછામાં ઓછું ૩ થી ૪ કલાકનું અંતર હોવું જરૂરી છે. તેથી જ તમારું છેલ્લું ભોજન એટલે કે રાત્રિભોજન સૂવાના સમયના બે કલાક પહેલા લેવાનો પ્રયાસ કરો.
સૂતા પહેલા મોબાઈલ બંધ કરો
આપણે સૂવાના એક કલાક પહેલા ફોનનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ. સ્માર્ટફોનમાંથી આવતી લાઇટ તમારી આંખો માટે તો ખરાબ છે જ, પરંતુ મગજ માટે પણ ખૂબ જ ખતરનાક છે. એટલા માટે સૂતા પહેલા ફોનનો ઉપયોગ ન કરવો જોઈએ.
સૂતા પહેલા બ્રશ કરો
સવારે ઉઠ્યા પછી દરેક વ્યક્તિ બ્રશ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે રાત્રે સૂતી વખતે બ્રશ કરવું એટલું જ જરૂરી છે જેટલું સવારે. જો તમે રાત્રે સૂતી વખતે બ્રશ ન કરો તો ખોરાકના કણો તમારા દાંતમાં અટવાઈ જાય છે અને તે તમારા દાંતમાં લાંબા સમય સુધી રહે છે, જેના કારણે તમારા દાંત અને પેઢાંને નુકસાન થાય છે અને પછી તે પોલાણનું રૂપ ધારણ કરે છે. જેમાં તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -