હેલ્થ વેલ્થ – રાજેશ યાજ્ઞિક
ગયા અંકે આપણે બાળકોમાં ડિપ્રેશન વિશે ચર્ચા ચાલુ કરી હતી. બાળકો પણ ડિપ્રેશનનો શિકાર થઇ શકે છે. તેને ઓળખવાની, સમજવાની અને તેની સારવાર કરવાની પણ જરૂર છે. તેથી આજે આપણે તેના વિશે ચર્ચા આગળ વધારીને તેને વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરીશું.
બાળકોમાં હતાશા અને ચિંતાના કારણો શું છે?
બાળકોમાં હતાશા અને ચિંતાના ઘણા કારણો હોઈ શકે છે, જેમાં જેમાંથી કેટલાક નીચે બતાવેલા છે:
૧. આલ્કોહોલ અથવા ડ્રગ્સનો ઉપયોગ: આ સમસ્યા આજકાલ વકરી છે. આર્થિક રીતે નબળા વર્ગના પરિવારના બાળકો આ વ્યસનના ન માત્ર શિકાર બને છે, પરંતુ ઘણીવાર પરિચિતો જ બાળકોને વ્યસનોને રવાડે ચઢાવે છે. કેરિયર તરીકે કામ કરીને કમાણી કરવા તેનો પરિવાર જ બાળકને ધકેલે છે. તો ઉચ્ચ વર્ગના બાળકો માટે આલ્કોહોલ અને ડ્રગ્સ ‘લાઈફ સ્ટાઇલ’ સમાન છે. પણ આખરે તેની આડ અસર થાય જ છે. વ્યસનોની લતને કારણે સામાજિક, આર્થિક અને શારીરિક મુશ્કેલીઓ પણ ઊભી થાય છે, જેની અસર પણ આખરે મગજ ઉપર થાય છે. એક એવું વિષચક્ર તૈયાર થાય છે જ્યાં ઘણીવાર સમજવું મુશ્કેલ બને છે કે માનસિક તકલીફને કારણે બાળક ડ્રગ્સને રવાડે ચઢ્યું કે ડ્રગ્સને રવાડે ચઢ્યું એટલે સમસ્યાઓ ઊભી થઇ.
૨. પર્યાવરણ (કૌટુંબિક સમસ્યાઓ સહિત): ઘરના સારા-નરસા વાતાવરણની અસર બાળકો ઉપર પડે છે. પરિવારમાં તણાવ હોય, માતા-પિતા વચ્ચેના સંબંધો સારા ન હોય, ઝઘડા થતાં હોય અથવા ઘણા કિસ્સામાં બને છે તેમ, પુરુષ વર્ગ વ્યસનોનો શિકાર હોય અને ઘરમાં સ્ત્રીઓની મારઝૂડ થતી હોય. આ બધાની ઘેરી અસર કુમળી વયના બાળકો ઉપર પડે છે. અહીં પણ આર્થિક રીતે નબળા કે આર્થિક રીતે સધ્ધર પરિવારોનો ભેદ નથી હોતો. લગભગ બધાં જ પરિવારોમાં નાની-મોટી સમસ્યાઓ હોય છે. પરંતુ તેનું સ્વરૂપ અને તે બાળકની સમક્ષ કેવી રીતે આવે છે તે મહત્ત્વનું છે. બાળકના નિકટવર્તી પરિવારજનોની સમસ્યાઓ તરફની પ્રતિક્રિયા અને એકમેક સાથેના વર્તનનું બાળક નિરીક્ષણ પણ કરતું હોય છે અને તેનાથી પ્રભાવિત પણ થતું હોય છે.
૩. કૌટુંબિક ઇતિહાસ (પરિવારના અન્ય લોકો ડિપ્રેશન ધરાવે છે): માતા-પિતા કે ભાઈ-બહેનને ડિપ્રેશન હોય એટલે થાય તેવો નિયમ નથી. પરંતુ નિષ્ણાંતો એ વાતે સહમત છે કે પરિવારમાં ડિપ્રેશનના રોગનો ઇતિહાસ હોય તો બાળકને ડિપ્રેશન થવાનું જોખમ વધારે હોઈ શકે.
૪. શારીરિક બીમારી: લાંબા ગાળાની શારીરિક વ્યાધિઓ કોઈપણ વ્યક્તિને હતાશ કરી શકે. તો બાળકોને બીમારીઓને કારણે વધારે સહન કરવું પડે છે. કારણકે તેમનામાં એ પરિસ્થિતિ સાથે કામ પાડવાની પરિપક્વતા નથી હોતી. ખાસ કરીને, નાની ઉંમરમાં કેન્સર, ડાયાબિટીઝ જેવી કોઈ બીમારી હોય અથવા અસાધ્ય શારીરિક ઉણપ હોય તો તેની અસર તેમના મન ઉપર પડે છે. અન્ય બાળકો જેવું સામાન્ય જીવન પોતે નથી જીવી શકતા અથવા પોતે અન્ય બાળકો કરતાં કોઈ રીતે ઉતરતાં અથવા પાછળ છે તેવી ગ્રંથિ બાળકના મનમાં બંધાય છે, જે બાળકને ડિપ્રેશન તરફ ધકેલી શકે છે.
૫. તણાવપૂર્ણ જીવનની ઘટનાઓ: જીવનમાં કેટલીક ઘટનાઓ વ્યક્તિને જબરો આઘાત પહોંચાડે છે. બાળકો સ્વભાવે વધુ લાગણીશીલ હોય છે અને મનથી વધુ કોમળ. એટલે કોઈ આઘાતજનક અથવા અપ્રિય ઘટના તેમના મન પર તરત અને ઊંડી અસર કરે છે. પ્રિયજનનું મૃત્યુ, કોઈ કારણસર પ્રિયજનનો વિયોગ, અચાનક આવી પડેલું આર્થિક સંકટ જેવી ઘટનાઓ બાળકને હતાશ કરી શકે. તે ઉપરાંત ઘણીવાર કોઈ પરિચિત અથવા અપરિચિત વ્યક્તિ દ્વારા બાળકનું જાતીય શોષણ થતું હોય, તેને ધાકધમકી અપાતી હોય અને બાળક ડરને કારણે કોઈને કહી શકતું ન હોય. ખાસ કરીને, જો લાંબા સમય સુધી બાળકનું જાતીય શોષણ થયું હોય, તો તેની ખૂબ ગંભીર અને સ્થાયી અસરો બાળકના મન ઉપર પડે છે.
૬. નકારાત્મક વિચારસરણી.: કિશોર વયે ડિપ્રેશન, જીવનના પડકારો માટે ઉકેલો શોધવા માટે સક્ષમ અનુભવવાનું શીખવાને બદલે અસહાય અનુભવવાનું શીખવા સાથે સંકળાયેલ હોઈ શકે છે. પરિવાર તરફથી આ બાબતે બાળકોને કેવી કેળવણી મળી છે અથવા શૈક્ષણિક સંસ્થાઓ આવા સમયે તેને કેવી રીતે હાથ ધરે છે, તેના ઉપર ઘણો આધાર રહેલો છે. બાળકની આસપાસના લોકોની નકારાત્મક વિચારસરણીની અસર બાળકની વિચારસરણી ઉપર થઇ શકે છે.
૭. બાયોકેમિકલ અસંતુલન: અમુક હોર્મોન્સ અને રસાયણોનું અસમાન સ્તર મગજ કેવી રીતે કાર્ય કરે છે તેના પર અસર કરી શકે છે. તેનાથી ડિપ્રેશનનું જોખમ વધી શકે છે. આ તો થઇ કારણોની વાત. સમસ્યાની સાથે તેના સમાધાનની વાત કરવી પણ એટલી જ જરૂરી છે. આપણે હવે પછીના અંકમાં તેના લક્ષણો અને ઉપચારની ચર્ચા કરીશું.