Homeઉત્સવબે કાન વચ્ચે માથું કરવું અને બે કાન વચ્ચે માથું રાખીને ચાલવું

બે કાન વચ્ચે માથું કરવું અને બે કાન વચ્ચે માથું રાખીને ચાલવું

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

બે પ્રથમ બેકી સંખ્યા છે. જોડું, દંપતી યુગલ તરીકે ઓળખાય છે. બે હાથને યુગલપાણિ પણ કહેવાય છે. આ શબ્દમાં યુગલ એટલે બે અને પાણિ એટલે હાથ. બે સંખ્યાવાચક શબ્દ છે અને ઉભય એનો પર્યાય
છે. અમુક બે વસ્તુઓ વિશે બોલતા ઉભય શબ્દ બેની જગ્યાએ વપરાય છે. બે માત્ર સંખ્યા બતાવે છે અને ગમે તે બે વસ્તુ વિશે બોલતા વપરાય છે. બે રૂપિયા આપો ને બદલે ઉભય રૂપિયા આપો ન કહેવાય, પણ બે ને બદલે ઉભય પણ કહેવાય ખરું જેમ કે ઉભયપક્ષે કોઈ વિવાદ નહોતો. તમે સંપ ત્યાં જંપ અને ઝાઝા હાથ રળિયામણા કહેવત જરૂર જાણતા હશો. એકતા હોય તો કોઈ તમારો વાળ પણ વાંકો ન કરી શકે એ ભાવાર્થ છે. આ જ વાત અંકની મદદથી એક ને એક બે બાવીસની ગરજ સારે કહેવતમાં વ્યક્ત થાય છે. બે આંગળ ભરીને કાપી લેવું એટલે આબરૂ ઓછી કરવી. એ સિવાય બોલ બોલ કરનારનું મોઢું બંધ કરવું એ અર્થ પણ છે. બહુ લાંબી જીભવાળાને ધમકી આપતી વખતે વપરાય છે. અતિશય આનંદ થવાને કારણે મન ફુલાઈ જઈ, હલકું ફૂલ બની હવાઈ કિલ્લા બાંધે છે અને તે વેળા સ્વર્ગ બે આંગળ બાકી રહી ગયું હોય એમ લાગે એ દર્શાવવા બે આંગળ સ્વર્ગ છેટે હોવું એ રૂઢિપ્રયોગ વાપરવામાં આવે છે. અસલના વખતમાં બાળકોને ધમકાવવા શિક્ષક કે વડીલ બે કાન વચ્ચે માથું કરી નાખીશ એવું કહેતા. સાન ઠેકાણે લાવવી એ એનો ભાવાર્થ છે. ભાષાની મજા જુઓ કે નજીવા શબ્દફેરથી કેવો વિશાળ અર્થફેર થઈ જાય છે. બે કાન વચ્ચે માથું રાખીને ચાલવું એટલે વ્યવહારમાં પ્રામાણિક હોવું. એ સિવાય માથું જમણી કે ડાબી બાજુ તરફ હલાવ્યા વિના સીધેસીધું ચાલવું એ અર્થ સુધ્ધાં છે. શબ્દફેરથી થતા અર્થફેરનું બીજું એક ઉદાહરણ પણ જાણીએ. તમે બે ઘડીનો પરોણો પ્રયોગ સાંભળ્યો હશે. થોડી વારમાં આ ફાની દુનિયા છોડીને ચાલી જનાર વ્યક્તિ માટે કે મૃત્યુની અણીએ ઊભી હોય એવી વ્યક્તિ માટે આ રૂઢિપ્રયોગ વપરાય છે. બહુ જાણીતી કહેવત છે કે બે ઘરનો પરોણો ભૂખે મરે. એનો શબ્દાર્થ છે બે ઘર વચ્ચે અતિથિ જમ્યા વગરનો રહે અને ભાવાર્થ છે સંદિગ્ધ કે અસ્પષ્ટ વાતનું દુ:ખદ પરિણામ આવે. હવે બેના ઉપયોગથી કેટલીક વિશિષ્ટ સંખ્યા વિશે જાણીએ જે આજની તારીખમાં ચલણમાં નથી અને અનેક વાચકો તેનાથી અજાણ હશે. બે તીલંતર એટલે બસો ત્રણ – ૨૦૩, બે સતલંતરસો એટલે બસો ને સાત – ૨૦૭. બે દાબોતેર એટલે બસો દસ – ૨૧૦ એટલે બે તેંતાળાં એટલે બસો તેંતાલીસ – ૨૪૩, બે તોતેરાં એટલે બસો તોંતેર – ૨૭૩,
———
NUMBER IDIOMS
ગુજરાતીના અંક – સંખ્યા અંગ્રેજીમાં નંબર તરીકે ઓળખ ધરાવે છે. અન્ય ભાષાની જેમ નંબર અંગ્રેજી ભાષાના વ્યવહારમાં ગોઠવાઈ ગયા છે. અહીં પણ અનેક નંબર વિવિધ અર્થ ધરાવતા નજરે પડે છે. ક્યારેક તો બે નંબર એક જ રૂઢિપ્રયોગમાં હાજરી પૂરતા જોવા મળે છે, જેમ કે A Million and One અસંખ્ય, અઢળક એનો ભાવાર્થ છે. Not to worry if one idea failed. I have A Million and One Ideas એક આઈડિયા ભલે નિષ્ફળ ગયો. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મારી પાસે બીજા અઢળક આઈડિયા છે. આપણે ગુજરાતીમાં અકબંધ શબ્દ વાપરીએ છીએ જે અંગ્રેજીમાં All in One Piece રૂઢિપ્રયોગ તરીકે અસ્તિત્વમાં છે જેનો અર્થ સલામત, હેમખેમ, અકબંધ એવો થાય છે. The big box of crockery arrived home All in One Piece. કાચના વાસણનું મોટું બોક્સ ઘરે હેમખેમ અકબંધ પહોંચી ગયું. કોઈ કામ છેક છેલ્લી ઘડીએ પૂરું થાય કે યાદ આવે કે કોઈ બાબતની જાણકારી છેલ્લી ઘડીએ યાદ આવે એ માટે At the Eleventh Hour રૂઢિપ્રયોગ જાણીતો છે.We got trapped in the traffic and reached the station At the Eleventh Hour.. અમે ટ્રાફિકમાં એવા ફસાઈ ગયા કે સ્ટેશન પર છેક છેલ્લી ઘડીએ પહોંચી શક્યા. Be in Two Minds એટલે નિર્ણય લેવા બાબત દ્વિધામાં હોવું, અસમંજસ થવી. મૈં રોઉં યા હસુ, કરું મૈં ક્યા કરું જેવી અવસ્થા. I am in Two Minds about accepting the job. નોકરી સ્વીકારવા વિશે હું દ્વિધામાં છું. હા પાડવી કે ના એનો નિર્ણય નથી થઈ શકતો. Get the Third Degree રૂઢિપ્રયોગ મોટેભાગે ગુનેગારના સંદર્ભમાં વાપરવામાં આવે છે. The police used the Third Degree to make the culprit confess.. ગુનેગાર પાસે કબૂલાત કરાવવા પોલીસે આકરી પૂછપરછ કરી અને દંડૂકાનો પણ ઉપયોગ કર્યો. Square the Circle રૂઢિપ્રયોગ એકદમ સ્પષ્ટ છે. વર્તુળને ચોરસ બનાવવાની કોશિશ કરવી મતલબ કે અશક્ય – અસંભવ કામ હાથમાં લેવું. Sunil is trying to solve the puzzle, but it is like squaring the circle – there is no solution. સુનીલ કોયડો ઉકેલવા ઘણી
મથામણ કરી રહ્યો છે, પણ એ અશક્ય છે કારણ કે એનો કોઈ ઉકેલ જ નથી.
——–
बहिण म्हणी मध्ये अंकांची बदनामी
અંક આપણા જીવનનું અવિભાજ્ય અંગ છે. જન્મ તારીખ, લગ્ન તારીખ, ખરીદેલા શેરની કિંમત, આવક – જાવકનો તાળો વગેરે અનેક બાબતો આંક – આંકડાથી જ તો સ્પષ્ટ થતી હોય છે. જોકે, ભાષામાં અંકને કારણે વિચિત્રતાએ જન્મ લીધો છે. રૂઢિપ્રયોગ અને કહેવતોમાં અંક કે આંકડાની બદનામી થઈ હોવાનું ચિત્ર ઊપસે છે.अर्धवट, अर्धमेला, अर्धशिशी वगैरैमध्ये अर्धा या अंकाची वाटच लावली आहे. આ ત્રણ શબ્દોમાં અડધા અંકની તો વાટ જ લાગી છે. અર્ધવટ એટલે અધૂરું, મતલબ કે પૂરું નહીં. અર્ધમેલા એટલે અધમૂઓ જેના હોશકોશ ઊડી ગયા છે. અર્ધશિશી એટલે જેને આપણે આધાશીશી તરીકે ઓળખીએ છીએ અને અડધું માથું દુખવું એ એનો અર્થ છે. આ ત્રણેય શબ્દોમાં આડધો નકારાત્મક અર્થ જ દર્શાવે છે. तीन तेरा म्हणजे तीन आणि तेरा हे दोन्ही अंक वाईटच. તીન તેરા એટલે પાયમાલી કે ધૂળધાણી. ટૂંકમાં ૩ અને ૧૩ એ બંને અંક પણ ખરાબ ચીતરવામાં આવ્યા છે. चांडाल चौकडी यामध्ये चार या आकडयाला प्रतिष्ठा आहे का? ચાંડાલ ચોકડીનો ભાવાર્થ છે કાળા કામ કરનાર લોકોની ટોળી. આમ અહીં પણ ચાર અંકની પ્રતિષ્ઠાને બટ્ટો લાગ્યો છે. चही बोटे सारखी नसतात यात याच अंकावर नेमके बोट ठेवले आहे का?પાંચેય આંગળી સરખી નથી હોતી એ રૂઢિપ્રયોગમાં પાંચના અંક સામે જ આંગળી ચીંધવામાં આવી છે ને.पाचावर धारण बसणे म्हणजे मूर्तिमंत भीतीच. या भीतीसाठी नेमकी पांच चीच निवड म्हणीकर्त्याने केली आहे. પાચાવર ધારણ બસણે એટલે ગભરાઈ જવું, ફફડી જવું એવો અર્થ છે. મજા એ વાતની છે કે આ ભય માટે પાંચની જ પસંદગી કરવામાં આવી છે. જોયું, અંકની કેવી ‘અવદશા’ ભાષામાં જોવા મળે છે ને. અલબત્ત આ બાબત ગંભીરતાથી નહીં, પણ હળવાશથી લેવાની છે.
———-
मुहावरों में अंक का स्थान
કહેવતો અને રૂઢિપ્રયોગોમાં અંક – સંખ્યાની હાજરી અને એનો વિસ્તાર આશ્ર્ચર્યચકિત કરનારો છે. એક છેડે એક તૃતીયાંશ જેવી મામૂલી અને બીજે છેડે નવ લાખ જેવી વિશાળ સંખ્યાની હાજરી છે. બંને છેડા વચ્ચે અડધો, પોણો, સવા, અઢી, સાડા સાત અને સાડા બાવીસ જેવી અપૂર્ણાંક સંખ્યા સુધ્ધાં છે. મજેદાર વાત એ છે કે એકથી બાવીસની વચ્ચે ૧૫ અને ૧૭ને બાદ કરતાં બાકીની બધી સંખ્યાએ રૂઢિપ્રયોગમાં હાજરી પુરાવી છે. આ ઉપરાંત ૧૦૦ સુધીની અનેક સંખ્યા ઉપરાંત ૧૨૦, ૪૨૦, એક હજાર, લાખ, સવા લાખ અને નવ લાખનો પણ ઉલ્લેખ જોવા મળે છે. અલબત્ત જૂજ પ્રયોગ વાસ્તવિક અર્થમાં રૂઢ થયેલા જોવા મળે છે અને મોટાભાગના અતિશયોક્તિ દર્શાવવા વપરાયા છે. ખાસ કરીને મોટી સંખ્યાનો ઉપયોગ અતિરેકના અર્થમાં જોવા મળે છે. બીજી એક મજેદાર વાત એ છે કે હિન્દીમાં રૂઢિપ્રયોગમાં એકનું પ્રભુત્વ દેખાય છે. ૧ અંક ક્યારેક એકના અર્થમાં હોય છે તો ક્યારેક મામૂલીના અર્થમાં નજરે પડે છે. એકતાની ભાવના પણ આ અંક વ્યક્ત કરે છે તો અચળ – અડગનો અર્થ પણ હાજર છે.एक आँख से देखना.
એટલે સૌને સમાન ભાવથી જોવા, કોઈ ભેદભાવ ન રાખવો. સમદ્રષ્ટિની વાત છે.एक आवें का बर्तन होना પ્રયોગમાં આવે એટલે કુંભારની ભઠ્ઠી. કુંભારની ભઠ્ઠીમાં તૈયાર થયેલા વાસણ એકસરખો ગુણ ધરાવતા હોય છે. એ જ અર્થ एक थैली के चट्टे बट्टे होना પ્રયોગમાં પણ એ જ અર્થ છે. એક જ થેલીમાં રહેલા રંગીન લાકડા એક સરખા જ હોય.एक चने की दो दाल होना પ્રયોગમાં વ્યક્તિગત સ્તરે ઘનિષ્ટતા નજરે પડે છે જ્યારે एक झंडे के नीचे खडे होना પ્રયોગમાં રાજનૈતિક સ્તરે એકમતનો પડઘો પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -