વિરાટ કોહલી ફોર્મમાં પાછો ફર્યો છે. જે રીતે તેણે T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે અણનમ 82 રનની ઇનિંગ રમીને બાબર આઝમની ટીમના મોંઢામાંથી જીતનો કોળિયો છીનવી લીધો , તે ક્રિકેટ જગતમાં લાંબા સમય સુધી યાદ રહેશે. મેલબોર્નમાં કોહલીની શાનદાર ઈનિંગના નવા બીસીસીઆઈ પ્રમુખ રોજર બિન્નીએ પણ વખાણ કર્યા હતા. BCCIની કમાન મળ્યા બાદ કોહલી પર બિન્નીએ પહેલું નિવેદન આપ્યું છે. કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના એક કાર્યક્રમમાં બિન્નીએ કોહલી વિશે વાત કરી હતી. તેમણે કોહલીને તેની શાનદાર ઇનિંગ્સ માટે અભિનંદન પાઠવ્યા હતા.
બિન્નીએ કહ્યું કે, કોહલીએ સ્ટેડિયમમાં જે શોટ્સ માર્યા અને આપણને જીત અપાવી, તે બધું એક સપના સમાન હતું. આ મુકાબલો મોટા ભાગે પાકિસ્તાનની તરફેણમાં હતો, પરંતુ અચાનક ભારતે ગેમમાં વાપસી કરી અને મેચ જીતી લીધી. આપણે એવા મુકાબલા બહુ નથી જોયા.
વિરાટ કોહલીની વાપસી પર બીસીસીઆઈ પ્રમુખે કહ્યું કે તેમને કંઈ સાબિત કરવાની જરૂર નથી. કોહલી એક ક્લાસ પ્લેયર છે. તે દબાણમાં પણ વધુ સારું પ્રદર્શન કરે છે.
ટીમ ઈન્ડિયાના T20 વર્લ્ડ કપ અભિયાનની વાત કરીએ તો કોહલીએ નેધરલેન્ડ સામેની જીતમાં સૌથી વધુ 62 રન બનાવ્યા હતા. તેણે 44 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. હવે સુપર 12માં ભારત રવિવારે પર્થમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. ભારતે આ ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત પાકિસ્તાનને 4 વિકેટથી હરાવીને કરી હતી. આ પછી નેધરલેન્ડ સામે 56 રને જીત મેળવી હતી.
ચાલી રહેલા T20 વર્લ્ડ કપમાં 144 રન સાથે, કોહલી ભારતનો સૌથી વધુ રન મેળવનાર ખેલાડી છે અને T20 વર્લ્ડ કપ મેચોના ઈતિહાસમાં સૌથી વધુ રન મેળવનાર બનવાની આરે છે. શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન અને દિગ્ગજ માહલિયા જયવર્દનેના રેકોર્ડને તોડીને શિખર સુધી પહોંચવા માટે તેને વધુ 28 રનની જરૂર છે. હવે રવિવાર (30 ઓક્ટોબર)ના રોજ પર્થમાં દ. આફ્રિકા સામેની મેચમાં કોહલીનો જલવો જોવા મળશે.