ગુજરાતને ડ્રાય સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે. મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂ પીવા પર પ્રતિબંધ છે. જોકે આ નિયમોનો છેડેચોક ભંગ થતો હોવાની, પોલીસ ખાતા સહિત ઘણા માટે કમાવવાનો ધંધો બની ગયો હોવાની ઘણી ફરિયાદો ઉઠી છે. દરેક ચૂંટણી સમયે પણ ગુજરાતની દારૂબંધી મુદ્દો બને છે.
દારૂબંધી હટાવવાની માગણી કરતી અરજી ગુજરાત હાઈ કોર્ટમાં થઈ છે અને તેની સુનાવણી કોર્ટે સાતમી ઓગસ્ટથી નિર્ધારિત કરી છે. અરજકર્તાઓએ રાઈટ ટુ પ્રાઈવસી અંગેના સુપ્રીમ કોર્ટના ચુકાદાનો સંદર્ભ આપી અરજીમાં જણાવ્યું છે કે વ્યક્તિને પોતાના ઘરમાં લીકર પીવાની પરવાનગી આપવામાં આવે. રાજ્ય સરકારે આ અરજીનો વિરોધ કર્યો હતો અને મહિલાઓના અમુક ગ્રુપ પણ તેમાં જોડાયા હતા.
જોકે બન્ને પક્ષના વકીલોએ આ અરજીઓની સુનાવણી અંગે પોતાની દલીલો રજૂ કરી હતી. એક તરફ આ મહત્વનો મુદ્દો હોય આ અરજીઓની સુનાવણી વહેલી તકે કરવામાં આવે તેવી દલીલ થઈ હતી જ્યારે બીજી તરફ આના કરતા ઘણા મુદ્દાઓ છે જે મહત્વના છે, તેવી દલીલ કરવામાં આવી હતી. હાલમાં કોર્ટે સાતમી ઓગસ્ટના અરજીની સુનાવણી કરવામાં આવશે, તેમ જણાવ્યું છે.
ગુજરાતમાં એક મોટો વર્ગ છે જે આજના સમયમાં દારૂબંધીનો અર્થ સરતો નથી તેમ માને છે. વળી, દેશના અન્ય રાજ્યોમાં જ્યારે આમ નથી ત્યારે માત્ર ગુજરાતના લોકો માટે જ અલગ નિયમ શા માટે તેવી દલીલો ખાસ કરીને યુવાનો કરે છે. તો બીજી બાજુ એક વિશાળ વર્ગ છે જે દારૂબંધીને ઉચિત માને છે. આમાં મહિલાઓનું પ્રમાણ વધારે છે કારણ કે ગરીબ અને નિમ્નવર્ગની મહિલાઓ પરિવારના પુરુષોની નશાખોરીનો સીધો ભોગ બને છે. મારકૂટ, આર્થિક તંગી વગેરેનું કારણ દારૂ બની શકે છે. 2019માં દારૂબંધી વિરોધી અરજી કોર્ટમાં થઈ હતી, જેમાં લોકોને પોતાની ઈચ્છા પ્રમાણે ખાવા-પીવાની સ્વતંત્રતા હોવાનો મુદ્દો પણ રજૂ કરવામાં આવ્યો હતો.