સપ્ટેમ્બર 2022માં અમદવાદના યુનિવર્સીટી એરિયામાં એસ્પાયર-2 નામની કન્સ્ટ્રકશન સાઈટના 13માં માળેથી પડી જવાથી સાત મજૂરો મૃત્યુ પામ્યા હતા. આ કેસની તપાસમાં એસ્પયાર-2 બિલ્ડીંગના કોન્ટ્રાક્ટરોને બચાવવાની કોશિશ બદલ ગુજરાત હાઈકોર્ટે રાજ્યના ગૃહ વિભાગને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ વી.જે.જાડેજા સામે કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા છે.
હાઈકોર્ટ અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ એસ્પાયર-2ના કોન્ટ્રાક્ટર સૌરભ શાહ, નૈમિષ પટેલ અને દિનેશ પ્રજાપતિ દ્વારા દાખલ કરાયેલી જામીન અરજીઓ પર સુનાવણી કરી રહી હતી. સુનાવણી દરમિયાન જસ્ટિસ સમીર દવેએ નોંધ્યું કે પીઆઈ વી.જે.જાડેજાએ તપાસ પૂર્ણ કરવા માટે ઉતાવળ કરી છે અને તે આરોપીઓને મદદ કરી રહ્યા હોવાનું જણાય છે. તપાસને ગંભીરતાથી લેવાની જરૂર છે.
ત્યારબાદ હાઈકોર્ટે રાજ્યના ગૃહ સચિવ અને અમદાવાદ પોલીસ કમિશનરને આ મામલે તપાસ કરવા અને વી.જે.પીઆઈ જાડેજા સામે જરૂરી પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો. વી.જે.જાડેજાએ આરોપીઓ પર લાગેલી આઈપીસીની કલમ 304 હટાવવા અને આઈપીસીની 304Aને યથાવત રાખવા માટે રિપોર્ટ દાખલ કર્યો હતો.
આઈપીસીની કલમ 304 હેઠળ દોષિત આજીવન કેદની સજાને પાત્ર બને છે. જયારે કલમ 304A બેદરકારીને કારણે થયેલા મૃત્યુ બદલ લગાવવામાં આવે છે જેમાં 2 વર્ષની જેલ અને દંડ અથવા બંનેની સજાની જોગવાઈ છે.
જ્યારે કોર્ટે 4 નવેમ્બર, 2022 ના રોજ જાડેજાની અરજી ફગાવી દીધી, ત્યારે જાડેજાએ આઈપીસીની કલમ 304માંથી આરોપીઓને મુક્ત કરવા માટે સી સમરી રિપોર્ટ દાખલ કર્યો. કોર્ટે તેને પણ 11 નવેમ્બરે ફગાવી દીધો હતો.