મુંબઈ: એક ફ્લેટધારકને કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી પાસેથી બિલ્ડિંગની ટેરેસના સમારકામ પેટે રૂ. ૪૬ લાખથી વધુની રકમ વસૂલ કરવાની પરવાનગી મુંબઈ હાઈ કોર્ટે આપી છે. સોસાયટીએ ૧૯૯૨થી તેના તરફ દુર્લક્ષ સેવ્યું હતું. જોકે, આખરે હાઈ કોર્ટે સોસાયટીના પદાધિકારીઓને લપડાક મારી હતી.
દક્ષિણ મુંબઈની એક હાઉસિંગ સોસાયટીની માલમત્તા એવી ટેરેસની દેખભાળ કરવા તરફ દુર્લક્ષ કરીને નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. ૨૦૦૪માં ફ્લેટમાલિકે ગળતર થતી ટેરેસનું સમારકામ કરવાનો ખર્ચ અંદાજે રૂ. ૪૭ લાખ આવ્યો હતો. આ પ્રકરણે કોર્ટે ઘરમાલિકને રાહત આપીને સોસાયટીને ફ્લેટધારકને રકમ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
સોસાયટીએ ૮મા માળા પરની ટેરેસનું સમારકામ અને દેખભાળ કરી હોત તો ૧૯૯૨થી અત્યાર સુધીના સમયમાં ફ્લેટમાલિકે ત્રાસ સહન કરવાનો વારો આવ્યો ન હોત, એવો મત હાઇ કોર્ટે નોંધાવ્યો હતો. નિ:શંકપણે સોસાયટીનું કાર્ય અને તેની ભૂલને કારણએ ફ્લેટમાલિકને ઘણો ત્રાસ વેઠવો પડ્યો હતો, એવું કોર્ટે નિરીક્ષણ કરીને સોસાયટીને ફ્લેટધારકને ઉક્ત રકમ અને બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.