આજે પાંચમી જાન્યુઆરીએ બોલીવૂડ બેબ દિપીકા પદુકોણનો જન્મદિવસ છે. સાઉથની આ છોકરી ફિલ્મી દુનિયામાં આવી ત્યારે ક્યૂટ ગર્લ હતી જે હવે કોન્ટ્રોવર્સી ક્વિન બની ગઈ હોવાનુ ઘણા કહે છે. ફરાહ ખાનની ઓમ શાંતિ ઓમથી તેણે 2007માં હિન્દી ફિલ્મજગતમાં ધમાકેદાર એન્ટ્રી કરી. તે બાદ લવ આજકલ, કોકટેઈલ, બાજીરાવ મસ્તાની, પદ્માવત, ચેન્નઈ એક્સપ્રેસ જેવી સુપરહીટ ફિલ્મો આપી તે સૌથી વધારે મહેનતાણું મેળવતી હિરોઈન બની, પરંતુ થોડા સમયથી તેની ફિલ્મો ટ્રોલિંગ અને કોન્ટ્રોવર્સીનો ભોગ બની. એસિડ એટેકથી પીડાતી યુવતીની કહાની છપાકથી શરૂઆત થઈ. આ ફિલ્મના પ્રમોશનના ભાગરૂપે તે જેએનયુમાં ગઈ અને ટૂકડે ટૂકડે ગેંગના નેતાઓ સાથે મળી ને ભારે ટ્રોલ થઈ. તે બાદ કોરોનાકાળ દરમિયાન તેની ફિલ્મ ગહેરાઈયા તેમાં દર્શાવવામાં આવેલા ઈન્ટિમેટ સિન્સ અને વિચિત્ર સ્ટોરીને લીધે ચર્ચાનો વિષય બની હતી. હવે તેની ફિલ્મ પઠાણ તેના એક ગીતને લીધે ચર્ચામાં આવી છે.
બેશરમ રંગ નામના આ ગીતમા તે બિકની પહેરેલી છે. વળી, આ બિકનીનો રંગ ઓરેન્જ હોવાથી ભાજપના નેતા અને હિન્દુવાદી સંગઠન તેને ભગવા રંગનું અપમાન કહે છે અને ફિલ્મની રિલીઝ સામે વિરોધ નોંધાવી રહ્યા છે. આ સાથે ઘણા સમયથી દિપીકાની બ્લોક બસ્ટર ફિલ્મ ન આવી હોવાથી દર્શકો તેને ધીમે ધીમે ભૂલી રહ્યા છે. જોકે દિપીકા બેશક એક સારી અભિનેત્રી છે અને તેણે પોતાની ઘણી ભૂમિકાઓ દ્વારા આ સાબિત કર્યું છે અને ઘણા એવોર્ડ પોતાને નામ કર્યા છે, આ સાથે હોલીવૂડમાં પણ ચમકી છે. પતિ અને અભિનેતા રણબીર સિંહ સાથે તે સુખી સંસાર માણી રહી છે ત્યારે તેને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.