તો લો અવકાશમાં સાત ફેરા
દરેક વ્યક્તિનું એક સપનું હોય છે કે તેઓ ધામધૂમથી લગ્ન કરે, સંસાર વસાવે. જીવનમાં એકવાર આવતા આ મહામૂલા પ્રસંગ માટે લોકો ડેસ્ટિનેશન વેડિંગનો વિકલ્પ પણ વિચારતા હોય છે. સામાન્યથી કંઇક અલગ, હટકે, નોખી રીતના લગ્ન કરવાની દરેકની ઇચ્છા હોય છે. હવે તમારે માટે અલગ નોખું અને એકદમ હટકે ડેસ્ટિનેશન આવી ગયું છે.
વહાલા જનો, હવે ટૂંક સમયમાં જ તમે વાદળોની પેલે પાર, ઘણે દૂ….ર, ગ્રહના વાતાવરણની પણ બહાર અવકાશમાં જઇને તમારા પ્રેમને લગ્નના પવિત્ર બંધનમાં બાંધી શકશો અને તમારા પ્રિય પાત્ર સાથે સાત ફેરા ફરી શકશો. આ માટે તમારે હવે અવકાશયાત્રી બનવાની જરૂર નથી. તમને કદાચ આ કલ્પના લાગતી હશે, પણ આ સત્ય છે. હવે એક કંપની તમને તદ્ન અલગ અને નોખા સ્થળે ડેસ્ટિનેશન વેડિંગ કરવાની તક આપી રહ્યું છે. તમે હવે પૃથ્વીની બહાર અવકાશમાં જઇને સાત ફેરા ફરી શકશો. અમેરિકાની એક કંપની તમને અવકાશમાં જઇને વેડિંગ કરવાની તક આપી રહી છે. આ કંપનીનું નામ છે ‘સ્પેસ પર્સપેક્ટિવ.’
કંપનીએ તેનું એક અવકાશયાન બનાવ્યું છે, જેને તેણે નામ આપ્યું છે ‘નેપચ્યુન’. આ ‘નેપચ્યુન’ અવકાશયાન તમને 12 માઈલ પ્રતિ કલાકનીઆરામની ગતિથી સુંદર રીતે ઉપર લઈ જશે. આ અવકાશયાન ઇકો ફ્રેન્ડલી છે. મતલબ એમાંથી કાર્બનનું ઉત્સર્જન પણ નથી થતું અને તે રિન્યુએબલ હાઇડ્રોજન વાપરે છે.
આ કંપનીના સહ-સ્થાપક અને સહ-સીઇઓ ટેબર મેકકેલમે જણાવ્યું હતું કે તેમના આ અવકાશયાનમાં બ્રહ્માંડમાં જઇને સાત ફેરા માટે અત્યારથી જ મોટું વેઇટિંગ લિસ્ટ છે. તો તમારે પણ આવા કંઇક નોખા અને હટકે ડેસ્ટિનેશન વેડિંગ કરવા હોય તો તમે પણ તમારુ નામ આ કંપનીમાં નોંધાવી દો.
અરે, પણ એક વાત તો કહેવાની રહી જ ગઇ. અવકાશમાં જઇને સાત ફેરા ફરવા માટે તમારે કિંમત ચૂકાવવી પડશે ફક્ત 1,25,000 અમેરિકી ડોલર.