વારાણસી એ હિન્દુધર્મના શ્રદ્ધાળુઓ માટે તો ખૂબજ મોટું આસ્થાનું સ્થળ છે જે, પણ ઉત્તર પ્રદેશનું આ શહેર ભારતીય સભ્યતા અને જીવનશૈલી, જ્ઞાન, પરંપરાનો પણ પરિચય કરાવે છે. અહીનું સંગીત, ભક્તિ અને ખાણીપીણી પણ અન્ય સ્થળો કરતા અલગ છે. ખાસ કરીને કાશી વિશ્વનાથ મંદિરના જીર્ણોદ્ધાર બાદ આ શહેર વિશ્વના નકશામાં ધાર્મિક પર્યટન સ્થળ તરીકે ખૂબ જ પ્રચલિત થયું છે. જોકે તે પહેલા પણ આ શહેરનો મહિમા અનેરો જ હતો. રાજકીય દૃષ્ટિએ પણ જોઈએ તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આ લોકસભા મતવિસ્તાર છે.
ત્યારે આજે આપણે આટલા ખાસ શહેરની એક સાંકડી ગલીમાં શા માટે જવાનું છે ? તો એ એટલા માટે કે તમને અહીંની એક નાનકડી શોપની મજેદાર લસ્સીની લિજ્જતની વાત કરવાની છે. ‘મુંબઈ સમાચાર’ના કોલમિસ્ટ દેવલ શાસ્ત્રીએ પોતાના ફેસબુક પર આ પોસ્ટ મૂકી છે. તેમણે લખ્યું છે કે વારાણસીના જાણીતા સ્મશાન ઘાટ મણિકર્ણિકા તરફ જવાની નાનકડી ગલીમાં બ્લ્યુ લસ્સી શોપ છે.
વર્ષો જૂની બ્લ્યુ લસ્સી શોપને બ્લ્યૂ કલરથી રંગવામાં આવી છે. વિદેશીઓને લસ્સીનો ટેસ્ટ પસંદ, પણ વારાણસીમાં એડ્રેસ કેવી રીતે સમજાવવું? એક કોરિયન પ્રવાસીએ ઉલ્લેખ કર્યો કે બ્લ્યૂ કલરની શોપમાં ટેસ્ટી લસ્સી મળે છે, અપભ્રંશ થતાં શોપનું નામ બ્લ્યૂ લસ્સી બન્યું.
પૃથ્વીરાજ કપૂરથી સારા અલીખાન સુધી, લગભગ બધા જાણીતા નેતા અભિનેતા લસ્સીને ટેસ્ટ કરી ચૂક્યા છે. લસ્સીમાં લગભગ સો કરતાં વધુ રેન્જ છે. દુકાનમાં દેશી વિદેશીઓ પોતાની મુલાકાતની યાદગીરી માટે પાસપોર્ટ સાઇઝ ફોટો ચોંટાડતા જાય… ખાસ કશું રાચરચીલું નથી, નામ પણ કોઇએ સજેસ્ટ કરેલું છતાં ઓલ્વેઝ વેઇટિંગ…. મેનેજમેન્ટ માટે એટલું જ લેશન કે સારી ક્વોલિટી ઇન્ટરનેશનલ બ્રાન્ડ ઇમેજ બનાવી શકે છે. ફક્ત લોકેશન અને ક્વોલિટી સારી હોવી જોઈએ.
હા, વાત રહી લસ્સીની… એક એકથી ચડિયાતી, મને કોકોનટ સમથિંગ સમથિંગ પસંદ આવી હતી. દરેકના ટેસ્ટ મુજબ લસ્સી મળે, સાવ સાંકળી અને ઢોરોની અવરજવર… ખાસ સ્વચ્છતા નહીં…પણ ઠાઠડીના ફૂલ હાર અને ટિપિકલ સ્મેલ વચ્ચે સ્ત્રી પુરુષ ટેસથી સ્વાદ માણતા હોય એ માનવસ્વભાવની વિશેષતા કહી શકાય. કદાચ નજર સામેનું મૃત્યુ પ્રત્યેક પળને માણી લેવા અજ્ઞાત રીતે મજબૂર કરતું હશે…. શું કીઓ છો… કુછ તો હૈ વારાણસીમેં…