કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેન રિંકુ સિંઘ સંઘરે ગુજરાત ટાયટન્સ સામે કરેલી ફટકાબાજીએ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જ્યો હતો અને છેલ્લી ઓવરમાં મેચ પોતાની ટીમના નામે કરી હતી. આ રિંકુએ રિયલ લાઈફની પીચમાં છગ્ગા નથી માર્યા, પરંતુ ખૂબ ફિલ્ડિંગ ભરી છે. રિંકુનો પરિવાર ખૂબ સામાન્ય જીવન જીવી રહ્યો છે અને તેણે ખૂબ સંઘર્ષ કરી આઈપીએલમાં સ્થાન મેળવ્યું છે. આવા લડવૈયાઓ તમામ ક્ષેત્રમાં સંઘર્ષ કરી રહેલાને પ્રેરણા આપતા હોય છે ત્યારે ચાલો તમને જણાવીએ રિંકુના સંઘર્ષ વિશે.
રિંકુના ઘરની તસવીરો જે ઈન્ટરનેટ પર જોવા મળી રહી છે તે તેની સ્થિતિને વ્યક્ત કરી રહી છે.
રિંકુ ઉત્તરપ્રદેશ અલીગઢનો રહેવાસી છે અને તેના ઘરની જે તસવીરો સામે આવી છે તેના પરથી તેનો સંઘર્ષ શરુઆતના દિવસોમાં કેવો રહ્યો હશે તે જોઈ શકાય છે.
માત્ર એક રૂમના છાપરાવાળા મકાનમાં રહેતા રિંકુએ ધોરણ-9 સુધીનો અભ્યાસ કર્યો છે. પરિવારની ગરીબી તેના ઘરને જોઈને સમજી શકાય છે આમ છતાં તેણે ક્રિકેટ પ્રત્યેની જે લગન હતી, તેને લીધે તે અહીં પહોંચ્યો છે.
રિંકુના પિતા ગેસના સિલિન્ડર ઘરે-ઘરે પહોંચાડવાનું કામ કરે છે. તેઓ આજે પણ આ કામ કરી રહ્યા છે. IPLમાં એન્ટ્રી કર્યા બાદ રિંકુની આર્થિક સ્થિતિ સુધરી અને દીકરાએ પિતાને તેમનું કામ છોડી દેવાનું કહ્યું, પરંતુ તેના પિતાએ આ કામ ચાલું રાખ્યું હોવાનું જાણવા મળે છે. તેઓ કહે છે કે તેમને બેસી રહેવાનું પસંદ નથી માટે પોતાનું ગેસ સિલિન્ડરનું કામ ચાલું જ રાખ્યું છે.
2017માં પહેલીવાર રિંકુને IPLમાં તક મળી હતી. પંજાબ કિંગ્સે તેને ચાન્સ આપ્યો હતો પરંતુ તેને રમવાની તક મળી નહોતી. આ પછી તેને મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા રિજેક્ટ કરવામાં આવ્યો હતો. આમ છતાં તે ક્રિકેટ રમતો રહ્યો અને જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સે તક આપી પછી તેણે પાછળ વળીને જોયું નથી.
2018 તેને KKRએ 80 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. 2018માં KKR તરફથી રિંકુ કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો અને 4 મેચમાં 29 રન બનાવી શક્યો હતો. 2019માં તેને 5 મેચ રમવા મળી હતી, જેમાં તેણે 39 રન બનાવ્યા હતા. 2020માં તેને એક જ મેચ રમવા મળી હતી. જેમાં તેણે માત્ર 11 જ રન બનાવ્યા હતા.
રિંકુએ વર્ષ 2021માં બહુ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું, ઘૂંટણની ઈજાના કારણે તે T20 લીગની બહાર થઈ ગયો હતો. આ પછી તેણે સર્જરી કરાવી પડી હતી. લાંબા સમય સુધી રિહેબમાં રહ્યો તે દરમિયાન કોલકાતા નાઈટ રાઈડર્સે તેની મદદ પણ કરી હતી. પરંતુ તે સમયે તેના પર ખતરો તોળાઈ રહ્યો હતો. રિકુંને ઈજા દરમિયાન મને ટીમમાંથી સારો સપોર્ટ મળ્યો હતો.
રાતોરાત રિંકુ ઘરેઘરમાં ગાજતું નામ થઈ ગયો છે ત્યારે તેના મતાપિતા સહિત સૌ કોઈ ખૂબ ખુશ છે. રિકુંના પિતા જણાવે છે કે તે નાનો હતો ત્યારે ક્રિકેટનો ભારે શોખ હતો પરંતુ હું તેને આ કામ કરવાની ના પાડતો હતો, આમ છતાં તે ક્રિકેટ રમવાનું છોડતો નહોતો. એક સમય પછી મે તેને સામેથી ક્રિકેટ રમવા માટે કહ્યું અને તેણે ક્રિકેટમાં પોતાના રસ પ્રમાણે પ્રસિદ્ધિ મેળવી રહ્યો છે. માતા રિંકુની સફળતાથી આનંદીત છે અને ભાવુક થઈ જાય છે.